જાન્યુઆરી 27, 2011

તમે જે કહો એ…


આકાર ઇન્ટિરીયર્સનો માલિક આકાર દવે જ્યારે ઓફિસમાં પહોંચ્યો ત્યારે ચાર વાગી ગયા હતા. સાઇટ પર દેખરેખ કરવા, સૂચનો આપવા અને સુપરવિઝન કરવા એ ફક્ત ફર્સ્ટહાફ જ પસંદ કરતો. બે વાગ્યા સુધીમાં તો એ ઓફિસ અચૂક આવી જતો. ત્યારબાદ એ તેના જુનિયર આર્ટિસ્ટો સાથે એકાદ કલાકની જોઇન્ટ મિટીંગ કરી લેતો. જેમાં દરેક સાઇટ પર દેખરેખથી માંડીને એના પ્રોગ્રેસની વિગતો, જરૂરી સુધારા વધારા, ઇનોવેટિવ આઇડીયાઝ વગેરેની ઝીણવટપુર્વક ચર્ચા કરતો પછી ઓફિસના રૂટીન હિસાબો ચકાસવાથી માંડીને પાર્ટીના બિલ પેમેન્ટ્સની વિગતો કરી એ સાંજે ઘર ભેગો થઇ જતો. સાંજે પાંચ વાગ્યાની આસપાસ એની પત્ની અર્ચના ફોન કરતી. થોડીઘણી ઘરની વાતો થતી.

 પણ, આજે સાઇટ પરથી જ એ ઘણો મોડો આવ્યો હતો એટલે જે કાંઇપણ કામ કરવાનું હતું તે ઝડપથી પણ ચોકસાઇપુર્વક કરવાનું હતું. એ ફ્રેશ થઇને ઓફિસના કોન્ફરન્સ રૂમમાં આવી ગયો ઇન્ટિરીયર જુનિયર્સ પણ પોતપોતાના પ્રોજેક્ટ્સ લઇને ગોઠવાઇ ગયા હતા.

“ગુડ આફ્ટરનૂન સર.” શ્યામાએ કહ્યું.

‘યસ, ગુડ આફ્ટરનૂન, બોલ આપણા મુરબ્બી નેતા ઘનશ્યામદાસના બંગલાનું કામ કેટલે પહોંચ્યું ?’ આકારે પૂછ્યું.

‘સર, હવે ફિનિશિંગ કામ થઇ રહ્યું છે, ડ્રોઇંગરૂમમાં એક મોટું પિક્ચર લગાવવાનું છે જેનું સિલેક્શન હજુ બાકી છે એ લોકોને મેં ઘણાં પિક્ચર બતાવ્યા પણ ખાસ જામતું નથી.’ શ્યામાએ પોતાનો રિપોર્ટ આવ્યો.

‘તેં કોઇ પિક્ચર્સ વિચાર્યા છે ?’

‘જી સર, એક મોર્ડન આર્ટ છે, ફ્રાન્સના આર્ટિસ્ટનું, બીજું શ્રીનાથજી ભગવાનનો ફોટો અને ત્રીજુ એમના ફેમિલીનો ફોટો આમાંથી કંઇ પણ સિલેક્ટ કરી શકાય.’ પોતાનો અભિપ્રાય આપતા શ્યામાએ કહ્યું.

થોડો સમય આકારે આંખો બંધ કરી અને વિચારવા લાગ્યો. આ એની દર વખતની આદત હતી, જુનિયર આર્ટિસ્ટો એકબીજાની સામે જોતા રહ્યા અને પોતાને પણ કંઇક ક્રિએટીવ વિચાર આવશે એવું માનીને બે જણાએ તો આંખો પણ બંધ કરી જોઇ, થોડીવારે આંખો ખોલીને આકારે કહ્યું, ‘એમના ડ્રોઇંગરૂમમાં ગીતા ઉપદેશ આપતું કૃષ્ણ-અર્જુનનું બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર-પેન્સિલ સ્કેચવાળું બનાવડાવીને લગાવી દો.’

‘સર, આ પ્રકારનું પિક્ચર સિલેક્ટ કરવાનું કારણ જણાવશો. જેથી ઘનશ્યામદાસને સમજાવતાં ફાવે.’

‘ઘનશ્યામદાસએ રાજકારણી છે. મહાભારતમાં કૃષ્ણ જેવો કોઇ રાજકારણી આજ સુધી પેદા નથી થયો અને એ એમના લીવીંગરૂમમાં રહેવાથી એમને સતત આંખ સામે રહેશે કે રાજકારણીની ફરજ શું છે ? એમાં કેવા કાવાદાવા કરીને આગળ વધવું, વગેરે વગેરે… અને બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં મૂકવાનું કારણ એ જ કે એમને રાજકારણમાં ઘણાં કાળાધોળા કરવા પડતા હોય છે. એટલે એમને યાદ રહે કે કેટલો કાળો રંગ સફેદમાં સમાઇ શકે છે. વધારે પડતો કાળો રંગ આખા બંગલાની મજા મારી નાખે છે.’

‘હં હવે સમજાયું કે તમે આખો બંગલો બ્લેક એન્ડ વ્હાઇટની થીમ પર ઇન્ટિરિયર કેમ કર્યો છે.’ રીમા બોલી.

‘અને એ બંગલાનું કામ શ્યામાને આપવાનું કારણ પણ એ જ છે કે શ્યામાનો મતલબ પણ કાળો થાય છે.’ આકાર હસ્યો.

‘આમ જુઓ તો સફેદ એ રંગ નથી, કાળો રંગ છે, સફેદમાં સાત રંગો સમાયા હોય છે. ત્યારે જ એ સફેદ રંગ થાય છે.’ શ્યામાએ કહ્યું.

‘ચલો હવે રીમા તારું અપડેશન આપ.’

‘સર, ચાર્ટર્ડ એકાઇન્ટટ સાહેબની ઓફિસ તૈયાર થઇ ગઇ છે. એ જે કેબીનમાં બેસવાના છે એ વોલની ટેકસ્ચર્સનું

સિલેક્શન કરવાનું છે.’ રીમા બોલી.

‘ક્યાં રંગો કરીશ ?’

‘તમે જે કહો એ ?’

‘કેમ ?, દર વખતે હું કહું એમ જ કરવાનું ?’ પછી એ  થોડું વિચારીને બોલ્યો, ‘એમની કેબીનમાં આઇવરી કલર કરી નાખો અને એ જ કલરનું ટેક્સચર સામેની દિવાલ પર કરી નાખો. કારણ કે સી એ સાહેબને આખો દિવસ આંકડાઓની માયાજાળમાં રમવાનું હોય છે એટલે એમને બને તેટલો સિમ્પલ લૂક આપશો તો એમને માનસિક શાંતિ મળશે અને કોન્સ્ટ્રેશન જાળવવામાં મદદ રહેશે.’

એ પછી કવિતાનો ટર્ન આવ્યો, એ એક એડવર્ટાઇઝ એજન્સીની ઓફિસ બનાવી રહી હતી, ‘કઇ થીમ પર બનાવી ઓફિસ.’

‘તે શું વિચાર્યું છે ?’

‘કંઇ ખાસ નહી, તમે જે કહો એ.’

આકારે એડ એજન્સીની ઓફિસની થીમ સમુદ્રની દરેક વેરાઇરીઝ પ્રમાણે નક્કી કરી. જેનું કારણ હતું કે એડ એજન્સી દુનિયાથી અલિપ્ત થઇને પોતાનું કામ કરતી હોય છે અને સમુદ્રની દુનિયા પણ આપણી દુનિયાથી અલગ હોય છે. આ ઉપરાંત એડ એજન્સીનું નામ જ ‘સમુદ્ર એડ્સ’ હતું.

આકારના મોબાઇલમાં રીંગ વાગી એણે સાયલન્ટનું બટન દબાવીને મોબાઇલને ચૂપ કરી દીધો. આ ફોન એની પત્નિનો હતો. દરરોજ સાંજની જેમ એ આજે પણ એની સાથે વાત કરવાની હતી. આકાર ઝડપથી મીટીંગ આગળ વધારતો રહ્યો. દરેકે દરેક પ્રોજેક્ટમાં એના જુનિયર્સનો ઓપિનિયન લેતો અને પછી પૂછતો તમારો શું વિચાર છે ? પછી લગભગ બધાં જ છેલ્લું વાક્ય બોલતાં ‘તમે જે કહો એ’ અને આકાર જે સૂચનો આપતો એ પ્રમાણે ઇન્ટિરિયર તૈયાર થતું જે બંગલાના, ઓફિસના માલિકને તો ગમતું પણ ત્યાં જોવા આવનારા દરેકે દરેકને એનો ઇનોવેટિવ આઇડિયા ગમતો. લોકો પૂછતાં પૂછતાં આકારની ઓફિસે આવી જતાં અને એમની પ્રોપર્ટીનું ઇન્ટિરિયર ડિઝાઇનીંગનું કામ મળતું. આમને આમ એનો બિઝનેસ ઉછળવા માંડ્યો, સમુદ્રમાં મોજા ઉછળે એમ.

આકારે ઝડપથી મીટીંગ ખતમ કરી ત્યારબાદ ઘરે અર્ચનાને ફોન કર્યો.

 હેલ્લો, બોલ શું હતું.’ આકારે કહ્યું.

 ‘બસ એમ જ ફોન કર્યો હતો, બહુ બીઝી હતો ?’

 ‘હા, તું બપોરે સૂતી હતી.’

 ‘હા, ખાસ ઉંઘ ન આવી એટલે તમને ફોન કરી લીધો ડાર્લીંગ.’

 ‘સારું થયું.’ આકાર હસ્યો.

 ‘સાંજે શું બનાવું ?’ અર્ચનાએ પૂછ્યું.

 ‘જે બનાવવું હોય એ બનાવ. તારા હાથની દરેક રસોઇ મને ભાવે જ છે.’

 ‘ના, દરરોજ આવું જ કહો છો. ખોટા મસ્કા મારવાના બંધ કરી દો. લગ્નને હવે આઠ વર્ષ થયાં.’ અર્ચના હસી પડી.

આકાર અને અર્ચના ના લગ્ન આઠ વર્ષ  પહેલા થયા હતા. જયારે આકારે અર્ચનાને પેહલી વાર જોઈ હતી ત્યારથી જ એ એની શરબતી આંખો અને રેશમી ઝુલ્ફોના પ્રેમમાં પડી ગયો હતો, જે આજે પણ અકબંધ હતો.

‘શું બનાવીશ.’ આકારે શાંતીથી પૂછ્યું.

‘તમે જે કહો એ.’

‘આકારે આંખો બંધ કરી. ભારતીય ભોજનનાં લગભગ બધાં વ્યંજનો એણે એના માનસપટ પર લાવી દીધાં, વિચારી લીધાં પછી બોલ્યો.

 ‘શાક અને ભાખરી ?’

 ‘ગઇકાલે રાત્રે તો એ જ જમ્યા હતાં, બીજું કંઇ બોલો.’

 ‘વઘારેલી ખીચડી, પાપડ, ચટણી અને ભાખરી ?’

 ‘રોજ શું ખીચડી ખાવાની.’

 ‘બટાટા વડા કે દાળવડા.’

 ‘એનાંથી પેટ નહી ભરાય.’

 ‘દહીંવડા.’

 ‘સવારે વહેલાં કહેવું હતું ને, દાળવડાનું વહેલા પલાળવું પડે.’

 ‘મસાલા ઢોંસા કે ઇડલી.’

 ‘એ પણ સવારે પલાળવું પડે. આથો ન આવે.

 ‘બટાટા પૌંઆ.’

 ‘છોકરાઓ ના પાડે છે.’

 ‘છોલે પૂરી ?’

 ‘રાત્રે છોલે પૂરીથી તને ગેસ થઇ જાય છે.’

 ‘પાલકના પરોઠા ?’

 ‘ના એ મને નથી ભાવતાં.’

 ‘દાલફ્રાય અને રાઇસ ?’

 ‘ના સવારે તો દાળભાત ખાધા હતા.’

 ‘રવા ઇડલી ?’

 ‘ઘરમાં રવો નથી અને હું રવો લેવા બહાર જવાની નથી.’

 ‘કંઇક પંજાબી સબ્જી બનાવી નાખ.’

 ‘ના એમાં સમય બહુ લાગે છે.’

 ‘ભાખરીનાં પીઝા ?’

 ‘ના ચીઝ વાળી વસ્તુ ખાવાથી તારું કોલેસ્ટરોલ વધી જશે.’

 ‘ભાજીપાંવ.’

 ‘એનાથી એસીડીટી થઇ જાય છે.’

 ‘બહાર હોટલમાં જઇએ તો ?’

 ‘અવારનવાર હોટલનું જમવાથી પેટ ખરાબ થઇ જાય.’

 ‘રગડા પેટીસ.’

 ‘એતો કંઇ ખાવાનું છે.’

 ‘પાણી પૂરી.’

 ‘એ ડિનરમાં ન ચાલે.’

 ‘લોચા પૂરી.’

 ‘એકલી પૂરી ? કેવું લાગે ?’

 ‘અળવીના પાન ?’

 ‘ના, કૂકરની સીટી બગડેલી છે.’

 ‘હાંડવો ?’

 ‘અત્યારે ન બને ડાર્લિંગ, સવારથી પલાળવું પડે, આથો લાવવો પડે.’

 ‘હું બહારથી ટીફીન લાવું તો.’

 ‘બહારનું તો ખાવું જ નથી.’

 ‘તો શું બનાવીશ.’ આકારે બિલકુલ કંટાળ્યા વગર પૂછ્યું.

 ‘તમે જે કહો એ’ અર્ચનાએ કહ્યું.

*         *        *

Advertisements
માર્ચ 10, 2017

Life’s First Poem


लम्हा……..

वक़्तसे गीरा एक लम्हा जो तुम्हारे साथ था,

वोही तुम थी वोही मैं था

वहा ऑफिस की बाते करते थे,

यहाँ जिंदगी की बाते करते रहे,

मैं बोलता रहा तुम सुनती रही

क्या कहना था  क्या कह दिया मालूम नहीं

कुछ भूल गया, कुछ बोल गया

घंटो का वक़्त ऐसे बिता जैसे एक छोटा सा लम्हा बिता

अचानक वक़्त को हुआ एह्सास बिछड गया है एक लम्हा

जाने वक़्तसे फिर कब वो लम्हा गिरेगा

સપ્ટેમ્બર 17, 2011

બીસ સાલ બાદ.. (ઇનામ વિજયી વાર્તા)


(નોંધ : આ વાર્તા કાશ્મીરની પૃષ્ઠભૂમિ પર લખાયેલી છે, જેમાં પાત્રો કાશ્મીરી હિંદુ મુસ્લિમ છે. તેથી વાર્તામાં ઉર્દુ-અરબી જબાનનો સહારો લીધેલો છે. વળી, આખરે તો એ ગુજરાતીમાં જ લખી હોવાથી એક વળાંક પછી ગુજરાતી ભાષામાં જ વાતચીત આલેખી છે. આશા છે કે મારા આ પ્રકારના પ્રયોગ ને આવકારશો.)

સાંજનો સમય હતો. તડકો પોતાની પાંખો સંકેલીને વાદળો પાછળ છુપાવા જઇ રહ્યો હતો. શ્રીનગરની સડકો પર લોકોના પડછાયા લાંબાને લાંબા થઇ રહ્યા હતા. ઉનાળાનો સમય હતો, વાતાવરણ ખુશનુમા હતું. અલબત, ઠંડક જ હતી પણ ઠંડી નહીં. લાલચોકમાં બાનુઓ ખરીદી કરીને ઝડપથી ઘરનો રસ્તો પકડી રહી હતી. દુકાનો અને બજારો આજકાલ અંધારું થતાં પહેલાં જ બંધ થઇ જતી હતી. અંધારું થતાં સુધીમાં તો લોકોની ચહલકદમી સાવ ઓછી થઇ જતી હતી. પોલીસ કરફ્યુ જાહેર કરે કે ન કરે પણ કાશ્મીરી પ્રજા પોતાની મેળે જ કરફ્યુ પાળી લેતી હતી. આ કરફ્યુ ફક્ત પાળવા માટેનો ન હતો પણ, દહેશતનો હતો. વારંવાર ક્લાશ્નિકોવના અવાજો તેમના કાને એટલા બધાં ગુંજતા રહેતા કે એમને જિંદગીનો હવે જરાય ભરોસો લાગતો ન હતો. ખુદા ન કરે ક્યારે ક્લાશ્નિકોવમાંથી વછુટેલી ગોળી પોતાની છાતી ચીરીને આરપાર નીકળી જાય અને પોતાનું મોત થઇ જાય. છેલ્લાં એક વર્ષથી તો આખાયે કાશ્મીરને તેની સુંદરતા ઉપર જાને કોની નજર લાગી ગઇ હતી કે અહીં અવારનવાર તોફાનો, બંદુકબાજી, અપહરણ, બળાત્કાર, લૂંટ-ફાટ, માર-ધાડ અને તેવા કેટલાયે લોહીયાળ તમાશા થતાં રહેતાં. જેના કારણે આખાયે વિશ્વમાં કાશ્મીર આતંકવાદી પ્રવૃતિ માટે બદનામ થઇ રહ્યું હતું. કાશ્મીરમાં ચાલી રહેલી તરેહ તરેહની લડતોથી કાશ્મીર અશાંત, ત્રસ્ત અને બેબાકળું બની રહ્યું હતું. જ્યાં જુઓ ત્યાં હેન્ડગ્રેનેડના ધમાકાઓ કાન ફાડી નાખે એવા ક્લાશ્નિકોવમાંથી નીકળતાં ગોળીઓના અવાજો કટ્ટરપંથીઓ તરફથી વારંવાર બહાર પડાતા ફતવાઓથી કાશ્મીરની ધરતી અત્યંત વ્યગ્ર અને લોહીયાળ બની રહી હતી. ત્રણ દિવસ પહેલાં જ અનંતનાગમાં એક હિન્દુ યુવતીનું ભાંગફોડીયા તત્વોએ અપહરણ કરી, બળાત્કાર કરી એની લાશને ઘાટીમાં ફેંકી દીધી હતી, ત્યારથી તો હિન્દુ-પંડિતોની સ્ત્રીઓએ આખાયે કાશ્મીરમાં એકલા બહાર નિકળવાનું જ છોડી દીધું હતું. કાશ્મીરમાંથી પંડિતોને હાંકી કાઢવાની જે ઝુંબેશ કટ્ટરવાદીઓએ શરૂ કરી હતી. એનાથી તો કેટલાયે નિર્દોષ પંડિતોની હત્યા થઇ ચૂકી હતી અને લાખો લોકો પોતાના ઘર છોડીને – પોતાનું વતન છોડીને સરકારી છાવણીઓમાં – કાશ્મીરથી દૂર વસવાટ કરવા જઇ રહ્યા હતા.

પૂજાના દિલની ધડકનો તેજ થઇ રહી હતી. મનમાં જબરદસ્ત ફડક પેસી ગઇ હતી અને એણે લાલચોકમાં આવેલી છાવણી તરફ પહોંચવા ઝડપ વધારી દીધી. એનાં ચપ્પલમાંથી આવતો ચટાક ચટાક અવાજ એનાં જ મનમાં ડર પેદા કરી રહ્યો હતો. મમ્મી-પપ્પાની ના હોવા છતાં એ શું કામ દિલ્હીથી અહીં આવી હતી. સમાજસેવા તો ત્યાં પણ થઇ શકે તેમ હતી. તો શું કામ જીવના જોખમે અહીં સમાજસેવા કરવા આવી. વળી,એની એનજીઓ ‘મેનકાઇન્ડે’ તો એને કાશ્મીર જવા માટે દબાણ પણ કર્યું ન હતું. અલબત, પૂજાએ જ કાશ્મીરની પરિસ્થિતિ જાણ્યા બાદ એની સીનીયરને કાશ્મીરના ડેલીગેશનમાં પોતાને સામેલ કરવા વિનંતી કરી હતી. પૂજા છેલ્લાં વીસ દિવસથી અહીં શ્રીનગરમાં પિડિતોની સેવા કરી રહી હતી, પણ આજે એને એવું લાગી રહ્યું હતું કે કાશ્મીરમાં આવીને એણે પોતાના જીવને જોખમમાં મૂકી દીધો હતો. દિલ્હીમાં એનાં મમ્મી-પપ્પાને પણ કેટલી ચિંતા થતી હશે ? એ વિચારોમાં ને વિચારોમાં ‘મેનકાઇન્ડ’ની છાવણી તરફ આગળ વધી રહી હતી. વાતાવરણ બેબાકળું લાગી રહ્યું હતું. ખુમચાવાળાઓને લે જાવ, લે જાવ અવાજ વાતાવરણમાં ઓર તંગદીલી લાવી રહ્યું હતું.

અચાનક જ પૂજાથી લગભગ સો મીટર દૂર બૉમ્બ ધડાકાનો અવાજ સંભળાયો. પૂજાએ પાછળ તરફ નજર કરી તો ધૂમાડાના કાળા કાળા ગોટાઓ આકાશમાં ઉડી રહ્યા હતાં. લોકોની ચીસો, ઘાયલોના ચિત્કારો અને મસ્જિદમાંથી લાઉડસ્પીકરો ધર્મઝનૂની અવાજોએ પૂજાને ડરાવી દીધી. એણે લોકોની દોડાદોડી સાથે કદમ મિલાવી દોડવા માંડ્યું. આખરે પોતાના જીવ બચાવવો એ દરેક મનુષ્યનો પ્રથમ ધર્મ હતો.. પૂજા જેમ બને તેમ લોકોના ટોળામાં જ દોડી રહી હતી. જેથી ભાંગફોડીયા એને પોતાના પહેરવેશ ઉપરથી હિન્દુ તરીકે ઓળખી ન લે. એવામાં બે બંદુકધારી બુકાનીધારીઓએ પૂજાને આંતરી લીધી. પૂજાના શરીરમાંથી અદ્રશ્ય કંપારી છુટી ગઇ. ‘અબે ઓ કાફીર લડકી, કિધર જા રહી હો ?’ બે માંથી એક બંદુકધારીએ રૂક્ષ સ્વરે પૂછ્યું ?

‘અપની છાવની મેં.’ એણે ગભરાતા સ્વરે કહ્યું.

એવામાં એક બંદુકધારીએ એને ઉંચકીને ખભા પર નાખી દીધી. બીજો આજુબાજુ નજર રાખતો એની પાછળ દોડવા લાગ્યો. મિલિટરી ધમાકાની તરફ દોડી રહી હતી. વળી, અપહરણકારો ટોળામાં દોડી રહ્યા હતા એટલે મિલિટરીની નજર જલદીથી પડી શકે તેમ ન હતી. આજુબાજુ દોડી રહેલા લોકો પોતાના જીવ બચાવવામાં એટલા બધા મગ્ન હતા કે આજુબાજુ શું થઇ રહ્યું છે તેનું ધ્યાન જ ન હતું. પૂજાએ અપહરણકારના હાથમાંથી છુટવા પ્રયત્નો ચાલુ રાખ્યાં. વળી, આતંકવાદીઓએ પૂજાના મોઢા પર એક કાળું કપડું લગાવી દીધું હતું. જેથી પૂજાને કંઇ જ દેખાતું ન હતું. પૂજાની છટપટાહટ બિલકુલ નિષ્ફળ હતી. એવામાં અચાનક જ અપહરણકાર સાથે કોઇ અથડાયું હોય તેવું અનુભવ્યું અને એ એકદમ જમીન પર પટકાઇ પડી. એણે ઝડપથી માથા પર ઢાંકેલું કાળું કપડું કાઢી નાંખ્યું અને સામેનું દ્રશ્ય જોયું તો એક જુવાનજોધ છોકરો બંને આતંકવાદીઓ સાથે મૂઠભેડ કરી રહ્યો હતો. એક તરફ નાશભાગ, મિલિટરીની દોડાદોડી, હવામાં ફાયરીંગ, બૉમ્બ ધડાકાના કાળા ગોટેગોટા, બધુ જ એકદમ અસ્તવ્યસ્ત થઇ રહ્યું હતું. એવામાં દૂરથી એક મિલિટરીએ બંદુકધારી આતંકવાદી સામે બંદુક ધરી અને હેન્ડસ અપનો આદેશ આપ્યો. અને આતંકવાદી જેવો ભાગવા જાય તેવો જ મિલિટરીએ ગોળી છોડી જે એની બાજુમાંથી નીકળી ગઇ. પેલા યુવાને ઝડપથી તરાપ મારીને એને પકડી લીધો. મિલિટરીમેને બીજો ગોળીબાર કર્યો અને બંદુકધારી આતંકવાદી ત્યાં જ ઢળી પડ્યો. પેલા યુવાને હવે મિલિટરીમેન સામે આંખમાં આંખ મિલાવતા હાથ ઉંચા કરી, “મૈં સિવીલીયન હું સા’બ” કહી પોતાનો બચાવ કરતા કહ્યું. બીજો બંદુકધારી આતંકવાદી બિલકુલ આભો જ થઇ ગયો. તેણે પૂજાની આંખોમાં જોયું. પૂજા એની લાલ-તગતગતી આંખો જોઇ જ રહી. અલબત, એ આતંકવાદીનો ચહેરો ઢંકાયેલો હતો એટલે એ ફક્ત લાલ આંખો જ જોઇ શકી.

પેલા યુવાન અને મિલિટરીમેન કંઇ પણ સમજે એ પહેલા એ આતંકવાદી ઝડપથી ટોળા ભેગો જ બાજુની ગલીમાંથી અદ્રશ્ય થઇ ગયો. મિલિટરીમેન એ ટોળામાં આતંકવાદીને શોધતો શોધતો ભીડમાં ઓગળી ગયો.

“ઠીક હુઆ મૈં આ ગયા” યુવાને કહ્યું. પૂજા હજુ હાંફતી જ હતી. એની સાથે બનેલા બનાવથી એ હેબતાઇ ગઇ હતી. એનાં મોંમાંથી હજુ શબ્દો નિકળતા ન હતાં. આજુબાજુ દોડાદોડી ધીમે ધીમે ઓછી થઇ રહી હતી. દુકાનોના શટર ફટાફટ બંધ થઇ રહ્યાં હતાં. એણે પેલા યુવાનને પાણી પિવાનો ઇશારો કર્યો. પેલો યુવાન એક બંધ થઇ રહેલી દુકાનમાં લઇ ગયો.

‘અબુજી, મૈં હું કુનાલ કૌલ, દરવાજા ખોલીએ.’યુવાને દરવાજે દસ્તક દેતા કહ્યું

‘તું બેટા, યહાં ક્યાં કર રહા હૈ?’ અંદરથી અડધુ બારણું ખુલ્યું અને એક આધેડ વયના મુસ્લિમ બિરાદર બહાર આવ્યાં.

‘અબુજી, અભી જો બમ ધડાકા હુઆ, ઉસકે બાદ યે લડકીકો દો આતંકવાદી ઉઠાકે લે જા રહે થે, તો મૈને ઉસે અભી અભી બચાયા હૈ, ઉસે થોડાસા પાની પીના હૈ, ઉસકી સાંસ ફુલ ગઇ હૈ, ઔર વો ડર ભી ગઇ હૈ.’

‘ઠીક હૈ દોનો અંદર આ જાઓ.’ બંને અંદર તરફ ગયા. લાલચોકમાં રહેલી આ બહુ જ નાની દુકાન હતી. અબુજી અહીં કેસરનો વેપાર કરતાં એક કાશ્મીરી સામાન્ય મુસ્લિમ હતા. કુનાલ કૌલ અને અબુજી એક જ મહોલ્લામાં લાલચોકની પાછળની બાજુ રહેતાં હતાં એટલે બંને એકબીજાને બહુ સારી રીતે ઓળખતા હતાં. કુનાલ અવાર નવાર અબુજીની દુકાને આવતો અને વાતો કરતો.

અબુજીએ બંનેને પાણી આપ્યું. થોડો ઘણો પરિચય પણ કર્યો.

“અચ્છા હુઆ આપ મસીહા બન કે આ ગયે, વરના મૈં આજ જિંદગીસે હાથ ધો બૈઠતી.”
‘હા, સહી બાત હૈ બેટી, યે જો કુનાલ હૈના હરબાર આતંકવાદીઓ કે સાથ ભીડ જાતા હૈ ઔર હરબાર પરવરદિગાર
ઇસી કો હી ફતેહ દિલાતે હૈ.’ અબુજીએ કહ્યું. દુકાનનો દરવાજો સહેજ અધખુલ્લો હતો. લાલચોકની બધી જ ચહલ પહલ અહીંથી સ્પષ્ટ દેખાતી હતી.

‘ક્યા નામ હૈ આપકા.’ કુનાલે પૂછ્યું.
‘પૂજા, પૂજા વર્મા ફ્રોમ દિલ્હી.’
‘દિલ્હી સે યહાં ? ક્યો ?’ કુનાલ ચોંક્યો અને બંદુકમાંથી ગોળી વછૂટે એમ પ્રશ્ન નીકળી ગયો.

‘મૈં એક મેનકાઇન્ડ નામકી સમાજસેવા સંસ્થામે કામ કરતી હું. યહાં લાલચોક કે પીછે હમારી છાવની હૈ, મૈ યહાં પિછલે બીસ દિન સે સેવા બજા રહી હું, ઔર દસ દિન કે બાદ મેરી ડ્યુટી ખતમ હોગી.’

‘ઇતના કુછ હોને કે બાદ ભી આપ ઓર દસ દિન રહેગી ?’
‘મૈ ડર કે ઘર ચલી ગઇ તો બાકી લોગ ભી ડર કે ઘર ચલે જાયેંગે તો ફીર સમાજસેવા કૈસે હોગી. કાશ્મીર સે જો પંડિતો કો નિકાલા જાતા હૈ, ઉનકી સેવા કૌન કરેગા ? કિસીના કિસી કો તો જોખીમ ઉઠાના હી પડેગાના.’ પૂજાએ કહ્યું.

કુનાલ અને અબુજી પૂજાના સ્પષ્ટ, નિડર અને મક્કમ ઇરાદાવાળું વિધાન સાંભળીને ચોંકી ઉઠ્યા. બહાર વાતાવરણ થોડું શાંત થયું હતું. પણ, કરફ્યુ લદાઇ ગયો હતો. સાંજનું અંધારું થોડું ઘેરું થઇ રહ્યું હતું.

‘ચલો મેં આપકો છાવની તક છોડ દેતાં હું.’ કુનાલે કહ્યું.
‘લેકીન કરફ્યુ મેં કૈસે જાયેંગે.’
‘આપકે પાસ તો આપકા એનજીઓ કા આઇ-કાર્ડ હૈના, મુજે હી આપ અમને સાથ લે લો. કોઇ પૂછે તો બતા દેના કી યે નિર્વાસિત પંડિત હૈ ઉસે મે મેનકાઇન્ડકી છાવનીમેં લે જા રહી હું.’ બંને થોડું હસ્યા, વાતાવરણમાંથી ગંભીરતા થોડી ઓછી થઇ.

‘ઓર અબુજી આપ ક્યા કરેંગે ?’ પૂજાએ ફિકર વ્યક્ત કરતા પૂછ્યું.
‘યે દુકાનકા પિછલા દરવાજા હૈ વહાં સે હમારા મહોલ્લા શુરુ હોતા હૈ, વહાં કરફ્યુ ભી નહી લગતા. ઇસી લીયે મેં તો પાંચ મિનટમેં અપને ઘર ચલા જાઉંગા.’
ત્યાર બાદ પૂજા અને કુનાલ લાલચોકમાંથી છાવણી તરફ ચાલતાં નિકળ્યાં અને અબુજીએ અંદરથી દુકાન બંધ કરી અને પાછળની બાજુથી ઘર તરફ રવાના થઇ ગયા.

લાલચોકમાં આતંકવાદીની જે લાશ પડી હતી ત્યાં ચાર-પાંચ લશ્કરી જવાનો એની તપાસ કરી, કાગળમાં રીપોર્ટ લખી રહ્યાં હતાં. આખાયે લાલચોકમાં મિલિટરીના જવાનો સિવાય કોઇ જ દેખાતું ન હતું. આકાશી અંધારું શ્રીનગરની સડકો પર ઉતરી ગયું હતું. બંનેએ ધીમે ધીમે ચાલવા માંડ્યું.

‘અબે ઓ લડકી.’ પાછળથી એકદમ રૂક્ષ અને કરડાકી ભર્યો અવાજ આવ્યો. પૂજાના આખા શરીરમાંથી ફરી એક અદ્રશ્ય કંપારી છુટી ગઇ. એણે કુનાલનો હાથ અનાયાસે જ પકડી લીધો.

‘કિધર જા રહી હો ?’ એ મિલિટરીમેન હતો એણે તપાસ ખાતર પૂછ્યું.
‘સર, મેં મેનકાઇન્ડ એનજીઓમે કામ કરતી હું ઔર ઇધર બમ ધમાકા હુઆ તો મેરે કો યહાં કીસીકી દુકાનમે રૂકના પડા થા. અબ મેં અપની છાવનીમે જા રહી હું.’ એણે પોતાની આઇ-કાર્ડ બતાવ્યું. જે મિલિટરીમેને ટોર્ચ કરી તપાસી લીધું.

‘ઓર યે લડકા ?’
‘વો મેરે સાથ હી હૈ. લેકીન ઉસકે પાસ આઇ-કાર્ડ નહીં હૈ.’

‘ઠીક હૈ ચલો મેં આપકો છોડ દેતા હું.’
‘નહીં સર, હમ ચલે જાયેંગે, પાંચ મિનટ કા તો રાસ્તા હૈ.’
‘ઠીક હૈ જલ્દીસે પહોંચ જાના’ કહી મિલિટરીમેન નીકળી ગયો. બંને ઝડપથી છાવણી તરફ ચાલવા લાગ્યાં.

‘તેં એવું કેમ કહ્યું કે આની પાસે આઇ-કાર્ડ નથી ?’
‘તો શું થયું ? ખોટું બોલતા પકડાઇ ગયા હોત તો વધારે મુશ્કેલી થઇ જાત.’ પૂજાએ કુનાલનો હાથ હજુ પણ પકડી રાખ્યો હતો. અલબત, હવે એ પકડ વધારે મજબુત હતી. જેણે પોતાનો જાન જોખમાં મૂકીને એને બચાવી હતી. એનાં હાથને તો મજબુતીથી પકડી રાખવો પડે ને. કદાચ, આ એ જ હાથ હતો જે પૂજાને જિંદગીભરની સલામતી આપવાનો હતો. પૂજા જેવી અતિસુંદર છોકરીનો પતિ અતિ પડછંદ અને જવાંમર્દ જ હોવો જોઇએ. જેથી ભવિષ્યમાં પણ બદમાશોની બુરી નજર સામે રક્ષણ આપી શકે.

છાવણી આવી ગઇ, પૂજાએ એના સ્ટાફ મેમ્બરો સાથે કુનાલની ઓળખાણ કરાવી. કુનાલે છાવણીમાં જોયું તો કેટલાંયે પંડિતો પોતાની જન્મભૂમિને પોતાના ઘરને પોતાના વતનને છોડીને અહીં વસવાટ કરી રહ્યા હતા. આ પિડિતોને પોતાની પિડામાંથી કોણ બહાર કાઢી શકશે. કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી ખદેડવાની ઝુંબેશ એ ફક્ત થોડા સમય પૂરતી કે થોડા લોકોના ગુઠ પૂરતી મર્યાદિત ન હતી. પરંતુ સદીઓથી ચાલી રહેલી હિન્દુ-મુસ્લિમ નફરતનો એક ભાગ હતો, અધુરામાં પુરું ભારત-પાકિસ્તાનની આઝાદી પછી, પાકિસ્તાનની કાશ્મીર પચાવી પાડોની ઝુંબેશનો જ એક ભાગ હતો.

‘કંઇ ખાઇશ.’

‘ના. મને ભૂખ નથી, હવે હું જાઉં છું.’
‘ના, બેસ થોડી વાર. હું પણ તારી સાથે બેસવા માંગુ છું.’

‘શું કામ છે.’
‘બસ, એમ જ. જ્યારથી તે મને બચાવી છે ત્યારથી ખબર નથી પણ તું મને ગમવા લાગ્યો છે.’

‘પહેલી જ મુલાકાતમાં.’
‘કેમ પ્રેમ તો પહેલી જ નજરે અને પહેલી જ મુલાકાતમાં થાય છે. એવું મેં ઘણી ચોપડીઓમાં વાંચ્યું છે….’

‘મને પણ તું ખુબ ગમવા માંડી છે, તને આતંકવાદીઓના હાથમાંથી છોડાવતી વખતે મારા દિલમાં કંઇક ઝણઝણાટી થઇ ગઇ હતી.’
બંને હસી પડ્યા.

બીજા દિવસે સાંજના સમયે એ લોકો લાલચોકમાં મળ્યાં. બંનેને એકબીજાની હૂંફ કાશ્મીરની ઠંડી સામે રક્ષણ આપી રહી હતી. વાતો થતી રહી પ્રેમની અને નફરતની. અલબત, નફરત એટલે હિન્દુ-મુસ્લિમ નફરતની હવા કે કાશ્મીરમાં ચાલી રહી હતી એની.
બંને જણાં થોડી વાર પછી અબુજીની દુકાને આવ્યાં. ત્રણેય જણાં વાતો કરતા રહ્યા – કેસરની ખેતીની અને કાશ્મીરની સમસ્યાની.

‘અબુજી, આ પંડિતો ભગાવોની ઝુંબેશ ક્યારે ખતમ થશે ?’
‘ક્યારેય નહી કદાચ, આ વંટોળ પાકિસ્તાન તરફથી ફુંકાઇ રહેલો વંટોળ છે. વળી ભારત આઝાદ થયું ત્યારથી કાશ્મીરનો ભારત સાથેના જોડાણનો પ્રશ્ન તો ઉભો જ છે એટલે સ્થાનિક કાશ્મીરી પ્રજાના મનમાં પણ અવઢવ છે કે કાશ્મીર ખરેખર સ્વતંત્ર હોવું જોઇએ કે ભારત સાથે જોડાયેલું હોવું જોઇએ કે પછી પાકિસ્તાન તરફ જોડાયેલું હોવું જોઇએ. આ ઉપરાંત કટ્ટરવાદીઓનાં દિશાવિહિન ભાષણો આ દુવિધામાં વધારો કરે છે, વળી કાશ્મીરનો ઔદ્યોગિક વિકાસ નથી થયો એટલે કામ ધંધા વગરની પ્રજાને આવા કાર્યોમાં વધારે રસ પડે. આ બધુ ચાલતું જ રહેશે, કદાચ બધા પંડિતો કાશ્મીર છોડી દે પછી તોફાનો ઓછા થઇ શકશે.’

‘પણ હું કાશ્મીર છોડવાનો નથી, મારા મોત પછી પણ નહીં. આ ભૂમિ જેટલી મુસ્લિમોની છે એટલી જ હિન્દુઓની છે. પંડિતોની છે. સદીઓથી કાશ્મીરી પંડિતો અહીં વસવાટ કરે છે. કાશ્મીરને ઘડવામાં પંડિતોનો ફાળો ઓછો નથી. બીજા પંડિતો ડરીને કાશ્મીર છોડી દે. પણ, હું અને મારું કુટુંબ કાશ્મીર ક્યારેય નહી છોડીએ, અમે જિંદગીનાં અંત સુધી લડતા રહીશું.’ કુનાલની આંખો લાલ થઇ ગઇ એ અત્યંત વ્યગ્ર થઇ ગયો.

‘બેટા હું તારા ઉપર કે પંડિતો ઉપર નથી કહી રહ્યો, હું તો ફક્ત પૂજાના સવાલાતનો નિષ્પક્ષ જવાબ આપી રહ્યો હતો.’

‘હા મને ખ્યાલ છે.’
ધીમે ધીમે વાતો થઇ રહી. અબુજીએ બંનેને ચા પીવડાવી.

‘અબુજી, એજાઝ આજકાલ નથી દેખાતો ?’ કુનાલે પૂછ્યું.
‘બેટા એની અમ્મીજાન પણ આ જ વાત કહે છે. અને એની બહેન તરન્નૂમ પણ આ જ સવાલાત કરે છે. એનું વર્તન આજકાલ બદલાઇ ગયું છે એ મોટાભાગે મસ્જિદમાં જ રહે છે અને પક્કો મજહબી થઇ ગયો છે. એણે છેલ્લાં એક મહિનાથી અમારી સાથે વાતો કરવાનો જ ઓછું કરી દીધું છે. સવારે વહેલો ઘરેથી નીકળી જાય છે. અને રાત્રે મોડો આવે છે. ઘણીવાર તો એ રાત્રે એટલો બધો મોડો આવે છે કે ઘરનો દરવાજો ખખડાવ્યા વિના જ ઘરની અહાતમાં સૂઇ જાય છે. એને ઠંડીની કંઇ અસર જ નથી થતી.’

‘આવુ કેમ, અબુજી.’ પૂજાએ પૂછ્યું.
‘ખબર નથી પડતી બેટા કે એ ખરેખર મજહબી બની ગયો છે કે કોઇ તોફાનીઓની સાથે મળી ગયો છે. એનું વર્તન આજકાલ ખુબ જ આક્રોશવાળું, ગુસ્સાવાળું થઇ ગયું છે. મને બહુ જ ફિકર થાય છે, જો કે દિવસમાં એકાદ બે વાર એ અહીં લાલચોકમાં આંટો મારવા આવે છે અને મને બે-પાંચ મિનિટ મળતો પણ જાય છે. ખાસ કરીને સાંજે તો એ દરરોજ આવે જ છે. આજે પણ એનાં આવવાનો સમય થઇ ગયો છે.’

અબુજી થોડા ગ્રાહકો સાથે વેપારમાં વળગ્યાં. પૂજા અને કુનાલ એકબીજાની આંખોમાં મસ્તી લડાવતા વાતો કરતા હતાં. એવામાં અબુજીની દુકાન પર એક વીસેક વર્ષનો છોકરો આવ્યો. એણે અબુજી સાથે થોડી વાતો કરી દુકાનમાં આવીને પાણી પીધું. એણે કાતીલાના નજરથી બંનેની તરફ જોયું.
પૂજાને એની લાલ-તગતગથી આંખોમાં કંઇક અજીબ અનુભવ થયો. એના મનમાંથી એક અદ્રશ્ય ડર પસાર થઇ ગયો. અને કંઇક વિચારી રહી હતી.

‘કેમ છે એજાઝ, આજકાલ દેખાતો નથી.’ કુનાલે સહજતાથી પૂછ્યું. બંને જણાં એક જ મહોલ્લામાં રહેતા હતાં અને નાનપણથી સાથે જ મોટા થયા હતા એટલે બંને વચ્ચે દોસ્તી નહીં પણ દોસ્તી જેવો એક નાનો તાતણો હતો.
‘કંઇ નહી.’ એજાઝે બેધ્યાનપણે ટુંકાવ્યું.
‘તું તો બિલકુલ મળતો જ નથી.’
‘મળવું જરૂરી છે ? તમારી રહનસહન અલગ છે, તમારો અને અમારો ધર્મ અલગ છે, તો શું કામ મળવું જોઇએ ?’

‘અરે, તું તો નાત-જાત પર આવી ગયો, શું તકલીફ છે તને મારાથી ?
‘તકલીફ જ તકલીફ છે, ફક્ત તારાથી નહી, પણ બધાં જ કાશ્મીરી પંડિતોથી, બધાં જ હિન્દુઓથી, બધાં જ હિન્દુસ્તાનીઓથી, અમારી ધરતી પર અમારે રહેવા માટે, જીવતા રહેવા માટે, અમારો ધર્મને બચાવવા માટે અમારે લડાઇ કરવી પડે છે. ખૂન રેડવું પડે છે. જેહાદ કરવી પડે છે.’ એનો આક્રોશ વધતો જતો હતો.

‘જેહાદ, બેટા આ બધું શું બોલે છે ?’ અબુજી વચ્ચે પડ્યા.
‘હા, અબુ, આ હિન્દુઓને લીધે આજે આપણો મુસલમાન પૂરી દુનિયામાં સલામત નથી.’
‘બેટ, આ શું બોલે છે. મને બતાવ કે ક્યા હિન્દુએ મુસ્લિમ પર હુમલો કર્યો ?’

‘અબ્બુ, ફક્ત હુમલો કરે તો જ તમારા પર દમન થયું એમ માનશો ?’

‘તું શું સમજે છે તારા મનમાં ? તારા જેટલાં આતંકવાદી દોસ્તો હોય એને પકડી લાવજે. હું એક હિન્દુ-કાશ્મીરી બ્રાહ્મણ છું અને હું તમારા જેવાં ખોટા જેહાદી લોકોથી ડરતો નથી. તારામાં તાકાત હોય તો મારી સાથે ભીડાઇ જોજે.’ કુનાલે અબુજી અને એજાઝની વાતમાં વચ્ચે ઝંપલાવતા એજાઝને પોતાનો સ્પષ્ટ જવાબ આપી દીધો.
‘તને તો હું જોઇ લઇશ, કાફીર.’

‘એજાઝ, તું આ શું બકી રહ્યો છે…’ અબુજીએ ચિલ્લાઇને એજાઝના ગાલ પર એક તમાચો ચોડી દીધો. એજાઝ કંઇપણ બોલ્યા વિના ત્યાંથી આક્રોશભરી નજરે નીકળી ગયો.

‘અબુજી, તમારે આમ ન હોતું કરવા જેવું.’ કુનાલે કહ્યું.
‘શું કરું બેટા, ઘરમાં પણ એ આવી જ વાતો કરે છે અને અમને પરેશાન કર્યા કરે છે. એ હવે પક્કો કટ્ટરવાદી બની ગયો લાગે છે, એની લાલ આંખો અને કરડાકીવાળો ચહેરો મને પણ ડરાવી દે છે. એક બાપ હોવાને નાતે હું મારા જવાન થયેલા દિકરાને કશું જ કહી શકતો નથી. હવે એ અમારા કહ્યામાં નથી. મારી સમસ્યાનો કદાચ હવે કોઇ અંત નથી.’ અબુજીએ અફસોસ કરતાં કહ્યું.
એ પછી પૂજાના દિલ્હી જવાના દિવસો નજીક આવી ગયા. પૂજા દરરોજ કુનાલને મળતી. બંને હવે એકબીજા વિના રહી શકતા ન હતાં. પૂજા એની છાવણીનું કામ પતાવીને સાંજે લાલચોકમાં આવી જતી. કુનાલ એને દરરોજ મળવા આવતો. બંને જણાં ખુબ વાતો કરતાં, પ્રેમ કરતાં, ઘણી વખત એ અબુજીની દુકાને જતાં. એમની સાથે વાતો કરતાં અને એજાઝની ચિંતા હળવી કરવા પ્રયત્ન કરતાં.

આજે પૂજાનો છેલ્લો દિવસ હતો. કાલે સવારે એ દિલ્હી જવા રવાના થઇ જવાની હતી. આજે એ એનો કેમેરો લઇને અબુજીની દુકાને આવી પહોંચી હતી. એણે અબુજીના, લાલચોકનાં તેમની દુકાનના ફોટા લીધાં. કુનાલની સાથે પણ એણે ફોટોગ્રાફ્સ લીધાં.
‘તું ફરી ક્યારે મળીશ ?’ કુનાલે પૂછ્યું.
‘હું હંમેશા તારી સાથે જ છું, તારી પાસે જ છું. પછી મળવા ન મળવાનો સવાલ જ નથી.’
‘દિલ્હીથી ક્યારે મળવા આવીશ ?’

‘મળવા આવીશ ? હું તો કાશ્મીરની ખૂબસુરતીથી એટલી અંજાઇ ગઇ છું કે હું આખી જિંદગી અહીં જ રહીશ. તારી સાથે. તારા ઘરમાં. તારી ઘરવાળી બનીને. ફક્ત થોડો સમય તોફાનો શાંત થઇ જવા દે. હું મારા મમ્મી-પપ્પાને વાત કરીને જેમ બને તેમ જલ્દીથી તારી સાથે લગ્ન કરી લઇશ. બસ, સમયની રાહ જોવાય છે.’ પૂજાએ કહ્યું.

એ રાત કુનાલ અને પૂજા માટે બહું અઘરી રાત હતી, આ એમની મુલાકાતની છેલ્લી રાત હતી. કાલથી બંને છુટા પડી જવાના હતાં અને પછી ક્યારે મળાશે એ નક્કી ન હતું. સમય જ એમની ભવિષ્યની મુલાકાતો નક્કી કરી આપવાનો હતો. કુનાલ અને પૂજાએ મોડી રાત્રી સુધી વાતો કરી. અલબત, બંનેને એકબીજાથી છુટા પડવાનું ગમતું ન હતું. પણ, છુટા પડવાનું કદાચ એમના નસીબમાં લખ્યું હતું. એ છેલ્લી રાત્રી હતી જેમાં બંને એકબીજાની એકદમ નજીક આવી ગયાં હતાં. -માનસિક અને શારીરિક રીતે.

બીજા દિવસે સવારે પૂજા દિલ્હી જવા રવાના થઇ ગઇ.

કાશ્મીરમાં ફુંકાઇ રહેલી પંડિતો હટાવો ઝુંબેશની હવા હવે વંટોળમાં બદલાઇ ચૂકી હતી. ચારેકોર મારો-કાપી નાખો – ભગાવોની ઝુંબેશ ચાલતી હતી. કાશ્મીરની હાલત દિન-બ-દિન વધારે ખરાબ થતી ગઇ. મુસલમાનો કાશ્મીરી પંડિતોના ખૂનના પ્યાસા થતા ગયા. કાશ્મીરમાં ચાલતી રાહત છાવણીઓ પર કટ્ટરવાદીઓના હુમલા થતાં ગયા. રાહત છાવણીઓ હવે દિલ્હી અને જમ્મુમાં શિફ્ટ થઇ ગઇ. કાશ્મીરી પંડિતો પોતાની મિલકતો-ધંધા રોજગાર મૂકીને રાતોરાત પોતાની જન્મભૂમિને છોડીને પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યાં હતાં. એ લોકો કાશ્મીરથી દૂર, ઘણે દૂર ભાગી રહ્યા હતાં જ્યાં તેમના જીવની સલામતી હોય. કાશ્મીર આંતરરાષ્ટ્રીય નકશામાં પણ બદનામ થઇ ચૂક્યું હતું. જેમ જેમ દિવસો પસાર થતાં ગયા, તેમ તેમ કાશ્મીરી અંધકાર વધુને વધુ ગાઢ બનતો ગયો. અવાજો વધારે બિહામણા બનતા ગયાં. ખૂના મરકી અને મારધાડ એક લાંબી ટનલની જેમ આખા કાશ્મીરમાં ફેલાઇ ગઇ હતી. ભારત દેશ સાથે સામાન્ય નાગરિકનો સંપર્ક લગભગ નહીવત થઇ ગયો હતો.

પૂજા દરરોજ ન્યુઝપેપરમાં કાશ્મીરના સમાચારો વાંચતી અને વ્યગ્ર થઇ જતી, એણે કુનાલનો સંપર્ક કરવા ત્રણ-ચાર ટ્રંકકોલ કર્યા પણ એ બધાં જ વ્યર્થ હતા. દરેક વખતે કંઇ ને કંઇ ડિસ્ટર્બન્સ આવી જતું. અને ફોન ડિસકનેક્ટ થઇ જતો. એ દિવસોમાં એસટીડીની સુવિધા ન હતી. પૂજાએ ઘણા બધા પત્રો લખ્યા હતાં પણ કુનાલના એક પણ પત્રનો ઉત્તર આવ્યો ન હતો. પરિસ્થિતિ એટલી બધી ડામાડોળ હતી કે કાશ્મીરમાં રહેલાં લોકોનો સંપર્ક કરવો લગભગ અશક્ય જ હતો. પૂજાને ફક્ત એક વાતની ખાતરી હતી કે લગભગ બધાં જ કાશ્મીરી પંડિતોએ કાશ્મીરમાંથી હિજરત કરી દીધી છે અને મોટાભાગના પંડિતો કાં તો જમ્મુની છાવણીઓમાં રહે છે કાં તો દિલ્હીની છાવણીઓમાં રહે છે. પૂજાએ મમ્મી-પપ્પાની મંજુરી લઇ જમ્મુની અને દિલ્હીની બધી જ રાહત છાવણીઓમાં તપાસ કરી જોઇ. પણ કુનાલ કે એનાં ફેમિલીનો એને કોઇ જ પતો ન મળ્યો. વળી, કાશ્મીરમાં અત્યારે જવા માટે પરિસ્થિતિ બિલકુલ સારી ન હતી. વળી, મમ્મી-પપ્પાની ના ઉપરવટ જવાનો કોઇ સવાલ જ ન હતો.

પૂજા દિન બ દિન કુનાલને યાદ કરતી હતી. કુનાલને છાવણીઓમાં શોધતી રહી. પણ કુનાલનો કોઇ જ પતો ન લાગ્યો.

અને સમય પોતાનું કામ કરતો ગયો. શિયાળો આવ્યો, ઉનાળો આવ્યો અને પછી ચોમાસું આવ્યું. દિવસો અને મહિનાઓ પસાર થતાં ગયાં. ઋતુઓ પસાર થતી ગઇ. વર્ષો પસાર થતા ગયા. સમય પોતાની ગતિથી પસાર થતો ગયો. કુનાલનો સંપર્ક ન થયો. આખરે સમયના વહેણની સાથે પૂજાએ પોતાના પ્રેમને કબરમાં દફનાવીને બીજા એક યોગ્ય છોકરા સાથે લગ્ન કરી લીધા. અલબત, એની નોકરી મેનકાઇન્ડમાં જ ચાલી રહી. જ્યાં એ પિડિતોની સેવા કરતી હતી.

* * *

અને વીસ વર્ષ પછી… વર્ષ 2010………..

સૂપરસોનિક ગતિથી વીસ વર્ષ પસાર થઇ ગયા. પણ, પૂજાની સુંદરતા એવી ને એવી જ હતી. એનું શરીર હવે થોડું વજનદાર થઇ ગયું હતું. એની કામ કરવાની ક્ષમતા થોડી ધીમી થઇ ગઇ હતી. અલબત, એનામાં જિંદગીનાં અનુભવને લીધે સમજદારી વધી ગઇ હતી, મેનકાઇન્ડ એનજીઓ હવે વટવૃક્ષ થઇ ગયું હતું. પૂજાની છેલ્લાં બાવીસ વર્ષની નિષ્ઠા અને સેવાના લીધે મેનકાઇન્ડ આજે દેશની સૌથી મોટી અને કાર્યક્ષમ એનજીઓમાંની એક હતી. પૂજાના ચહેરા પરની મુત્સદીગીરીની પાછળ વીસ વર્ષનો પ્રેમ દફનાયેલો હતો.

વીસ વર્ષ પછી આજે પૂજા ફરી એકવાર કાશ્મીરમાં આવી હતી. આજે એ મેનકાઇન્ડના સર્વોચ્ચ પદે બિરાજેલી હતી, મેનકાઇન્ડની સેવા આજે પણ એ જ નિષ્ઠાથી થતી હતી. અને કાશ્મીર…! કાશ્મીર આજે પણ એ જ સમસ્યાઓથી ઘેરાયેલું હતું. આખી દુનિયા બદલાઇ ગઇ હતી છેલ્લા વીસ વર્ષમાં, પણ કાશ્મીરમાં રહેલા કટ્ટરવાદીઓ એમની વિચારસરણી આજે પણ એ જ હતી જે વીસ વર્ષ પહેલા હતી. ટેકનોલોજી બદલાઇ ગઇ હતી. એ ટેકનોલોજીમાંથી આવતો ધ્વની આજે પણ એજ હતો જે વીસ વર્ષ પહેલા હતો. અલબત, વચ્ચે થોડો સમય કાશ્મીરમાં શાંતિ છવાઇ હતી, પણ પાકિસ્તાનની વારંવારની દખલગીરીને કારણે કાશ્મીરમાં કાયમ માટેની શાંતિ ક્યારેય છવાવાની ન હતી. આજે વીસ વર્ષ પછી ફરી અલગાવવાદીઓએ પોતાની આતંકવાદી પ્રવૃતિ અત્યંત તેજ કરી દીધી હતી. જેમ વીસ વર્ષ પહેલા કાશ્મીર ભારતનાં હાથમાંથી જતું રહેશે એવી પરિસ્થિતિ પેદા થઇ હતી એજ પરિસ્થિતિ અત્યારે પણ પેદા થઇ રહી હતી. સરકારી અમલદારોની ભ્રષ્ટ નીતિ, ઢીલું રાજ્ય શાસન અને તકવાદી આંતરરાષ્ટ્રીય દખલગીરીને લીધે આજે કાશ્મીરની સમસ્યાઓ ફરીથી સળગીને આગ બની ગઇ હતી.

કાશ્મીરી સરકાર તરફથી મળેલા નિમંત્રણને માન આપીને પૂજા આજે કાશ્મીરમાં આવી હતી. સરકારી કામકાજ પતાવીને એણે નક્કી કરેલાં આયોજન પ્રમાણે એ લાલચોકમાં આવી હતી, જ્યાં એને જીવનદાન અને એનો પહેલો પ્રેમ મળ્યા હતા. વીસ વર્ષની યાદોને વાગોળવાનો એનો તલસાટ પૂરો કરવા.

વીસ વર્ષો માનવીની જિંદગીમાં શું બદલી નાખતા હોય છે ! ઘણું બધું, કદાચ આખી જિંદગી જ બદલાઇ જતી હોય છે. દસેય દિશાઓ કદાચ આ બદલાવની સાક્ષી બનતી હશે. પૂજા માટે તો એની જિંદગીની રાહ જ બદલાઇ ગઇ હતી.

અને લાલચોક. લાલચોક પણ ઘણુંબધું બદલાઇ ગયું હતું. દુકાનો હાઇ ટેક થઇ ગઇ હતી. એસટીડીનાં બૂથ લાગી ગયા હતા. જે વીસ વર્ષ પહેલા ન હતા. ખાલી પડેલી જગ્યાઓમાં પણ દુકાનો બની ગઇ હતી. ભીડ વધી ગઇ હતી. દુકાનોના ડિસ્પ્લે બોર્ડ હવે નિયોન લેમ્પથી ઝગમગતાં હતાં. લાલચોક ઘણુંબધું બદલાઇ ગયું હતું. ફક્ત કટ્ટરવાદીઓ બદલાયા ન હતાં.

પૂજાને વીસ વર્ષ પહેલાની ઘટનાઓ પ્રયત્ન વિના યાદ આવી ગઇ. એ બૉમ્બ ધડાકાનો દિવસ, કુનાલની આતંકવાદીઓ સાથેની મૂઠભેડ, કુનાલ સાથેનો પ્રેમ… વગેરે…. અને અબુજીની દુકાન. આકાશમાં તારો ખરવાનો જેમ ચમકારો થાય એમ એને અબુજીની દુકાન એકાએક યાદ આવી ગઇ. એણે પ્રયત્ન કરીને અબુજીની દુકાન શોધી લીધી. અબુજીની દુકાનની આજુબાજુમાં પણ ઘણી દુકાનો બની ગઇ હતી. આ વિસ્તાર હવે વધારે ગીચ લાગી રહ્યો હતો.

બાનુઓ શબ્જીની ખરીદી કરી રહી હતી. બુરખાપ્રથા આજે પણ અકબંધ હતી. ખુમચાવાળાઓ લે જાવ, લે જાવની બૂમો એ જ રીતે પાડતા હતાં. પૂરાં લાલચોકમાં હવે કાશ્મીરી પંડિતો દેખાતા ન હતા. આખું લાલચોક હવે મુસ્લિમોથી ભરાયેલું હતું. એક નાનો છોકરો એની અમ્મીથી હાથ છોડાવીને ભાગી રહ્યો હતો, પાછળ એની અમ્મીજાન એને પકડવા દોડી રહી હતી. મિલિટરીની એક વાન ઝડપથી આવીને પસાર થઇ ગઇ. ટુરિસ્ટો ઘણાં ઓછા દેખાઇ રહ્યા હતા. વધેલી દાઢીવાળો, લઘરવઘર કપડાંવાળો અને કેટલાયે દિવસથી ન નહાયો હોય એવો ગાંડા જેવો લાગતો એક વ્યક્તિ પૂજા આગળથી પસાર થઇ ગયો.

એ અબુજીની દુકાનમાં ગઇ. અબુજી વીસ વર્ષ પછી અત્યંત વૃદ્ધ લાગી રહ્યા હતા. દુકાનમાં વર્ષોથી સફાઇ થઇ ન હોય એવું લાગી રહ્યું હતું. અબુજીના ચહેરા પર સદીઓની થકાવટ સ્પષ્ટ દેખાઇ આવતી હતી. અબુજી એમની ઉંમર કરતા વધારે વૃદ્ધ લાગી રહ્યાં હતાં.
‘અબુજી, મને ઓળખી ?’
‘ના, બેટા કોણ છે તું ?’ અબુજીએ પૂછ્યું.

‘હું પૂજા. વીસ વર્ષ પહેલા તમને મળી હતી. આ જ જગ્યાએ.’
અબુજીએ પ્રયત્ન કર્યો પણ એમને કંઇ યાદ આવતું ન હતું. પૂજાએ વીસ વર્ષ પહેલા પાડેલા ફોટોગ્રાફ્સ બતાવ્યા અને કુનાલની વાત કરી. ઝબકારા સાથે અબુજીને વીસ વર્ષ પહેલાની બધી વાતો યાદ આવી ગઇ. અબુજીએ પૂજાને પાણી આપ્યું. પૂજાએ આમતેમ નજર દોડાવી. એની નજર કોઇકને શોધી રહી હતી. અબુજી સાથે થોડી વાતો થઇ પછી પૂજાએ પૂછ્યું.

‘કુનાલ ક્યાં છે અબુજી ?’
‘અહીં કાશ્મીરમાં જ છે, પણ એ એનામાં નથી.’
‘એટલે.’
‘બહુ લાંબી વાત છે, એક સાથે કેટલીયે જિંદગીઓની તબાહીની વાત છે બેટા, કેટલાયે અરમાનો, કેટલીયે તુટનની વાત છે.’
‘અબુજી પ્લીઝ, મને કુનાલ વિશે માહિતી આપો. હું એને મળવા માગું છું. તમને ખબર છે ને કે અમે બંને એકબીજાને બહુ પસંદ કરતા…’

‘હા, બેટા હું પહેલા દિવસથી જ તમારી પ્રેમ કહાનીનો સાક્ષી છું. તારા ગયા પછી તો આખાયે કાશ્મીરમાં કુદરતનો કહેર વરસ્યો હતો. બહુ લાંબી કહાની છે. હું પણ એમાં કુદરતનો ગુનેગાર બન્યો છું.’
‘પ્લીઝ, અબુજી પહેલા મને કુનાલની વાત કરો.’ પૂજા એનો તલસાટ રોકી ન શકી.
‘તારા ગયા પછી, કાશ્મીરમાં પંડિતો હટાવોની ઝુંબેશ બહુ જોરશોરથી ચાલી. ચારેબાજુ મારો-કાપો-ભગાવોની બૂમો ચાલતી રહી. મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો કટ્ટરવાદી ભાષણ ઓકતા હતાં. કટ્ટરવાદીઓ કાશ્મીરની ગલીએ ગલીમાંથી શોધી શોધીને કાશ્મીરી પંડિતોને કાશ્મીર છોડી દેવા માટે ધમકીઓ આપતા હતા. જે લોકો કાશ્મીર છોડવાની ના પાડતાં હતાં તેમને ઠાર કરી દેવામાં આવતાં હતાં. કાયદો અને વ્યવસ્થા પણ આતંકવાદીઓ સામે નબળા પડી રહ્યાં હતાં. કુનાલના પિતાને અવારનવાર કાશ્મીર છોડી દેવાની ધમકી મળતી હતી. પણ તેઓ નિડરતાથી આતંકવાદીઓને કાશ્મીર છોડવાની ના પાડી દેતાં હતાં. કુનાલ પણ નિડરતાથી અહીં જ રહેતો હતો.’
‘એક રાત્રીએ ચારપાંચ બુકાનીધારી આતંકવાદીઓ આવ્યા અને કુનાલ અને એના પિતાને ઉઠાવીને લઇ ગયા. મેં એ લોકોને બચાવવા માટે એજાઝને બૂમ મારી પણ એ એના કમરામાં ન હતો. હું એકલો આતંકવાદીઓ સામે લડ્યો, પણ એમની જુવાની સામે મારું કંઇ ના ચાલ્યું. એ લોકો બાપ-દીકરાને હાથ પગ બાંધીને ઉઠાવી ગયા. કુનાલની માએ એ લોકોને બચાવવા પ્રયત્ન કર્યો તો એને ત્યાં જ ઠાર કરીને આતંકવાદીઓ જીપમાં ઉપડી ગયા.’

‘એ બંનેને જેલમ નદીના કિનારા પાસેની એક મસ્જિદ આગળ મુકરર થયેલા સ્થળે લઇ જવાયા. પહેલા કુનાલના પિતાને સાવ નજીકથી ચાર ગોળીઓ મારવામાં આવી, એ ત્યાં જ ઢળી પડ્યા. પછી કુનાલ પર ટ્રીગર દબાય એ પહેલાં, કુનાલે બાજ ઝડપથી એ આતંકવાદીના પેઢુ પર લાત મારી, એથી નિશાન ચૂકી જવાયું. ગોળી કુનાલની છાતીની જગ્યાએ હવામાં છુટી ગઇ. એ જેલમ નદીમાં કુદી પડ્યો અને ગમે તેમ રીતે પણ તરતો તરતો સલામત જગ્યાએ પહોંચી ગયો. એને માથાનાં પાછળના ભાગમાં ખુબ વાગ્યું હતું. એ ભયંકર કાળરાત્રી હતી. ઠંડી પણ જબરદસ્ત હતી અને જેલમના ઠંડા પાણીમાં આ જુવાનનું શરીર પણ કામ આપતું ન હતું. આખરે એ સલામત સ્થળે પહોંચ્યો અને ત્યાં જ બેહોશ થઇ ઢળી પડ્યો. કોઇ મિલિટરીના જવાનની નજર એની ઉપર પડી ગઇ અને એને બચાવી લેવામાં આવ્યો.’

‘એ રાત્રે મેં એજાઝને શોધવા પ્રયત્નો કર્યા પણ એ ન મળ્યો. હું એના રૂમમાં ગયો અને રૂમનો ખુણેખુણો તપાસ્યો ત્યારે મને ખબર પડી કે એની પાસે કાશ્મીરના દરેક શહેરનાં નકશા હતા. જ્યાં જ્યાં કાશ્મીરી પંડિતોના ઘર હતા. એના પર લાલ રંગથી કુંડાળા કરેલા હતાં. એના રૂમમાં રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી કોઇ અજાણ્યા શખ્સો આવતાં અને એ લોકો કોઇ સરગોશી કરીને બહારના દરવાજેથી જ ચાલ્યા જતાં. એ રાત્રે હું મારા રૂમમાં આવીને જાગતો રહ્યો, મધ્યરાત્રીએ ચાર-પાંચ જુવાનીયાઓ એજાઝ સાથે આવ્યા અને બહારના દરવાજાથી અંદર ગયાં. મેં બહુ સાવચેતીપૂર્વક એમની વાતો સાંભળી ત્યારે મને ખબર પડી કે મારો પુત્ર પક્કો મજહબી બનવાને બદલે પક્કો આતંકવાદી બની ગયો હતો. કુનાલના ઘર પર પણ એ લોકોએ જ બુકાની પહેરીને હુમલો કર્યો હતો. મારો જ પુત્ર મારા પાડોશીનો ખૂની હતો.’

‘એ રાત્રે મને ઉંઘ ન આવી. સવારે મેં અજાણ બનીને રાત્રે કુનાલની અને એના પિતાની અપહરણની વાત કરી ત્યારે એના ચહેરા પર કોઇ ભાવ ન હતો. કાશ્મીરના લોકલ અખબારોમાં ફરી ત્રણ પંડિતોની હત્યાની ખબર છપાઇ અને મિલિટરી પર દબાણ વધતું ગયું. એવામાં એક મિલિટરીએ મારી પૂછપરછ કરી મને જણાવ્યું કે તમને કોઇ આતંકવાદીઓ પર શક હોય તો મને જણાવી દો. અમે એમને મારીશું નહી પણ પકડી લઇશું અને આ આખી ચળવળ પાછળ કોનો હાથ છે એ પકડીને અમે સરકાર સમક્ષ મૂકી દઇશું. જેથી કાશ્મીરની સમસ્યાનો અંત આવી શકે.’

‘હું એ મિલિટરીની વાતમાં આવી ગયો. મેં એને મારા જ ઘરની અંદર ચાલી રહેલી પ્રવૃતિની માહિતી આપી અને મિલિટરીએ નક્કી કર્યા પ્રમાણે રાત્રે ત્રણ વાગ્યે મારા આખા ઘરને ઘેરો ઘાલ્યો હતો. પણ, હું નિશ્ચિંત હતો. કારણ કે મિલિટરી મારા ઘરમાંથી આતંકવાદીઓને પકડી જવાની હતી. મને કે મારા કુટુંબીઓને કોઇ ખાસ નુકશાન થાય એમ ન હતી. ફક્ત એજાઝને કદાચ મિલિટરી હાથ પગ બાંધી મારશે અને સીધો દોર કરી છોડી મૂકશે એવું મારું માનવું હતું.’

‘પણ એ રાત્રે મારી માન્યતાઓ વિરુદ્ધ થયું. મિલિટરીએ મારા ઘર ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી નાંખ્યો. જેમાં મારી પત્ની, મારી પુત્રી, એજાઝ અને એના આતંકવાદી દોસ્તો માર્યા ગયા. ફક્ત હું જીવતો રહી ગયો, જીવતી લાશ જેવો.’
‘આટલું બધું ખરાબ બની ગયું તમારી સાથે ?’
‘એટલું જ નહી બેટા, મને જ મિલિટરી પકડીને લઇ ગઇ અને પંદર દિવસ સુધી સતત માર મારતી રહી અને આતંકવાદીઓ વિશે પૂછપરછ કરતી રહી. છેલ્લે કંટાળીને એ લોકોએ મને છોડી દીધો. મારા માટે જીવવું હવે લગભગ અશક્ય હતું. કારણ કે ગુનેગારોને સજા અપાવવા જવા મેં નિર્દોષની હત્યાનું પાપનું ભાથું બાંધ્યું હતું. મારા પોતાનાનું જ ખૂન મારી એક નાની ભૂલથી રેડાયું હતું. આ ભૂલ માટે ખુદા મને ક્યારેય માફ નહી કરે.’

પૂજાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. એણે હાથ રૂમાલથી આંખો લૂછી પછી પૂછ્યું, ‘અને કુનાલનું શું થયું, અબુજી ?’

‘હું જેલમાંથી છુટ્યો પછી મારા માટે કુનાલ વિશે જાણવું ખુબ જરૂરી હતું. કારણ કે કુનાલના ઘર પર થયેલો હુમલામાં એનાં માતા-પિતાની લાશ પોલીસને મળી હતી. પણ એની લાશ મળી ન હતી. હું દરેક હોસ્પીટલો, રાહત છાવણીઓમાં ફરી વળ્યો. પણ કુનાલનો કોઇ જ પતો ન લાગ્યો. છેવટે બે મહિના પછી મારી દુકાને એક લઘરવઘર, વધેલી દાઢીવાળો, ગંદા કપડાં પહેરેલો એક છોકરો આવીને મારી સામે અટ્ટહાસ્ય કરવા લાગ્યો. બહુ પ્રયત્ન પછી હું એને ઓળખી શક્યો. એ કુનાલ હતો, પણ એ ગાંડો થઇ ગયો હતો.’

‘ક્યાં છે એ અત્યારે.’
‘જો સામે જ છે, એ વધેલા વાળ-દાઢીવાળો.’
પૂજાએ નજર કરી. એને યાદ આવ્યું કે જ્યારે એ અબુજીની દુકાન તરફ હમણાં આવી રહી હતી ત્યારે આજ યુવાન એની બાજુમાંથી પસાર થઇ ગયો હતો.

‘બેટા, કુદરતની ક્રુરતા તો જો. વીસ વર્ષ પહેલા જે આતંકવાદીઓ પંડિતોના ખૂનના પ્યાસા હતાં. અને એટલે જ પંડિતોએ કાશ્મીર છોડી દીધું હતું. એમાંનો જ એક પંડિત છેલ્લાં વીસ વર્ષથી લાલચોકમાં એકલો અટુલો રહે છે. પણ ત્યારબાદ કોઇ પણ આતંકવાદીએ એને હાથ પણ નથી અડાડ્યો.’

પૂજા ઝડપથી ઉભી થઇને ગાંડા કુનાલને અબુજીની દુકાનમાં લઇ આવી અને જુની વાતો, જુના ફોટાઓ બતાવીને એને એનો ભુતકાળ યાદ કરાવવા પ્રયત્નો કર્યા, જે નિષ્ફળ હતાં.

આખરે કંટાળીને એણે સરકારી વિધિ પતાવીને કુનાલને પોતાની એનજીઓમાં દિલ્હીના યુનિટમાં ગાંડાના વિભાગમાં લાવી દીધો. પૂજા દરરોજ આ ગાંડાની સેવા કરે છે. અને એને સાજો કરવાના પ્રયત્નો કરી રહી છે.

————————– સંપૂર્ણ————————-

નવેમ્બર 19, 2010

આઇ પોડ
ડૉ. આર્યને આંખો બંધ કરવા પ્રયત્ન કર્યો પણ એ ન કરી શક્યો. એને ફરી વિચાર આવ્યો કે એના હાથ હજુ પણ લોહીના ડાઘથી ખરડાયેલા છે. એ ઉભો થયો ફરીથી વોશબેઝીનમાં ડેટોલથી હાથ ઘોયા, લૂછ્યા અને સુંઘી જોયાં. અરીસાની સામે જોઇને હાથ ચેક કરી લીધાં એના હાથ હવે એકદમ ચોખ્ખા હતાં. આઠમી વાર કરી રહ્યો હતો. એને થયું કે હવે બેડરૂમમાં જઇને આડા પડવું જોઇએ.

ડૉ. આર્યનનો સાત બેડરૂમ વાળો ફ્લેટ હતો જેનાં બે દરવાજા હતાં અને એના ફ્લોર પર ફક્ત એક જ ફ્લેટ હતો. મુંબઇનાં સાંતાક્રુઝ જેવાં વિસ્તારમાં આટલો મોટો ફ્લેટ હોવો એ બહુ મોટી વાત હતી. અલબત, એ એના માતાપિતા તરફથી મળેલ વારસાની મિલકત હતી. કુટુંબમાં બીજું કોઇ ન હતું. ભણવામાં એ જબરદસ્ત હોશિંયાર હતો. જોત જોતામાં એણે સાથે સાઇકિયાટ્રીસ્ટની માસ્ટર ડિગ્રી મેળવી લીધી હતી. એનાં માતા-પિતા મેડિકલનાં અભ્યાસ દરમિયાન એક અકસ્માતમાં અવસાન પામેલાં. સંબંધીના નામે હવે એની જિંદગીમાં કોઇ જ ન હતું. પણ, કહે છે ને કે જિંદગીના રસ્તામાં કોઇને કોઇ હમસફર મળી જ રહે છે એમ ડૉ. આર્યનને પણ એની જ મેડિકલ કોલેજમાં ભણતી તન્વી મળી ગઇ અને જિંદગી ખાલી થતાંની સાથે જ તન્વીનાં પ્રેમથી છલકાઇ ગઇ. મેડિકલના અભ્યાસનાં વર્ષો ભણવામાં અને તન્વી સાથે પ્રેમ કરવામાં પસાર થઇ ગયા, ડૉ. આર્યન જન્મથી જ ગર્ભશ્રીમંત હતો અને એને લેટેસ્ટ ટેકનોલોજીનો ગજબનો શોખ હતો. એકવાર એણે એનાં દોસ્ત પાસે અમેરિકન આઇ-પોડ મંગાવીને તન્વીને આપ્યો હતો.

 “આ શું છે, આર્યન ?”

 “લેટેસ્ટ આઇ-પોડ વિથ રેકોર્ડીંગ એન્ડ પ્લેયર, એમાં એલાર્મ પણ છે અને તું જે સમય એમાં મુકે એ સમયે તારું મનગમતું સંગીત એની મેળે જ ચાલું થઇ જાય.”

“અરે વાહ, પણ તું બહું મોંઘી ગિફ્ટ આપે છે મને.”

“મારા માટે તારા જેટલી કોઇ જ મુલ્યવાન વસ્તુ નથી.” અને એણે તન્વીને ચુમી લીધી હતી…

ડૉ. આર્યન ચાલતો ચાલતો પ્રથમ બેડરૂમમાં ગયો. એ અને તન્વી લગ્ન પછી દરરોજ એક બેડરૂમમાં સૂતાં હતાં… સોમવારથી રવિવાર… અઠવાડિયું પુરું થાય ત્યારે સાતેય બેડરૂમના એક એક રાત્રીના હિસાબે પ્રેમ રાત્રીના સાક્ષી થઇ જતાં. આ ઘટનાક્રમ છેલ્લાં ચાર વર્ષથી એટલે કે લગ્નની પ્રથમ રાત્રીથી જ ચાલ્યો આવતો.

 તન્વી ને આર્યને આપેલો આઇ-પોડ બહુ જ ગમતો હતો. એના દરેકે દરેક ફંકશનનો એ બહુ બખુબી ઉપયોગ કરી લેતી. એ જ્યાં પણ જાય ત્યાં એનો આઇ-પોડ એની સાથે જ રહેતો. એને કશુંક ગમી જાય તો તે તરત જ આઇ-પોડ ઓન કરીને એનો અવાજ ટેપ કરી લેતી અને નવરાશની પળોમાં આઇ-પોડમાં રેકોર્ડડ અવાજ સાંભળતી અને ખુશ થઇ જાતી.

 ડૉ. આર્યને પ્રથમ બેડરૂમની બધી જ વસ્તુઓ ફંફોશી લીધી, પણ એને આઇ-પોડ ન મળ્યો. તન્વીની સાથે ગુજારેલી દરેક સોમવારની રાત્રીઓ-પ્રેમાલાપો-સંવાદો એને મળ્યા.

 “આજે મન્ડે છે એનો અર્થ મન-ડે થાય એટલે કે મનથી પ્રેમ કરવાનો.”  એવું આર્યને એક વખત કહ્યું હતું એ એને યાદ આવ્યું. મખમાલી બેડસીટ પર પડેલી સિરવટો તન્વીના અને એનાં પ્રેમની યાદ એને ધ્રુજાવી ગઇ. કેટલી મધુર પ્રેયસી હતી.

 ડૉ. આર્યન બીજા બેડરૂમમાં પ્રવેશ્યો અને એની નજર આયના પર પડી. એને લાગ્યું કે ગાલ પર લોહીનાં ત્રણ-ચાર ડાઘ છે. એણે બીજારૂમમાં જઇ એનો ચહેરો બરાબર ઘસી જોયો-લૂછી જોયો અને પોતાના ચહેરાને સાફ કર્યો. બેડરૂમમાં એનો અને તન્વીનો કાશ્મીરની વાદીઓમાં પડાવેલો ફોટો લટકાવેલો હતો. પ્રેમથી તરબોળ કપલ-ફોટો અને કાશ્મીરમાં વિતાવેલા સાત દિવસો એને તન્વીની યાદથી તરબતર કરી ગયો. એને લાગ્યું કે તન્વી જેવી સ્ત્રી એનાં આવતાં સાત ભવમાં નહી મળે.

 એણે જ્યારે ત્રીજા બેડરૂમમાં પ્રવેશ કર્યો ત્યારે બેડરૂમનાં દરવાજા પર લોહીનાં ડાઘ દેખાયાં. બુધવારની રાત્રી આ બેડરૂમમાં ઉજવાતી. બુધવાર એ વિકની શરૂઆતનો ત્રીજો દિવસ હતો. આ રૂમ તન્વીએ એકદમ આછા ગ્રીન શેડથી રંગાવ્યો હતો. એ કહેતી કે વિકના બાકી દિવસો માટે આર્યનને રિ-ચાર્જ કરવો બહુ જ જરૂરી હતો. ગ્રીન શેડવાળો રૂમ આર્યનને આહલાદક ઠંડક આપતો. એણે ઝડપથી દરવાજાનાં લોહીના ડાઘ સાફ કર્યા. આ રૂમમાં પણ એને તન્વીનાં પ્રેમભર્યા સંવાદો સિવાય કંઇ જ ન મળ્યું.

 ડૉ. આર્યન મનના રઘવાટ સાથે ચોથા બેડરૂમમાં ગયો જે ગુરુવારની રાત્રી માટેનો હતો. આખા ફ્લેટનો સૌથી વિશાળ બેડરૂમ. બેડરૂમની એક દિવાલ સ્લાઇડીંગ વિન્ડોથી બનાવેલી હતી અને એ વિન્ડોમાંથી એ રાત્રે ટેઇક ઓફ થતાં વિમાનો જોઇ શકાતા હતાં, વિમાનોનો ઘરઘરાટ એમની પ્રેમગોષ્ઠીમાં દર ગુરુવારે વિક્ષેપ પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં. એણે વિન્ડો ઓપન કરીને નીચે તરફ નજર કરી તો નીચે લોહીનું ખાબોચિયું એપાર્ટમેન્ટની ટ્યુબલાઇટના આછા અજવાળામાં દેખાયું. એ ફટાફટ નીચે ઉતર્યો અને એ ખાબોચિયા પાસે પહોંચ્યો. એણે જોયું તો એ લોહીનું નહી પણ પાણીનું ખાબોચિયું હતું. એણે બાજુમાંથી સિક્યુરીટી ગાર્ડને બોલાવીને ખાબોચિયું સાફ કરાવી દીધું અને ઝડપથી એ પોતાના ફ્લેટમાં આવી ગયો.

 શુક્રવારનાં બેડરૂમમાં જ્યારે એ ગયો ત્યારે બેડરૂમની આખી દિવાલો બંનેના અલગ અલગ ફોટોગ્રાફથી સજાવેલો જોયો. એણે જોયું કે બે દિવસ પહેલાં જ્યારે આ રૂમમાં સૂતો હતો ત્યારે આટલાં બધાં ફોટોગ્રાફ્સ ન હતાં. નક્કી આ બધું તન્વીએ કોઇ ચોક્કસ હેતુ ને લીધે જ શણગારેલું હોવું જોઇએ. એણે બારીકાઇથી દરેક ફોટા જોયા તો એને અહેસાસ થઇ ગયો કે તન્વી અને આર્યન જ્યારથી પ્રેમમાં પડ્યા ત્યારથી જે જે ફોટોગ્રાફ્સ લીધાં હતાં એમાંના સૌથી સુંદર ફોટાઓનું એ કલેક્શન હતું જેમાંથી કેવળ પ્રેમ જ નીતરતો હતો…

 શનિવારનો બેડરૂમ એટલે વિક એન્ડ માનો એક દિવસ મજાનો દિવસ. પણ તન્વી હંમેશા કહેતી કે શનિવાર ભારે દિવસ કહેવાય. દુનિયાની મોટા ભાગની અનિચ્છનીય ઘટનાઓ શનિવારે જ થતી અને એ વાત કદાચ આર્યન માટે તો શબ્દશ: સાચી હતી.

ગઇકાલની રાત્રી લો. કેટલી બધી વિસંગતતાઓ એ દિવસે થઇ હતી. કેટલી બધી લડાઇ થઇ હતી.

 “એ કોણ છે ?”

“કોણ, કોની વાત કરે છે ?”

“એ જ કે જ્યારે તને ક્લીનીક પરથી ફોન કરું છું. ત્યારે બેકગ્રાઉન્ડમાં એનો અવાજ સંભળાય છે ?”

“મેં તને અગાઉ પણ કહ્યું છે કે એ મારો પ્રેમી છે.” તન્વીએ સામે કહ્યું હતું.

“પ્રેમી, તો હું કોણ છું ?” ગુસ્સાથી લાલચોળ થઇ ગયો આર્યન.

“તું, તું તો મારો ભુતકાળનો પ્રેમી છે, અને વર્તમાનનો મારો પતિ.” “કેમ હું તને પ્રેમ નથી કરતો ?”

“કરે છે ને, બહુ જ કરે છે. મારી આવતી સાત જિંદગીમાં તારા જેવો પ્રેમીપતિ નહી મળે.” એણે હસીને કહ્યું હતું.

“હસવાનું બંધ કર, પ્રેમીપતિ એટલે શું ? પ્રેમી નહી ?”

“ના હરગીઝ નહી, તું પ્રેમીપતિ છે. પ્રેમી નહી. પ્રેમી જ્યારે પતિની ભુમિકામાં આવી જાય છે ત્યારે ‘પ્રેમી’ શબ્દ લંબાઇને પ્રેમીપતિ બની જાય છે અને પ્રેમી અને પ્રેમીપતિમાં બહું જ અંતર છે જે પુરુષ હોવાને લીધે તને નહી સમજાય !” તન્વીએ સ્પષ્ટતાથી આર્યનને ચોપડાવી દીધું હતું.

“ચૂપ કર, છેલ્લાં કેટલાંયે દિવસોથી હું તારો આ જવાબ સાંભળતો આવ્યો છું, પણ આજે એ બદમાશનું નામ જાણીને જ રહીશ.” એ ચિલ્લાયો હતો. “હું નહી જ કહું. મારી જીદ આગળ તારું પતિપણું હારી જશે.”

“તારે કહેવું જ પડશે.” “નહી એટલે નહી,”

 અને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ડૉ. આર્યનના મનમાં પેસેલો શંકાનો કીડો એકદમ ઘાતકી થઇને તન્વી ઉપર તુટી પડેલો. તન્વીએ પણ આર્યનને એનાં કહેવાતાં પ્રેમી વિશે કશું જ ન કહ્યું. ફક્ત એ માર ખાતી રહી. અડધી રાત સુધી પિટાતી રહી. તન્વી મનમાં ને મનમાં એક પુરુષપ્રેમી વિશે વિચારતી રહી. મોડી રાત્રે સૂઇ ગયાં. તન્વીને ઉંઘ આવે એ પરિસ્થિતિ ન હતી. એનો બસ એનાં પ્રેમીના વિચારોમાં ને વિચારોમાં આખી રાત જાગતી રહી.

 વહેલી સવારે ડૉ. આર્યનની ઉંઘ પુરી થવામાં હતી ત્યારે એણે ફરીથી કંઇક અવાજ સાંભળ્યો. એ અવાજ ડ્રોઇંગ રૂમમાંથી આવતો હતો. આ એજ અવાજ હતો જે એને છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી તન્વી સાથે બપોરે ફોન પર વાત કરતી વખતે સંભળાતો હતો. એ અવાજની સાથે એક સ્ત્રીનો અવાજ પણ સંભળાતો હતો જે તન્વીનો હતો. એણે છુપાઇને ડ્રોઇંગ રૂમમાંથી આવતાં અવાજ સાંભળવા પ્રયત્ન કર્યો.

“તું કેટલી બધી સુંદર છે, તારી સુંદરતામાં હું મારું ભાન ભુલાવી ચૂક્યો છું, બસ હવે કેટલો સમય આ દૂરી વેઠવી પડશે?” અવાજે કહ્યું હતું.

“બસ થોડો સમય રોકાઇ જા, પછી આપણે લગ્ન કરીશું. આપણી દુનિયા વસાવીશું, આપણા સપના સજાવીશું.” એ તન્વીનો અવાજ હતો.

આર્યન સહેજ પણ અવાજ કર્યા વિના ડ્રોઇંગ રૂમનો અવાજ સાંભળતો રહ્યો. તન્વી પણ ડ્રોઇંગ રૂમમાં જ હતી.

“તને ખ્યાલ છે ને કે હું તને તારા કરતા પણ વધારે પ્રેમ કરું છું, પણ થોડો સમય રાહ જોવી જ પડશે. ડિયર પછી જ આપણે લગ્ન કરી શકીશું.” તન્વીનો મધુર સ્વર એ છુપાઇને સાંભળતો રહ્યો.

એ જ વખતે આર્યનનો હાથ દરવાજા પર અથડાયો અને ડ્રોઇંગ રૂમ સાવધાન થઇ ગયો. પલકારમાં ડ્રોઇંગ રૂમમાં અવાજ આવ્યો હતો અને આર્યન સીધો જ ડ્રોઇંગ રૂમ તરફ દોડ્યો. ખટાક દઇને અવાજ આવતો બંધ થયો. એ ફ્લેટના દરવાજા તરફ દોડ્યો. બંને દરવાજા અધખુલ્લાં હતાં અને ત્યાંથી કોઇ ગયું એવું કંઇ આર્યન ન નોંધી શક્યો. એ ઝડપથી તન્વીને શોધતો શોધતો દરેક બેડરૂમમાં આવ્યો ત્યારે તન્વી રવિવારના બેડરૂમમાં લાલચોળ ચહેરા સાથે ઉભી હતી.

“કોણ હતું એ ?”

“કોણ? કોઇ જ નહીં, એ તારો ભાસ છે.”

“નહીં, મને ઉલ્લુ બનાવવાનું છોડી દે, હવે તારા પાપનો ઘડો ભરાઇ ચૂક્યો છે.”

એમ કહીને આર્યને તન્વીને માથામાં દસ્તો ફટકાર્યો હતો. એક જ ફટકારમાં તન્વી લોહીલુહાણ થઇને ઢળી પડી હતી. એ કણસતી હતી.

 “મારા પ્રેમી આર્યન મને છોડી દે.” 

પણ આર્યને ઉપરા ઉપરી દસ્તાના ચાર-પાંચ ઘા કરીને તન્વીને આ દુનિયામાંથી બીજી દુનિયામાં મોકલી દીધી હતી. એ રવિવારની સવાર હતી. તન્વીનો તરફડાટ શમી ગયા પછી ડૉ. આર્યનનો માનસિક તરફડાટ શરૂ થઇ ગયો. શું કરવું, લાશને ક્યાં ઠેકાણે કરવી. બધું ઝડપથી વિચારવા લાગ્યો અને સાંજ પડતાં સુધી એ બધું એણે એકલા હાથે સમુંસુતરું પાર પાડી દીધું. આર્યન ઘરમાં આવ્યા પછી એને ઘણી બધી જગ્યાએ લોહીના ડાઘ દેખાવા માંડયા અને એ દરેક રૂમમાં આઇ-પોડની શોધમાં દરેક રૂમમાં ફરતો ફરતો રવિવારવાળા બેડરૂમમાં આવ્યો.

 એણે જોયું કે આ રૂમમાં એણે તન્વીનું ખૂન કર્યું હતું પણ આ રૂમમાં લોહીનો એક પણ ડાઘ ન હતો અને ખૂન થયા પછી એ એક પણ બેડરૂમમાં ગયો ન હતો છતાં દરેક રૂમમાં લોહીનાં ડાઘ દેખાતાં હતાં. એનું દિમાગ ચકરાવા લાગ્યું. એની નજર બેડરૂમના સાઇડટેબલ પર પડી જ્યાં પેલું આઇ પોડ પડ્યું હતું. એણે હાથમાં લઇ સ્વીચ ઓન કર્યું અને……..

“થોડો સમય એટલે કેટલી રાહ જોવાની ?” અવાજે કહ્યું.

“આપણું મેડિકલ પતી જાય પછી. પણ હું ડૉક્ટર થયા પછી પણ પ્રેક્ટીશ નહી કરું. મારે ફક્ત તારી પ્રેમીકા બનીને તારા ઘરમાં એક આદર્શ ગૃહીણી થઇને જ રહેવું છે. તું પ્રેક્ટીશ કરજે.”

ડૉ. આર્યન પાંચ વર્ષ પહેલાનાં સંવાદો યાદ કરતો રહ્યો. અરે આ તો મારો જ અવાજ છે. આ મારો અને તન્વીનો જ સંવાદ છે. તન્વીનો પ્રેમી બીજો કોઇ જ નહી પણ પોતે જ હતો. ભુતકાળનો પ્રેમી અને અત્યારનો પ્રેમીપતિ… ના અત્યારનો ખૂની…***

ઓક્ટોબર 13, 2010

સખી…


 

એણે આંખો બંધ કરી અને એના પેટમાં એક જબરદસ્ત આંચકો આવ્યો, અને એનો હાથ અનાયાસે જ સીટ-બેલ્ટ ઉપર જતો રહ્યો, પ્લેનનો અવાજ અને ધ્રુજારી એટલી બધી હતી કે એ લગભગ ડરી ગયો,  દર વખતની જેમ. થોડી જ ક્ષણોમાં પ્લેન ટેઇક-ઓફ થઇ ગયું અને ન્યુયોર્ક શહેર ધીમે ધીમે પાછળ રહેતું ગયું અને તે તેના વતન  અમદાવાદની નજીક બહુ ઝડપથી આવી રહ્યો હતો. ભૌગોલિક કરતાં તે માનસિક રીતે તો અમદાવાદમાં આવી જ ગયો. પ્લેન પાંત્રીસ હજાર ફીટની ઉંચાઇએ ઉડી રહ્યું હતું. હવે આકાશમાં વાદળો એને નીચેની બાજુ દેખાઇ રહ્યા હતા. એવું એણે નાનકડી બારીમાંથી જોયું. થોડી વારે પ્લેનમાં બેઠેલા લોકો સીટ-બેલ્ટ છોડીને આઘાપાછા થઇ રહ્યા હતા. એરહોસ્ટેસો લોકોની જરૂરિયાતો સર્વ કરવામાં બીઝી થઇ રહી હતી અને કલરવ પટેલ એની અમદાવાદની ભુતકાળની દુનિયામાં સેર કરવા લાગ્યો.

કલરવ પટેલ આજથી દસ વર્ષ પહેલા અમેરિકા આવ્યો હતો, એકલો આવ્યો હતો, નોકરી માટે. બે વર્ષમાં બરાબર સેટ થઇ ગયો પછી અમદાવાદ પાછો આવીને મમ્મી-પપ્પાએ જે છોકરી શોધી આપી તેની સાથે પરણીને પાછો અમેરિકા ઉડી ગયો. શરૂઆતમાં પંક્તિ સાથે અમેરિકામાં થોડી ઘણી તકલીફો પડી, નવા લગ્ન, પંક્તિ માટે નવો દેશ, કોઇ સગા-વ્હાલા નહીં. વિકેન્ડમાં ફક્ત થોડા ઘણાં ગુજરાતીઓ મળે, બાકી તો સ્ટીરીયોટાઇપ જિંદગી. સમય પસાર થતો ગયો, અગવડો ધીમે ધીમે સગવડોમાં બદલાતી ગઇ. સ્વભાવ ધીમે ધીમે અમેરિકાની લાઇફ સ્ટાઇલમાં ઢળતો ગયો અને જિંદગી હવે સીધી સપાટ રસ્તા જેવી થતી ગઇ. દિવસો પસાર થતાં ગયાં, વર્ષો પસાર થતાં ગયાં… બાળકો થયાં અને વસંતઋતુમાં જેમ ઝાડને કુંપળો ફૂટે તેમ કલરવ-પંક્તિની જિંદગીમાં ફુટારો આવતો ગયો અને જિંદગી વધુ રંગીન, વધુ સંગીન બનતી ગઇ. ડોલરો ભેગા કરીને કલરવ પટેલ એન્ડ ફેમિલી અમદાવાદ આવતા અને થોડાંક દિવસો રહીને ડોલર ખંખેરીને પાછા અમેરિકા જતાં રહેતા. આ ક્રમ લગભગ દર બે વર્ષે આવતો ગયો.

પણ આ વખતે પરિસ્થિતિ કંઇક અલગ હતી. છોકરાઓની સ્કુલો ચાલુ હતી, પંક્તિની પણ જોબ ચાલુ હતી અને કલરવનો લંગોટીયો દોસ્ત સુહાસ આજે ચોત્રીસમે વર્ષે પરણવા તૈયાર થયો હતો એટલે રજા મળે કે ન મળે પરંતુ કલરવે તો લગ્નમાં હાજરી આપ્યા સિવાય છૂટકો જ ન હતો. સુહાસ શાહ અને પૂરવ મહેતા એનાં વર્ષો જુના દોસ્તો. જ્યારે જુવાનીની મૂછનો દોરો પણ ફુટ્યો ન હતો ત્યારના દોસ્તો. આઠમાં ધોરણમાં ત્રણેય મળ્યા હતાં અને ત્યારથી અત્યાર સુધી દોસ્તી અકબંધ રહી હતી. ફક્ત સમયને લીધે મળવાનું ઓછું બનતું, પણ જ્યારે પણ મળતા ત્યારે ધબ્બો મારીને – ગાળ બોલીને મળવાનાં સંબંધો હજુ અકબંધ રહ્યા હતા. એ અમેરિકા આવ્યો ત્યારે ચોવીસ વર્ષનો હતો અને અત્યારે એ ચોત્રીસનો થઇ ગયો હતો, વચ્ચેથી દસ વર્ષ બહુ ઝડપથી પસાર થઇ ગયા હતા. દસ વર્ષ પહેલાની જિંદગી નિર્દોષ, બેફિકર, નિરાળી હતી. હવેના વર્ષો સમજદારી, જવાબદારી અને ભવિષ્યની ચિંતાના હતા, અત્યારે કેલેન્ડર 2009 નું વર્ષ બતાવી રહ્યું હતું જે દસ વર્ષ પહેલા 1999 નું બતાવી રહ્યું હતું. હવે કેલેન્ડર પણ સુપરસોનિક ગતિથી તેમના વર્ષો બદલી રહ્યા હતાં.

એર-હોસ્ટેસ પેસેજમાં ચા-કોફીની ટ્રોલી લઇને આવી રહેલી દેખાઇ રહી હતી.

દસ વર્ષો માણસના જીવનમાં શું બદલી નાખે છે, અને ખાસ કરીને વીસથી ત્રીસ વર્ષોના દિવસોનો સમય માણસને શું નુકશાન કરી નાખે છે ? વીસમે વર્ષે છોકરો જ્યારે કોલેજ પૂરી કરે છે ત્યારે તેની સામે સૌથી મોટી ચેલેન્જ હોય છે કેરિયર બનાવવાની, ભવિષ્યમાં સેટ થવાની, પૈસા કમાઇ લેવાની અને લગ્ન કરવાની. ગ્રેજ્યુએશન પુરું કરીને કોઇ કંપનીમાં દસથી છ ની નોકરી શોધી લેવી બહુ સરળ હતી, પણ પોતાનું ગમતું કામ અને પૈસા મેળવવા ત્યારે પણ અઘરા હતા. કોમ્પીટીશન ત્યારે પણ હતી અને આજે પણ છે. પણ, કલરવ, સુહાસ અને પૂરવ આ બધામાંથી કંઇક અલગ જ હતાં તેઓએ પણ સપનાં જોયેલા અને સપના સાકાર દિન-રાત મહેનત કરેલી.

“સર, વ્હોટ ડુ યુ વોન્ટ ? ટી ઓર કોફી ?” એર-હોસ્ટેસે પૂછ્યું.

“ટી” એણે કહ્યું, “વીથ મિલ્ક એન્ડ સ્યુગર બોથ ”

“યસ સર, સ્યોર સર.” એર-હોસ્ટેસે સસ્મિત કહ્યું. સ્મિત એ એનાં જોબ પ્રોફાઇલનો જ એક ભાગ હતો. એર-હોસ્ટેસનું સ્મિત એના દિમાગમાંથી આવતું હતું, દિલથી નહી. એને હસવું આવ્યું. એર-હોસ્ટેસ ટ્રોલી ખસેડતી આગળ નીકળી ગઇ.

કલરવે કોલેજ પૂરી કરીને સોફ્ટવેર પ્રોગ્રામરનો કોર્ષ જોઇન કરી લીધો. ગણિત સીધુ હતું આવતા વર્ષો ઇન્ફર્મેશન ટેકનોલોજીના હતા અને દિમાગનું દહી કરવું એ કલરવનો બહુ જુનો શોખ હતો. સુહાસ શાહે પહેલેથી જ નક્કી કર્યું હતું કે તે એમ.બી.એ. કરીને પાંચ વર્ષ નોકરી કરીને પોતાની કન્સલ્ટન્સી ફર્મ ખોલશે અને ત્યાર પછી જ તે લગ્ન કરશે. એટલે કદાચ, સુહાસ માટે લગ્ન બહુ દૂરની વાત હતી. અને પૂરવ મહેતા હંમેશા કહેતો કે હું તો એક જર્નાલિસ્ટ બનીશ અને મારી પ્રિયા સખી સાથે જ લગ્ન કરીશ.

સખી, પૂરવની બાળપણની દોસ્ત, યુવાનીની પ્રેમિકા અને ભવિષ્યની પત્નિ, જીવનસાથી, અર્ધાંગિની અને જીવનભરની પ્રેમિકા. પૂરવ અને સખી સ્કુલમાં પહેલા ધોરણથી સાથે હતાં. જ્યારે કલરવ પટેલ આઠમાં ધોરણમાં આવ્યો ત્યારે એનાં પપ્પાની બદલી બરોડાથી અમદાવાદ થઇ અને કલરવે આઠમાં ધોરણમાં અમદાવાદમાં જે સ્કુલ જોઇન કરી તે જ સ્કુલમાં, તે જ ક્લાસમાં પૂરવ મહેતા, સુહાસ શાહ અને સખી પરીખ હતાં. દિવસો પસાર થતાં ગયા, ઓળખાણ થઇ. દોસ્તી થઇ અને એ દોસ્તી જિંદગીભરની દોસ્તી થઇ ગઇ. અલબત, જ્યારે સમજદારી આવી ત્યારે સખી પ્રત્યે કલરવ અને પૂરવ બંને આકર્ષાયા. કોલેજના દિવસો આવ્યા. સદનસીબે ચારેય જણાં એક જ કોલેજમાં એક જ ક્લાસમાં સાથે મળ્યાં. કલરવના અંતર્મુખી સ્વભાવને લીધે અને પૂરવના બહિર્મુખી સ્વભાવને લીધે, પૂરવના પ્રેમનો એકરાર સખી સમક્ષ થયો અને સદનસીબે સખીની જવાબમાં ‘હા’ પણ મળી જે પૂરવ માટે જિંદગીભર આનંદનો સમય સાબિત થયો.

“સર, ડુ યુ વોન્ટ એનીથીંગ એલ્સ ? એર-હોસ્ટેસે પૂછ્યું.

“નો, થેંક્સ.” કલરવે ટુંકાવ્યું.

અહીંથી નવ કલાકનો રન લંડન સુધી હતો અને ત્યારબાદ બે કલાકનો બ્રેક હતો અને ફરીથી નવ કલાક પછી અમદાવાદ આવવાનું હતું. હજી માત્ર ત્રણ કલાક જ પસાર થયા હતા. કલરવ ઉભો થયો, બાથરૂમ જઇ આવ્યો અને પાછો આવીને જગ્યાએ બેસી ગયો. આજુબાજુ નજર ફેરવી લીધી. થોડા સ્ત્રી-પુરુષો આંખો બંધ કરીને અર્ધનિંદ્રાવસ્થાની સ્થિતિમાં, ફેલાઇને, સીટો પાછળ ઝુકાવીને પડ્યા હતા. થોડીવારમાં લંચ આવી ગયું. લંચ પતાવીને કલરવે આંખો બંધ કરીને સુવાનો પ્રયત્ન કર્યો, પણ ઉંઘ આવવાની સ્થિતિ ન હતી, પણ સમયને કાપતી હતી.

સખી, મહાભારતમાં પણ દ્રૌપદીનું બીજું નામ ‘સખી’ હતું. ના, કદાચ. શ્રીકૃષ્ણ જ એને સખી કહીને બોલાવતા હતા. કૃષ્ણ અને દ્રૌપદીનો શો સંબંધ હતો ? કદાચ કંઇ નહી. ના કદાચ હતો, હા એ પાંડવોની પત્ની હતી અને કૃષ્ણ અને પાંડવોનો શો સંબંધ હતો ? એને લાગ્યું કે એનું દિમાગ સખી કરતા મહાભારતના પાત્રોમાં ઘુસી રહ્યું હતું. એને હસવું આવ્યું. પણ, શ્રીકૃષ્ણ અને સખી (દ્રૌપદી) નો જે સંબંધ હતો એ જ સંબંધ કલરવ અને સખીનો હતો. દોસ્તીનો. નિર્દોષ દોસ્તીનો. સખી એનાં દોસ્તની પત્ની હતી. અને એ દિવસોમાં એ એના દોસ્તની પ્રેમિકા હતી.

કોલેજનાં દિવસો ચારેય દોસ્ત દરરોજ મળતા, વાતો કરતા, મજા કરતા, છૂટાં પડતા. ઇર્ષ્યા. કલરવના દિમાગમાંથી ઇર્ષ્યા શબ્દનો ઝબકારો થયો. એને પૂરવની હંમેશા ઇર્ષ્યા આવતી. સાલો સખી જેવી સુંદર છોકરીને પટાવી ગયો. ધીમે ધીમે વર્ષો પસાર થતાં ગયાં. ગ્રેજ્યુએશન પુરું થયું હવે જ ખરી રીતે કેરિયરની પસંદગી કરવાની હતી. જિંદગી જીવાતી ગઇ. કલરવ કમ્પ્યુટર સોફ્ટવેરના ક્લાસમાં વ્યસ્ત થતો ગયો. સુહાસ એમ.બી.એ. ની તૈયારીમાં અને પૂરવ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમનો કોર્ષ જોઇન કરી લીધો. અને સખીએ ઇન્ટીરીયર ડેકોરેટર્સનો કોર્ષ જોઇન કરી લીધો.

સમય બહુ જ ઝડપથી પસાર થતો ગયો. કલરવ બે વર્ષ પછી અમેરિકા જતો રહ્યો.

એરપોર્ટ પર કુટુંબીજનો ઉપરાંત પૂરવ, સખી, સુહાસ મળવા આવેલા.

“અમેરિકા જઇને અમને ભુલી ન જતો” સખીએ કહ્યું હતું.

“બિલકુલ નહીં, તમારા જેવા દોસ્તોને ક્યારેય ભુલી શકાય ?”

“પણ સાંભળ્યું છે કે અમેરિકાનું પાણી બધાં જ સંબંધો – દોસ્તોને ભુલાવી દે છે ?” સુહાસે કહ્યું.

“એટલે જ તો એ અહીંથી વોટર-બેગમાં ઇન્ડિયાનું પાણી ભરીને જાય છે.” કલરવની મમ્મીએ વોટર-બેગ એના હાથમાં આપતા કહ્યું.

અને બધા હસી પડ્યાં.

અમેરિકા પહોંચ્યા પછી થોડા દિવસો પત્ર વ્યવહાર થતો રહેતો. ટેલીફોન ચાર્જ એટલા મોંઘા હતા કે અવારનવાર ફોન કરવા પરવડતાં નહીં. પત્ર વ્યવહાર ચાલુ રહેતો.

એક દિવસ સખીનો પત્ર આવ્યો હતો. ‘મેં અને પૂરવે લગ્ન કરી લીધા છે. તને ખ્યાલ છે કે મારા પેરેન્ટસ ઇન્ટરકાસ્ટ મેરેજમાં સંમતિ આપવાના ન હતા. એટલે મોકો મળ્યે અમારે સિવિલ મેરેજ જ કરવા પડે તેમ હતાં. અને ગઇ ડિસેમ્બરની બારમી તારીખે અમે લગ્ન કરી લીધા. લગ્નમાં કન્યા પક્ષ તરફથી સુહાસે સહી કરી હતી અને પૂરવના પક્ષથી એના મમ્મી-પપ્પાએ. તને અમારા લગ્નમાં બોલાવી ન શક્યા તે બદલ માફી માગીએ છીએ. અમને લાગે છે કે તું અમને માફ કરી દઇશ. અમે બંને ખુશ છીએ. પૂરવને રિપોર્ટર તરીકે એક ગુજરાતી ન્યુઝપેપરમાં નોકરી મળી ગઇ છે. પગાર પણ સારો છે અને કામ એને ગમતું છે એટલે એ હંમેશા ખુશ રહે છે. મેં નોકરી કે વ્યવસાય ન કરવાનું નક્કી કરી લીધું છે. મારા પિયરનો હાલ પુરતો સંપર્ક રહ્યો નથી. પણ મારો કઝીન મને અવારનવાર ફોન કરીને એમનાં ખુશી-સમાચાર આપ્યા કરે છે. તું ક્યારે ઇન્ડિયા આવવાનો છે ? લખજે. અને હવે જેમ બને તેમ જલ્દીથી પરણી જા. લગ્ન વિનાનાં જીવનની કલ્પના જ અધુરી છે. ખાસ કરીને પુરુષ માટે. ફરી એકવાર એના દિમાગમાં પૂરવ પ્રત્યે ઇર્ષ્યા થઇ આવી. સાલો કેરિયર અને પ્રેમ બંને પોતાની ઇચ્છા પ્રમાણે પામ્યો છે. નસીબદાર માણસ છે.

થોડા દિવસ પછી ફરી પત્ર આવ્યો, ‘પૂરવે સાથે સાથે ન્યુઝપેપરમાં કોલમ લખવાનું શરૂ કર્યું છે. એના પૈસા અલગથી મળે છે અને હમણા જ એનું પ્રમોશન થયું. હવે અમે અમદાવાદમાં જ મોટું મકાન શોધી રહ્યા છીએ. તું ક્યારે આવે છે ? એ લખજે. અમે તને એરપોર્ટ પર લેવા આવીશું.’ પૂરવ મજામાં છે અને તને હંમેશા મીસ કરે છે. –હું પણ.

થોડા સમય પછી ઇન્ડિયા આવવાનું થયું. આ વખતે લગ્ન કરીને જ અમેરિકા જવાનું હતું. દોસ્તો મળ્યા. સખી મળી. ખુબ વાતો થઇ. પૂરવ ખુશ ખુશ દેખાતો હતો. સખીએ કહ્યું હતું, ‘આઇ એમ કેરીઇંગ.’ લગ્ન થયા અને ફરી અમેરિકા ચાલ્યો ગયો. જિંદગી પૂરપાટ દોડતી રહી. ઇન્ડિયા અને અમેરિકા પોતપોતાની ઝડપે દોડતાં રહ્યાં. સમયના અભાવે પત્ર વ્યવહાર ઓછો થતો ગયો. પણ ફોન અવારનવાર થતો, જો કે પત્ર જેટલી મજા આવતી નહીં. પૂરવનો ફોન આવ્યો. હવે એ એક બેબી બોયનો પિતા થઇ ગયો હતો. નવું ઘર અને નવી ગાડી લીધી. નોકરીથી એ સમયસર આવી જતો. બાકીનો સમય ફેમિલી સાથે ગાળતો.

કલરવ પણ બે બાળકોનો પિતા થયો. અમેરિકામાં બંને જણાંએ કામ કરવું પડતું ત્યારે મહિનાનો ખર્ચ પૂરો થતો, થોડી બચત થતી. મન્ડેથી ફ્રાઇડે સુધી મશીની જિંદગી ની ઘરઘરાટી થતી હતી. વિકેન્ડમાં એ મશીન બંધ થતું, રિચાર્જ થતું અને મન્ડેથી ફરી એ મશીન ચાલુ થતું.

ધીમે ધીમે ઉંઘ આવતી ગઇ, વિચારો ધીમે ધીમે સમતા ગયા, સોડાવોટરની બોટલ ફુટ્યા પછી થોડીવારે પરપોટાં બેસી જાય તેમ.. સવાર પડી ગઇ, અમદાવાદ આવી ગયું. ઘરે ગયો. મમ્મી-પપ્પાને મળ્યો. આરામ કર્યો. લગ્ન સાંજના હતાં. રાત્રે લગ્ન પતાવીને અમદાવાદથી મુંબઇની ફ્લાઇટ પકડીને સવારે ચાર વાગ્યે બોમ્બે-ન્યુયોર્કની નોન-સ્ટોપ ફ્લાઇટ પકડવાની હતી. શિડ્યુલ ટાઇટ હતું. એકાદ કલાકનો પણ પ્રોગ્રામ આઘોપાછો થાય તો ફ્લાઇટ મિસ થઇ જાય તેમ હતું.

સાંજે લગ્નમાં પહોંચી ગયો. સુહાસ લગ્નનાં મેઇકઅપમાં બીઝી હતો, તૈયાર થતો ગયો અને વાતો થતી ગઇ. છોકરી ક્યાંની છે, શું કરે છે, ક્યારે મળ્યાં, પપ્પાએ શોધી આપી છે જાતે શોધી…? બધી વાતો થઇ. પૂરવે એના જોબની –પ્રોગ્રેસની વાતો કરી, કલરવે પણ અમેરિકાની પોતાની જિંદગીની વાતો કરી. લગ્ન શરૂ થયાં. સુહાસ લગ્ન વિધિમાં પરોવાઈ ગયો. પાછળ બે ફુટ પછી કલરવ અને પૂરવ ગોઠવાયા. ખુબ વાતો કરી શિડ્યુલ ઘણું જ ટાઇટ છે એની વાત થઇ.

“સખી ક્યાં, બાબો ક્યાં છે ?” કલરવે પૂછ્યું.

“સખીની તબિયત બરાબર ન હતી એટલે એ આવી નથી શકી.”

“શું થયું એને ?”

“જરા વાઇરલ ફિવર છે.” પૂરવે ઉદાસીનતાથી જવાબ આપ્યો.

પૂરવ દર વખત કરતાં આજે વધારે ગંભીર દેખાતો હતો, લગ્નમાં એની શારીરિક હાજરી હતી, પણ માનસિક રીતે તે ક્યાંક બીજે જ હતો.

“બાબો શું કરે છે ?”

“મજામાં છે, દોઢ વર્ષ પૂરા કર્યા, ચાલતા-બોલતા શીખી ગયો છે.”

“સખીને ડૉક્ટર પાસે બતાવ્યું કે નહીં ?”

“બતાવ્યું, ડૉક્ટરે ત્રણ-ચાર દિવસ આરામ કરવાનું કહ્યું છે. એટલે એ ન આવી શકી, મારી પણ ઇચ્છા ન હતી, પણ એણે જ મને સામેથી દબાણ કરીને મને મોકલ્યો છે.” પૂરવ બોલતો ગયો. તને પણ યાદ આપી છે. પંક્તિ અને બાળકોને પણ યાદ આપી છે.

ઇર્ષ્યા, કલરવે પ્રયત્ન કર્યો પણ ઇર્ષ્યા એનાં દિમાગમાં ઝબકારો કરી ગઇ. સખી કેટલી સમજદાર છે, પોતે  બિમાર હોવા છતાં એણે પૂરવને લગ્નમાં હાજરી આપવા મોકલ્યો.

“આપણી દોસ્તીને વર્ષો થયાં, પણ કોઇપણ દિવસે મેં તને આટલો બધો ઉદાસ જોયો નથી, કારણ પૂછી શકું ? કોઇ જોબની ચિંતા છે ? ઘરમાં કોઇ કંકાશ ચાલે છે ? કે શેરબજારમાં રૂપિયા ખોઇ બેઠો છે ?” કલરવે પૂછ્યું.

“કંઇ નહીં, એવું કંઇ જ નથી, સખી બિમાર છે એટલે મૂડ નથી.”

“વાઇરલ ફિવરમાં આટલી બધી ગંભીરતા ?” કલરવને આશ્ચર્ય થયું.

લગ્ન પતી ગયા, ડિનર પતી ગયું, નવી ભાભી સાથે ટુંકી વાતો થઇ, લગ્નમાં મજા આવી. સમય ઓછો પડ્યો. પંક્તિ અને બાળકો ન આવી શક્યા એનો અફસોસ થયો. હવે જલ્દીથી આખા ફેમિલી સાથે આવશે. ત્રણેય ફેમિલી સાથે કેરાલા’ફરવા જઇશું, વગેરે… વાતો થઇ.

ઘડિયાળ સાડા નવનો સમય બતાવી રહી હતી. સાડા અગિયાર વાગ્યે એની અમદાવાદથી મુંબઇની ફ્લાઇટ હતી. મુંબઇથી ન્યુયોર્કની ફ્લાઇટ વહેલી સવારે ચાર વાગ્યે હતી. વચ્ચેનો સમય મુંબઇ એરપોર્ટ પર થોડો આરામ અને કસ્ટમ ક્લિયરીંગ, ચેક ઇન વગેરે માટે ગોઠવાયેલો હતો.

“ચાલ હું તને એરપોર્ટ પર ડ્રોપ કરી જાઉં.” પૂરવે કહ્યું. એના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

“હજુ આપણી પાસે બે કલાક છે, એક કલાકમાં આપણે એરપોર્ટ પર પહોંચી જઇશું.”

“વધારાનાં એક કલાકનું શું પ્લાનિંગ છે ?”

“તારા ઘરે જવાનું, સખીની ખબર પૂછવાનું અને બાબાને મળવાનું, તારા બાબાને હું રૂબરૂ મળ્યો જ નથી.”

“બીજી વખત આવે ત્યારે મળજે, આજે એરપોર્ટ પર પહોંચવાનું જોખમ લેવું નથી, આપણે અમદાવાદના બીજા છેડા પર છીએ અને સીટીથી વચ્ચેથી જવાનું છે. એટલે બેટર કે જોખમ લીધાં વિના આપણે એરપોર્ટ પર પહોંચી જવું સારું.” પૂરવે અભિપ્રાય આપ્યો.

પૂરવની વાત સાચી હતી. બંને વાતો કરતાં કરતાં એરપોર્ટ પર પહોંચ્યા, ઘડિયાળ અગિયારનો કાંટો બતાવતી હતી. છેલ્લું ચેક-ઇન કરવા માટે હજુ પાંચ-સાત મિનિટ હતી.

છેલ્લી ઘડીની વાતો થઇ. પણ પૂરવ પ્રયત્ન કરવા છતાં મૂડમાં રહી નહોતો શકતો. એનાં ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઇ રહી હતી.

“ગમે તેમ હોય, પણ તું મારાથી કંઇક છુપાવી રહ્યો છે ?”

“કંઇ નહીં છોડ યાર.”

“તું મને તારો ખરો દોસ્ત માનતો હોય તો પ્લીઝ મને બતાવ. હું તને કંઇ મદદ કરી શકું.”

“મારી સમસ્યા, આવનારા દિવસોનો કોઇ ઇલાજ નથી, ઇશ્વર પણ મને મદદ નહી કરી શકે.”

“શું કહ્યું તે ?” કલરવને આશ્ચર્ય થયું.

સખીને બ્લડ કેન્સર છે, છેલ્લાં એક મહિનામાં ડિટેક્ટ થયું, અને એ છેલ્લાં સ્ટેજમાં છે, એનાં બચવાની કોઇ આશા નથી, હવે માત્ર ત્રણ મહિના છે એની પાસે.”

ચેક-ઇનનો છેલ્લો કોલ થયો.

કલરવને ચક્કર આવી ગયાં. પરંતુ, આ વખતે એનાં દિમાગમાં ઇર્ષ્યાનો ઝબકારો ન થયો.

———-
ચાર મહિના પછી………………

‘કેવું લાગેછે?’ કલરવે સખીના માથા પર હાથ ફેરવતાં પૂછ્યું.

“ઘણું સારું લાગેછે”
“હવે તારે ફક્ત પંદર દિવસ જ અમેરિકા રહેવાનું છે. ત્યારપછી તું એકદમ સજી થઇ જઈશ. હિંમત હારી જવાથી કામ ન ચાલે અને હવે તો મેડીકલ સાયન્સ ખુબ આગળ વધી ગયુંછે. ઇન્ડિયામાં એકાદ બે ડોકટરો ના અભિપ્રાય થી કેન્સર જેવા રોગ સામે હાર ન માની લેવાય.”

“હા તારી વાત એકદમ સાચી છે. તે મને નવું જીવન આપ્યું છે. તારું આ ઋણ હું ક્યારેય નહિ ભૂલી શકું” સખી એ કહ્યું.

“ઋણ ! કેવું ઋણ? આતો મારી ફરજ છે સખી. તને ખ્યાલ છે કૃષ્ણ અને દ્રૌપદી નો જે સબંધ હતો એ આપણો સબંધ છે – દોસ્તીનો.”

સખી એકદમ હસવા લાગી, ” પણ તું તો મને પ્રેમ કરતો હતો ને, કોલેજકાળ દરમ્યાન ?”

કલરવ કંઈ ન બોલ્યો, નીચું જોઈ ગયો. એણે સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો

સખી બોલતી ગઈ, ” મારી નજર એક સ્ત્રી ની નજર છે, સ્ત્રી પુરુષના દિલની વાત બહુ આસાની થી સમજી શકે છે, પણ એ વ્યક્ત કરી શકતી નથી અથવા તો કરતી નથી.”

થોડીવારે ખુશમિજાજી સાથે પૂરવ આવ્યો

અમેરિકા જઈ કલરવે સખીના બધા જ રિપોર્ટ્સ મંગાવ્યા હતાં અને ન્યુયોર્ક ના સારા માં સારા ડોક્ટર ને બતાવીને કેન્સર ની પૂરી સારવાર થવાની સંભાવના જાણી લીધી. ત્યારબાદ એણે પૂરવ અને સખીના અમેરિકા આવવા માટેના બધા જ પેપર્સ મંગાવી લીધા અને ફટાફટ વિઝા મેળવી આપ્યા. અને એક મહિનામાં બંનેને અમેરિકા બોલાવીને ને સખી ની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી. ડોક્ટર્સની અથાક મહેનત બાદ સખીને ફક્ત ચાર મહિનામાં કેન્સર જેવા મહારોગમાંથી મુક્તિ મળી. જેનો સંતોષ પૂરવ ના ચેહરા પર સ્પષ્ટ દેખાતો હતો – અને કલરવ ના ચેહરા પર પણ.