ત્રીજી જિંદગી..

૨૫મી  માર્ચ ૨૦૧૦ ના રોજ મારો બ્લોગ હું ચાલુ કરુંછું. જેમાં ૧૧મી  જુલાઈ  ૨૦૦૬ ના રોજ મુંબઈમાં વેસ્ટર્ન રેલ્વેની  લોકલ ટ્રેઈનમાં ૧૧ મિનીટમાં ૭ બોમ્બ ધડાકા થયા હતા, જેમાં ૨૦૯ જિંદગીઓ તબાહ થઇ હતી અને ૭૧૪ જિંદગીઓ ઘાયલ થઇ હતી. મેં એક નાની ટૂંકી વાર્તા  લખી છે જેમાં એનો સંદર્ભ લીધો છે. આશા રાખું કે તમને એ ગમશે. આ સિવાય મેં થોડી ઘણી નાની વાર્તાઓ લખી છે જે હું સમયાંતરે મારા આ બ્લોગમાં મુકતો રહીશ. આપનો નિષ્પક્ષ અભિપ્રાય આવકારદાયક છે.

_______________________________________________________________________

એ ઝડપથી દોડીને ટ્રેઇનમાં બેસી ગયો. મુંબઈની બધી સમસ્યાઓ ઉકેલાઈ જાય પણ, ટ્રેઇનની ભીડ ક્યારેય ઓછી થવાની ન હતી. એણે ફર્સ્ટ ક્લાસની વિન્ડો સીટ પકડી. એની ઘડીયાળ પાંચ-અડતાલીસ નો સમય અને અગિયારમી જુલાઈ ૨૦૦૬ ની તારીખ બતાવી રહી હતી.  બે મિનીટ પછી એક ધીમા આંચકા સાથે ટ્રેઈન  ઉપડી. ટ્રેઇન ચર્ચગેટથી બોરીવલીની ફાસ્ટ ટ્રેઇન હતી. એ દરરોજ આ ટ્રેઇનમાં અપ-ડાઉન કરતો હતો જે સાંજે પાંચ-પચાસે ઉપડતી અને છ-ચાલીસે એને અંધેરી સ્ટેશને ઉતારતી. ત્યાંથી એને ઘેરે પહોંચતા પંદર મિનીટ થતી, ફ્રેશ થતો અને જમવાનું બનાવતો. સાડા-આઠ થતાં ત્યારે એની દીકરી ‘સીમા’ ઘરે આવતી અને થોડીવાર પછી બાપ-દીકરી સાથે જમવા બેસતાં. સવારે સીમા વહેલી ઉઠીને  પોતાનું  અને એના  પપ્પાનું ટીફીન બનાવતી અને પછી બાપ-દીકરી સાથે ઓફિસે જવા નીકળતા. બંનેનો એ નિત્યક્રમ હતો, શનિ-રવિ સિવાય. એની જિંદગીમા સીમા સિવાય કોઈ નહતું, સીમા જ  એની જિંદગી હતી. આજથી દસ વર્ષ પહેલાં એટલે કે સીમા જયારે બાર વર્ષની હતી ત્યારે એની માનું ટૂંકી બીમારીમાં મૃત્યું થયું હતું. સીમા ના ભવિષ્યને જોતાં એણે બીજું લગ્ન કર્યું નહતું. 

એ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક કચેરીમાં ચપરાસીની નોકરી કરતો હતો. સરકારી ક્વાર્ટર્સમાં-અંધેરીમાં એ રહેતો હતો. ઘરમાં ત્રીજું કોઈ નહતું એટલે આર્થિક પરિસ્થિતિ ઠીક કહી શકાય એવી હતી. જિંદગી બહુ સામાન્ય હતી. સામાન્ય માણસોની જિંદગી અસામાન્ય હોઈ શકે? ઓફીસમાં એને એક સારા સાહેબે સીમા ને ઈંગ્લીશ મીડીયમમાં મુકવાની સલાહ આપેલી અને એડમીશન લેવામાં પણ મદદ કરેલી. સીમા ભણતી ગઈ, મોટી થતી ગઈ. સાથે સાથે સમજદારી પણ વહેલી આવતી ગઈ, કારણ કે જવાબદારી કોઈ પણ વ્યક્તિને બહુ જલ્દીથી સમજદાર બનાવી નાંખે છે.

એને ફક્ત દારૂ નું વ્યાસન હતું. એની પત્નીના મરી ગયા પછી એ વધી ગયું હતું. વળી, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આખા હિન્દુસ્તાનના જાતજાતના માણસો આવતાં એટલે આ કુટેવને અંકુશ કરવી એના માટે અઘરી હતી. સાંજ પડે ત્યારે દારૂનો નશો કરવો જ પડતો. 

એનો બાપ રોજ સાંજે દારૂ પીને આવતો ત્યારે એ જમવાનું તૈયાર રાખતી, થોડો કકળાટ કરતી અને એને જમાડી પણ લેતી.

પણ, છેલ્લાં બે વર્ષથી ઘરનો નિત્યક્રમ બદલાઈ ગયો હતો. સીમા ગ્રેજ્યુએટ થઇ અને એક પ્રાઇવેટ બેંકમાં નોકરીએ લાગી ગઈ, ત્યારે એણે પહેલા પગારમાંથી સૌથી પહેલા એના બાપનું મેડીકલ ચેક-અપ કરાવ્યું હતું.

‘એમને સીરોસીસ ઓફ લીવર થવાનો ખતરો છે, જો તાત્કાલિક દારૂની લત નહિ છોડાવાય તો ઈશ્વર પણ એમને મોત ના મુખમાંથી નહિ બચાવી શકે.’  ડોકટરે  કહ્યું હતું અને ત્યારબાદ સીમા એ તાત્કાલિક દવાઓ શરૂ કરાવી. નશાબંધી કાર્યાલયમાં જઈને કાઉન્સેલિંગ કરાવ્યું, ધીમે ધીમે દારૂ ની લત છૂટી ગઈ, જેન એક વર્ષ ઉપર થઇ ગયું. એનું શરીર પણ સારું થયું. એ સીમા ને કહેતો કે તે મને મોતના મુખમાંથી બચાવ્યો છે. મને બીજી જિંદગી મળી છે.

આજે એ બેચેન હતો, ટ્રેઈનમાં ભીડ વધતી જતી હતી અને બફારો આજે વધારે લાગી રહ્યો હતો. ટ્રેઈનનું   વાતાવરણ પણ ગંભીર હતું. આજે કંઇક અજુગતું લાગી રહ્યું હતું.

પણ ગઈ કાલે સાંજે એના એક ચપરાસી દોસ્ત કુલકર્ણીની રીટાયરમેન્ટ પાર્ટી હતી અને ના પાડવા છતાં દોસ્તો ના આગ્રહથી દારૂ પીવાઈ ગયો હતો. ત્યારબાદ જયારે તે ઘરે મોડો પહોચ્યો ત્યારે………..

‘પપ્પા, તમે આ શું કર્યું ? ફરી દારૂ પીને આવ્યા ?’

‘પિવાઈ ગયો’.

‘પિવાઈ ગયો એટલે શું ? તમને ખ્યાલ નથી કે દારૂનું એક ટીપું પણ તમારા માટે ઝેર સમાન છે. માંડ માંડ દારૂ છૂટ્યો છે ત્યાં તમે ફરીથી ચાલુ કરી દીધો ?’

‘સોરી બેટા’ . એણે શાંતિથી કહ્યું હતું.

‘સોરી કીધું એટલે ખતમ? તમને ખ્યાલ છે, તમારું લીવર ખરાબ થતું જાય છે, એને જો નહીં અટકાવીએતો………. …………’ સીમા વચ્ચેથી જ  અટકી ગઈ હતી.

‘સોરી… સોરી… સો…રી’  એણે પોતાને સંભાળતા કહ્યું હતું.

‘સોરી બોલતાંય તમારી જીભ લથડાય છે, તમને જવાબદારી નું ભાન છે કે નહીં? તમને કંઈ થઇ જશે તો મારું કોણ ?’ સીમાએ કહ્યું હતું.

‘ચુપ કર……..’.

‘ચુપ નહિ થવાય, આટલી બેજવાબદાર જિંદગી જીવવી હતી તો મને શા માટે પેદા કરી ? અને પેદા કરી તો અનાથાશ્રમમાં મૂકી આવવી હતીને’

‘ચૂ….પ….કર………’ એ ચિલ્લાયો અને એણે સીમા ના ગાલ પર એક થપ્પડ લગાવી દીધી હતી, સીમા રડતી રડતી જમ્યા વિના એના રૂમમાં ચાલી ગઈ હતી..

સીમાને ક્યાં ખબર છે કે દારૂ પીવાની ના પાડી ત્યારે દોસ્તોએ અને સીમાની કસમ આપી હતી.

પણ, હવે એ ક્યારેય દારૂ નહિ પીવે એવી એણે પણ કસમ લઇ લીધી. 

…………………એ વિચારતો રહ્યો, એક બાપ એની દીકરી ને પોતાની ભૂલ માટે લાફો મારી શકે છે , કાલે જે કઈ થયું એ ભૂલી જવું જોઈએ, સીમા ની માફી માંગી લેવી જોઈએ, એક બાપ એની દીકરી ની માફી માંગી લેશે. માંગવી જ જોઈએ. ભૂલ એની જ હતી.

એણે ટ્રેઈનની બારીમાંથી  બહાર જોયું, દાદર પસાર થયું.  સીમાની બેંકમાં જવું જોઈએ, એણે વિચાર્યું. એને સાથે જ લઈને ઘરે જવું જોઈએ, એને મનાવવી પડશે. એણે જ દારૂ છોડાવીને એની જિંદગી બચાવી હતી, અને સીમા એની જિંદગી હતી.

એ ઉભો થયો, ભીડને વીંધતો એ ટ્રેઈન ના દરવાજે આવ્યો, બાંદરા સ્ટેશન આવ્યું,  એ ઉતરી ગયો અને એણે ફટાફટ રીક્ષા પકડી. સીમા ને મોબાઈલ    કરીને જણાવવું નથી, સીધા જ બેંક માં પહોચી જવું અને જલ્દીથી એને લઈને બહાર જવું, એણે વિચાર્યું.

ઓફીસ છૂટવાનો સમય હતો એટલે વચ્ચે ટ્રાફિક બહુ નડ્યો એ પચીસ મિનીટ બાદ એ  રીક્ષામાંથી ઉતર્યો અને બિલ્ડીંગ તરફ ચાલવા લાગ્યો. એણે જોયું,  સામેથી સીમા દોડતી દોડતી આવતી હતી.  બંનેની નજર ટકરાઈ.

‘પપ્પા તમે ઠીક તો છો ને’. સીમા હાંફતી હતી.

‘કેમ મને શું થવાનું  હતું?’ એ ચમક્યો.

‘થેંક ગોડ’ એ હજી હાંફતી જ હતી.

‘તમને ખબર નથી? પાંચ-પચાસે ઉપડેલી ચર્ચગેટ- બાંદરા ફાસ્ટ લોકલમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે’.  

‘પણ હું તો એ જ ટ્રેઈન માં આવ્યો છું, કોઈ અફવા હશે’

‘ના એ જ ટ્રેઈનમાં બ્લાસ્ટ થયો છે, બાંદરા-ખાર સ્ટેશન વચ્ચે, છ અને ચોવીસ મીનીટે. તમે દરરોજ એ ટ્રેઈન માં તો આવોછો અને અંધેરી ઉતરો છો’ એ હાંફતી બંધ થઇ.

એના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઈ.

એને થયું આજે હું સીમાને લેવા અહી ન આવ્યો હોત તો મને ત્રીજી જિંદગી ન મળી હોત.

સુનીલ ઉપાધ્યાય

 * * *

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: