Archive for જૂન, 2010

જૂન 11, 2010

ધ્વંસ..


હું કોલેજ જઈ રહી હતી, હું એકલી હતી. પાનના ગલ્લાં ઉપર ટેપરેકોર્ડર વાગી રહ્યું હતું.

” રસ્તા વહી હૈ મુસાફિર વહી, એક તારા ન જાને કહાં છૂપ ગયા……
એક તારા ન જાને કહાં છૂપ ગયા”……………………………………..

ને હું અટકી ગઈ. મને ખબર હતી કે મારી સાથે આજે ધ્રુવ ન હતો. ધ્રુવ એક યાદ બનીને મારા સ્મૃતિપટ પર આવીને મને સંવેદના આપી ગયો.

એ દિવસો કોલેજના બીજા વર્ષના બીજા સત્રના હતાં. દિવાળી વેકેશન પૂરું થઇ ગયું હતું. કોલેજો શરૂ થઇ ગઈ હતી. ધ્રુવ મારા મિત્ર વર્તુળોમાંનો એક મિત્ર હતો, તે મારી સૌથી નજીકનો દોસ્ત હતો. ઉંચો, સોહામણો અને હસમુખો. એ વાતવાતમાં હસી પડતો અને નાના જોક્સ કહીને અમને હસાવી દેતો. હું અને મારા બીજા દોસ્તો રવિ, રીના, જુલી, અને વિસ્મય એને ઘણીવાર “હસમુખલાલ” કહીને બોલાવતાં.

હું અને ધ્રુવ એક જ બસ સ્ટોપ પરથી સાથે કોલેજ આવતાં અને જતાં. ઘણીવાર એ શાયરીની ઢબમાં પેલુ ગીત ગાઈ નાંખતો :

” રસ્તા વહી હૈ મુસાફિર વહી, એક તારા ન જાને કહાં છૂપ ગયા…….
એક તારા ન જાને કહાં છૂપ ગયા”………………………………………

એને આ લાઇન બહુજ પસંદ હતી.

અમે કોલેજના દરેક લેકચર નિયમિત ભરતાં, પણ કોઈ બુડ્ઢાપ્રોફેસરનું એકાદ લેકચર બંક મારી દેતાં અને કોલેજ કેન્ટીનમાં જઈને બેસતાં. ઘણીવાર એ કેન્ટીનનું અખબાર લઈને મોટેથી વાંચતો અને હું ખિજાઈ જતી.

એ હસીને કહેતો : “મેરે આકા અબ હમ અખબાર નહિ પઢેંગે”.

એની રોજબરોજની આવી હરકતો મને ગમવા લાગી. એ દરેક વાતને બહુ જ સહજતાથી લેતો. એની આવી બધી વાતો એના તરફ ખેંચતી. હું મુસ્લિમ અને એ હિન્દુ હોવા છતાં અમારી દોસ્તી બહુ જ સરળતાથી ચાલતી. અલબત્ત, અમદાવાદ જેવા શહેરમાં હિન્દુ-મુસ્લિમના અવારનવાર તોફાનો થતાં હોવા છતાં અમારી દોસ્તી કાયમ રહેતી.

ઘણીવાર અમે દોસ્તોના ગ્રુપથી અલગ થઈને પણ બેસતાં. ટૂંકમાં મને એની સાથે હરવું-ફરવું ગમતું. મને ખબર ન હતી કે હું એને ગમું છું કે નહી પણ એ મને હંમેશા ગમતો. દિવસે ને દિવસે એ મને વધુ ગમવા લાગ્યો.

એક દિવસ અમે બધા કેન્ટીનમાં બેઠા હતાં. એવામાં રવિ બોલ્યો, ” એક વાત પૂછું, શમા ?”
“હા”
“તને અને ધ્રુવને અમારાથી કઈ ખોટું લાગ્યું છે ?”
“નહી તો?”
“તો પછી તમે બંને અમારાથી અળગા કેમ બેસો છો ? આ બાબતથી હું, રવિ, રીના, જુલી બધા ચિંતામાં છીએ.”
“અરે ભાઈ આવું કંઈ નથી, ચાલો હવેથી આવી ગુસ્તાખી નહી કરીએ” ધ્રુવ વચ્ચેથી બોલ્યો હતો.
“શમા, એક વાત મારા મનમાં આવી છે, ગુસ્સે ન થાય તો કહું” જુલી એ કહ્યું હતું.
“હું ના પાડું તો ?”
“તોયે હું તો કેહવાની જ.” પછી એણે કહ્યું હતું, ” તારી અને ધ્રુવની જોડી સરસ લાગે છે. તમારે માત્ર દોસ્ત ન રહેતા, કંઈક આગળ વધવું જોઈએ.
“એટલે ?” હું જુલી નો કહેવાનો મતલબ સમજતી હતી છતાં મેં પૂછ્યું હતું.
“મને લાગે છે કે તમે બંને એકબીજાને પસંદ કરો છો, તમારે માત્ર દોસ્ત ન રહેતાં, એકબીજાના જીવનસાથી બનવાનું વિચારવું જોઈએ.” જુલી બોલી ઉઠી હતી.
“હા, હવેતો આંતરજ્ઞાતીય, આંતરધર્મીય અને આંતરરાષ્ટ્રીય લગ્નો પણ થવા લાગ્યા છે. આપણે એકવીસમી સદીના આરે ઉભા છીએ”. વિસ્મય બોલ્યો હતો.
“બોલો, હિંદુ – મુસ્લિમ એકતા જિંદાબાદ” રીના બોલી ઉઠી હતી.
“જિંદાબાદ” આખી ટોળકી બોલી ઉઠી હતી – મારા અને ધ્રુવ સિવાય.
હું શરમાઈ ગઈ હતી, અને મનમાં હરખાઈ ગઈ હતી.

ત્યારબાદ ધ્રુવે એ બાબત ક્યારેય ચર્ચા કરી ન હતી. અલબત્ત, અમારી દોસ્તીમાં કંઈજ ફરક પડ્યો ન હતો. અમે પહેલાની માફક જ સાથે કોલેજ જતાં-આવતાં. એની નોટબુક મારા હાથમાં જ રહેતી, જેના કોઈ કોઈ પાને સરસ મજાના સુવાક્યો લખ્યા હોય જે હું દરરોજ વાંચી લેતી.

એક નોટ ના પ્રથમ પાને લખ્યું હતુ : “પ્રવાસી પક્ષીઓ દરેક ઋતુમાં નવી આબોહવામાં ચાલ્યા જાય છે. પણ, ગરુડ હંમેશા પોતાના વતનના પહાડોને વફાદાર રહેછે” – મધ્ય એશિયન કહેવત.

બીજા પાના પર લખ્યું હતું : ” જીંદગી એ રસ્તા પર અવિરત દોડતા વાહન જેવી છે. કોઈના હોવા કે ન હોવાથી જીંદગી અટકી જતી નથી, થોડી તુટન જરૂર આવી જાય છે. પણ જીંદગી અટકી જતી નથી.”

નોટ ના છેલ્લા પાના પર લખ્યું હતું : “જીંદગી એ ભ્રમોની ભ્રમણ ગાથા છે, એમાં સૌથી મોટો ભ્રમ પ્રેમ છે. પ્રેમ માનસ ને પાડતો નથી બલકે, ઉન્નત બનાવે છે. ”

એ એક વખત બસસ્ટોપ પર બાઇક લઈને આવ્યો અંને ઉછળી ઉછળીને કેહવા લાગ્યો, ” જો શમા, પપ્પાએ મને બાઇક લાવી આપ્યું. હવે આપણે દરરોજ બાઇક પર કોલેજ આવ-જા કરીશું.”

અમે બાઇક પર કોલેજ જતાં, મને થતું કે મારો સંસાર અત્યારથી જ વસવાનો શરુ થઇ ગયો, હું ખુદા નો અભાર માનતી ગઈ. કોઈ વખત એ બાઇક લીધા વિના આવતો ત્યારે અમે સીટી બસમાં કોલેજ જતાં.

પણ, ઘણીવાર એનું પેલું ગીત તો ગણગણવાનું ચાલુ જ રહેતું :
” રસ્તા વહી હૈ મુસાફિર વહી, એક તારા ન જાને કહાં છૂપ ગયા…….
એક તારા ન જાને કહાં છૂપ ગયા”………………………………………

એક દિવસ અમે બધા કોલેજ કેન્ટીન માં બેઠા હતા. એણે છાપું લીધું ને મોટેથી વાંચવા લાગ્યો. “હિંદુ ધર્મના આગેવાનો છટ્ઠી ડીસેમ્બર ના રોજ રામ જન્મ ભૂમિ મંદિર બાંધવા માટે આગેકુચ કરશે.”

“તો તો પછી બાબરી મસ્જીદ તોડવાની વાત આવશે, તો તો અખા દેશમાં તોફાન થશે” વિસ્મયે કહ્યું હતું.
“હા, હિંદુ મુસ્લિમને મારશે અને મુસ્લિમ હિંદુને મારશે, બહુ મોટું તોફાન થશે. એ લોકો એકબીજાને મારી નાખવા જ હિન્દુસ્તાનમાં જન્મ લે છે.” ધ્રુવ ઉત્તેજિત સ્વરે બોલતો ગયો.” મને લાગે છે કે બંને કોમોને હાટમાં હથિયારો આપી દેવા જોઈએ અને આખી જીંદગી લડાવતા રેહવા જોઈએ, જ્યાં સુધી એમની નફરત નું ઝેર નીતરી ના જાય ત્યાં સુધી.”
“શું તુ માને છે કે વર્ષો પછીયે આ નફરત ઓગળી જશે ?” મેં કહ્યું હતું.
“હા, મને તો એવું લાગે છે”. ધ્રુવ વિષાદથી બોલ્યો હતો.
“જો ધ્રુવ, હિંદુ અને મુસ્લિમો પોતાના ધર્મ માટે થઇ ને એક બીજાને જાનથી મારી શકે છે, કાપી શકે છે, બાળક ને અનાથ બનાવી શકે છે, સ્ત્રીને વિધવા બનાવી શકે છે, કોઈ નો દીકરો તો કોઈના બાપ ને મારી શકે છે. ધર્મ ને જીવાડવા માટે તેઓ જીંદગી ઓ બરબાદ કરી શકે છે. આ આક્રોશ સદીઓથી ચાલતો આવે છે, એમાં હું કે તું કંઈ કરી ના શકીએ, આવી પ્રવૃત્તિઓની ચર્ચા અને ચિંતા જ ન કરવાની હોય. એવી બધી ચિંતા કરવાવાળા આપણાં બદમાશ રાજકારણીઓ બેઠા છે” રીના એકી શ્વાસે બોલી ગઈ હતી.
“એના કરતા તો અપના જેવા યુવાનો સારાં. આપણી કોલેજમાં ક્યારેય હિંદુ-મુસ્લિમ છોકરાઓને જ્ઞાતિવાદ પર લડતા જોયા છે? અલબત્ત, હિંદુ-મુસ્લિમો એકજુથ થઈને રહેશે, સારાં મિત્રો બનીને રહે છે જેનું ઉદારહણ છે – ધ્રુવ અને શમા.

ધ્રુવ અને હું જેમ જેમ નજીક આવતા ગયા તેમ તેમ મને થતું ગયું કે એ મને ગમે ત્યારે કહી દેશે કે હું તને પ્રેમ કરુછું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અમારા બંનેના હોઠો વચ્ચે ફક્ત પ્રેમ નો એકરાર થવાનો બાકી હતો એવું મને લાગ્યા કરતું. પણ, મેં મનમાં નક્કી કરી લીધું હતું કે ધ્રુવ મને પ્રપોઝ કરશે પછી જ હું એના પ્રેમ નો એકરાર કરીશ, અલબત્ત હું પહેલ નહિ જ કરું.

“શમા, ચાલ આપણે કોલેજ કેન્ટીનના ખૂણાવાળા ટેબલ પર બેસીએ”. એક દિવસ એણે મને કહ્યું હતું. અમે ત્યાં જઈને બેઠા, મને હતું કે આજે એ હિંમત કરશે જ. અને થયું પણ એવું કે એણે એક પત્ર મારા હાથમાં થમાવી દીધો અને કહ્યું હતું કે તું આ લેટર વાંચી લેજે, વિચારી જોજે એ કાલે એનો જવાબ આપજે.

“ના મને બે-ત્રણ દિવસ જોશે, બાય ધ વે એમાં એવું છે શું?”
“એ તું વાંચી લેજે ને અને મને શનિવારે જવાબ આપજે”. એ થોડો નર્વસ હતો.

મારે ધ્રુવ ને થોડો પરેશાન કરવો હતો. શનિવાર આવ્યો તોયે મેં લેટર વાચ્યો ન હતો. એ દિવસે એ ચાલુ લેકચરે વારંવાર મારી સામે જોયા કરતો હતો. થોડો પરેશાન દેખાતો હતો. મને મજા આવતી..

“શમા, તેં લેટર વાંચ્યો”.
“સોરી, યાર મને સમય જ મળ્યો નથી. પણ, સોમવારે ચોક્કસ વાંચીને જ આવીશ, પ્રોમિસ”.

પણ કાલે તો છટ્ઠી ડીસેમ્બર છે, કાર સેવકો રામ મંદિરના નિર્માણ માટે બાબરી મસ્જીદ પર ચઢાઈ કરવાના છે, અને જો એવું થશે તો આખા હિન્દુસ્તાનમાં તોફાન ફાટી નિકળશે. કદાચ, કોલેજો પણ બંધ થઇ જશે.

“ગમે તે થાય પણ હું ચોક્કસ તને મળવા આવીશ, અને કોઈ પણ મુશ્કેલી હશે તો તું મને ફોન કરી દેજે.” મેં કહ્યું હતું.

અને અમે છુટા પડ્યા હતા. ધ્રુવનો મારા ઘેર ઘણીવાર ફોન આવતો, અબ્બુ અને અમ્મી પણ એને સારી રીતે ઓળખાતા હતાં, એ ઘણીવાર મારા ઘેર આવતો ત્યારે અબ્બુ અને અમ્મીને એની વાતોથી પ્રભાવિત કરી દેતો.

હું જટપટ ઘેરે ગઈ, જમીને મારા બેડરૂમમાં ઘુસી ગઈ હતી અને નોટ ના પૂંઠાની પાછળ સંતાડી રાખેલો ધ્રુવનો લેટર કાઢીને વાંચવા લાગી હતી.

સ્નેહ સુમન સમર્પિત….

ઘણા મનોમંથન પછી પણ હું તારા નામની આગળ “પ્રિય” નું સંબોધન ન કરી શક્યો કદાચ આપણી વચ્ચેના સંબધોએ મને એમ કરતાં રોક્યો છે. તારા સંવાદો, તારી સાથેના બેનામ સબંધે બેહદ ખુશી આપી છે. સંધ્યાની શીતળતાઓ તારી કાલ્પનિક ઉપલબ્ધી કરાવી જાય છે. જેમ સમુદ્રકિનારે ઉભા રહીને તેની ગતિ જોવી ગમે છે. પણ એ ગતિથી વિશેષ મન કંઈ વિચારતું નથી….બસ જોવી ગમે છે…..તેવી જ રીતે, તારી કલ્પનાકૃતિ માણવી ગમે છે. મેં હજાર વાર વિચાર્યું કે આ બેનામીમાંથી બહાર નીકળીને આપણાં સબંધને એક નામ આપું. હા શમા ! હું કદાચ આ લખવા માટે મજબુર છું. આવું કેમ બન્યું એનો જવાબ કદાચ હું તારી સાથે નજર મિલાવીને ન આપી શકું.

શમા, એક એવો ડર પણ છે કે તારી દોસ્તીને સમજવામાં ભૂલ તો નથી કરીને ? પણ, એ ડર કરતાં મનમાં ઉદ્ધભવેલી તારા પ્રત્યેની લાગણીઓ એ સાચી હકીકત છે. તારી સાથે મને હરવું-ફરવું ગમે છે, તારી હયાતી મને અનહદ આનંદ આપી જાય છે. મારી વિપુલ ઝંખનાઓની તું તૃપ્તિ છે…જીવનની જડ્તાભારી વાસ્તવિકતાઓમાં તારી યાદ હદયના ધબકારા બનીને ધડકે છે……આ આકર્ષણ ક્યારે- કેવીરીતે થઇ ગયું એનું મને ભાન નથી. પણ, હિંમત કરીને એટલું જરૂર કહી શકુ છું કે મને તારો સાથ બહુ જ ગમે છે અને ભવિષ્યમાં પણ ગમશે જ… પછી ભલે તે કલ્પના સ્વરૂપે હોય કે વાસ્તવિકતા સ્વરૂપે હોય….

અને આ કલ્પનાઓને હું વાસ્તવિકતામાં બદલવા માંગુછું… હા શમા, હું તને પ્રેમ કરું છું, બેહદ પ્રેમ કરું છું… તારા વિનાની જીંદગીની હું કલ્પના જ નથી કરી શકતો.

…………..આશા છે કે મેં અર્પેલા આ સ્નેહસુમનની સુવાસ તારા હદયને ધડકાવી ગઈ હશે………………..

કદાચ એ જ પ્રમાણ હશે, આપણાં શરું થતા સબંધોનું……….
કદાચ એ જ નામ છે, આપણાં બેનામ સબંધોનું……………
………………….ધ્રુવ

મારી અપેક્ષા હતી એમ જ એને ગોળગોળ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો, એનો લેટર વાંચીને હું ઝૂમી ઉઠી હતી આખરે અમારા પ્રેમનો જન્મ થઇ ગયો હતો., એક મુગ્ધા છોકરી નો અને એક મર્દાના છોકરાનો પ્રેમ આ દુનિયામાં જન્મ લઇ ચુક્યો હતો. ફક્ત પ્રત્યક્ષ એકરાર જ બાકી હતો જે સોમવારે થઇ જવાનો હતો..

પણ પ્રેમ નો એકરાર કર્યા પહેલાં એકવાર પરેશાન કરવો હતો એટલે મેં મનોમન નક્કી કર્યું હતું કે એને રેસ્ટોરંટના કપલરૂમમાં લઇ જઈશ અને હું એના પર ગુસ્સે થઈશ, ” ધ્રુવ, તું શું સમજે છે તારી જાતને, મેં તારી સાથે નિખાલસ દોસ્તી બાંધી એનો તે ગલત મતલબ કાઢ્યો છે, મને તારાથી આ અપેક્ષા ન હતી. તારા અને મારા વિચારો અહીંથી જુદા પડેછે, આપણાં રસ્તાઓ આજથી જ અલગ થાય છે, ગુડબાય”.

એ અનપેક્ષિત પ્રતિભાવ જોઇને એ ડઘાઈ જશે, એની પાસે બોલવા માટે શબ્દો નહિ હોય અને એ સોરી કહેતાં પણ વિચારતો હશે, એ કદાચ નીચું જોઇ ને બેસી રેહેશે. પછી હું એના વાળ જોરથી પકડીને એનો ચહેરો મારા ચહેરા સામે લાવીને એને ચુંબનોથી નવડાવી દઈશ. બસ એ જ રીતે હું એના પ્રેમ નો એકરાર કરીશ એવું મેં મનોમન નક્કી કરી લીધું હતું.

સોમવારે વહેલી સવારે ઉઠીને તૈયાર થે ગઈ હતી. અબ્બુ દરરોજની જેમ અખબાર વાંચતા હતા. હું પણ બાજુમાં જઈને અખબાર વાંચવા લાગી. હેડલાઈન વાંચતા જ મારા મનમાં ધ્રાસકો પડ્યો, ” બાબરી મસ્જીદનો ધ્વંસ થયો…..”

બાબરી મસ્જીદનો ધ્વંસ એ ખરેખર એક ઐતહાસિક ઈમારત નો ધ્વંસ ના હતો, પણ વર્ષોથી ચાલી આવતી હિંદુ-મુસ્લિમ એકતાનો ધ્વંસ હતો, બિનસામ્પ્રદીયિકતાનો ધ્વંસ હતો.. મને લાગ્યું કે હું ખોટા વિચારે ચડી ગઈ હતી.

અખબાર વાંચીને હું કોલેજ જવા ઉભી થઇ અને અબ્બુ એ મને રોકીને કહ્યું હતું, ” બેટા, બાબરી મસ્જીદ તૂટી જવાથી આજે શહેરમાં તોફાન થવાની પુરેપુરી શક્યતા છે આજે કોલેજ ના જઈશ.”

હું બેડરૂમમાં ગઈ. હું નિરાશ હતી, મેં ધ્રુવ ને પ્રોમિસ આપ્યું હતું કે હું કોઈપણ સંજોગોમાં તને સોમવારે મળીશ જ. પણ હવે એ શક્ય ના હતું. મારું એને મળવા જવું બહુ જ અગત્યનું હતું. એવામાં ધ્રુવનો ફોન આવ્યો .

“હેલ્લો”
“હા, શમા, હું ધ્રુવ બોલુછું” એ મારો અવાજ ઓળખી ગયો. “જો સવારના આઠ વાગ્યા છે,

અખબાર વાંચીને તું કોલેજ જવા નીકળી નહિ હોય, પણ શહેરમાં તોફાન નથી, તું અડધા કલાક માં કોલેજ પહોચ, હું બીજા રસ્તેથી મારી બાઈક લઈને કોલેજ આવુ છું” એ એકી શ્વાસે બોલતો ગયો હતો.. હું એનો અવાજ સંભાળતી રહી હતી .

“પણ, અબ્બુ ના પાડે છે”
“અચ્છા, ફોન આપને તારા અબ્બુજાન ને”

મેં અબ્બુ ને ફોન આપ્યો ખબર નથી ધ્રુવે અબ્બુને શું કહ્યું પણ અબ્બુ એ મને સાચવીને કોલેજ જવાની રાજા આપી દીધી. હું ખુશીથી ઝૂમી ઉઠી.

હું બસસ્ટોપ આવી, લોકોની ચહલપહલ હજુ સામાન્ય હતી. છાપાવાળો ફેરિયો, “બાબરી મસ્જીદનો ધ્વંસ થયો……..બાબરી મસ્જીદનો ધ્વંસ થયો……..

બાબરી મસ્જીદ તોડી પાડવામાં આવી….” એવા વાક્યો બોલતો હતો અને વાતાવરણમાં અનાયાસે તંગદીલી પેદા કરતો હતો.

થોડીવારે સીટીબસ આવી.. હું બેઠી અને વિચારો કરતી હતી. આજે એક મુસ્લિમ યુવતી હિંદુ યુવાન સામે એના પ્રેમનો એકરાર કરવા જઇ રહી છે અને બીજી તરફ બાબરી મસ્જીદ તોડી પાડવાથી હિંદુ-મુસ્લિમ કોમી રમખાણોના બી રોપાયા હતા. કેટલો વિરોધાભાસ હતો – પ્રેમનો અને ધર્મનો. અહીં ધર્મને જીવાડવા માટે માણસોની જિંદગીઓ કતલ થવાની હતી.. પણ, એ લોકો ને ખબર નથી કે ધર્મએ માણસ ને જીવાડ્યો છે માણસે ધર્મ ને નહી.

કોલેજનું સ્ટોપ આવ્યું, હું ઉતરી અને કોલેજ તરફ ચાલવા લાગી. પણ ધ્રુવ આજે મારી સાથે ન હતો.

પાનના ગલ્લાં ઉપર ટેપરેકોર્ડર વાગી રહ્યું હતું.

” રસ્તા વહી હૈ મુસાફિર વહી, એક તારા ન જાને કહાં છૂપ ગયા…..
એક તારા ન જાને કહાં છૂપ ગયા………………………………………

એકાદ કલાક ઉપર થયું પણ ધ્રુવ ન આવ્યો, કોલેજો વહેલી છૂટી ગઈ. શહેરનું વાતાવરણ તંગ થઇ રહ્યું હતું. કોલેજના લગભગ બધા છોકરાઓ ઘરે જતા રહ્યા હતા. ફક્ત હું ધ્રુવ ન આવનાની રાહ જોતી ઉભી હતી. મેં ધ્રુવ ને ઘેર ફોન કરી જોયો પણ કોઈ ફોન ઉપાડતું ન હતું. હું નિરાશ થઈને બસ સ્ટોપ પર ગઈ અને બસ ની રાહ જોતી ઉભી હતી ત્યાં રવિ બસસ્ટોપ એનું સ્કૂટર લઈને આવ્યો એ થોડો ગભરાયેલો લાગતો હતો.
“શમા, મારા સ્કૂટર પર જલ્દી બેસી જા” એણે કહ્યું હતું.
“કેમ ક્યાં જવાનું છે”.
” વી. એસ. હોસ્પિટલમાં” એણે કહ્યું.
” કેમ? શું થયું ?” મને ફાળ પડી
“શહેરમાં તોફાન ફાટી નીકળ્યું છે. ધ્રુવ બાઈક લઈને કોલેજ તરફ આવતો હતો ત્યાં તોફાનીઓએ એના ઉપર હુમલો કર્યો છે એણે છૂરીવાગી છે.”

મારા પર એકાએક વીજળી તૂટી પડી. શું કરવું શું ન કરવું મને સમજાતું ન હતું. વિચારોના ચકારાવોમાં હું ઘુમતી રહી.

અમે હોસ્પિટલ પહોચ્યાં, સ્કૂટર પાર્ક કરીને અમે ઈમરજંસી વોર્ડ તરફ જતાં હતાં.

રવિએ કહ્યું, ” ધ્રુવના પપ્પાનો મારા પર ફોન આવ્યો હતો અને એટલે હું તોફાનની પરવા કાર્ય વિના વી. એસ. આવ્યો, ધ્રુવ કણસતો હતો એના મોમાંથી એક જ શબ્દ નીકળતો હતો – શમા…શમા….એને કોલેજેથી એના ઘરે પહોચાડી દે… જલ્દીથી. હું પરીસ્તિથી પામી ગયો અને તને લેવા કોલેજ પર આવી પહોંચ્યો.. વોર્ડ આવી ગયો. એક સ્ટ્રેચર પડ્યું હતું. આજુબાજુ એકાદ-બે કોલેજ ના દોસ્તો હતા. ધ્રુવના મમ્મી પપ્પા અને સગાવહાલાં ખૂણામાં ઉભા ઉભા રડતા હતાં. સ્ટ્રેચર પર સૂતેલા ધ્રુવ ને જોઇને હું રડી પડી હતી. એને સફેદ કપડું ઓઢાડ્યું હતું. ધ્રુવ મને છોડીને ચાલી ગયો હતો. રવિ મને સ્ટ્રેચર પાસે લઇ ગયો હતો. મેં ધ્રુવના માથા પરથી કપડું હટાવ્યું તો મારો ધ્રુવ ઘસઘસાટ ઊંઘમાં હોય એ રીતે પડ્યો હતો. ”

એને છુરીનો એક જ ઘા વાગ્યો હતો” ડોક્ટરે કહ્યું. “હા સાહેબ સાદા અને સરળ માણસો ને મારી નાખવા માટે એક “ઘા” કાફી છે. બદમાશો છુરી નાં પચ્ચીસ પચ્ચીસ ઘા માર્યા પછી પણ જીવતા રહી શકે છે. અને ધ્રુવની ખરાબી હતી કે એ સારો માણસ હતો. ” હું આક્રોશથી બોલી ગઈ.

એકવાર તૂટી ગયા પછી મારે માટે જલ્દી ઉભા થવું શક્ય ન હતું. હિંદુ મુસ્લિમોની લડાઈઓ અમારા પ્રેમની સામે જીતી ગઈ. ખબર નથી ધ્રુવ ને હિંદુ એ માર્યો કે મુસ્લિમોએ પણ જો મુસ્લિમોએ માર્યો તો એમની બહેન ને સુહાગન થતા પેહલા જ એને વિધવા બનાવી દીધી છે અને જો હિંદુઓએ માર્યો છે તો પોતાના ભાઈ ને જ માર્યો છે. હિંદુ મુસ્લિમ એકતા હારી ગઈ, એક જ પ્રશ્ન મારી સામે હતો. ધ્રુવે કોઈનું શું બગાડ્યું હતું..?

દિવસો પસાર થઇ ગયા. શરીરની તુટન અને મનની ઘુટન માંથી બહાર આવતા મને સમય લાગ્યો. મને ધ્રુવની નોટ નું વાક્ય યાદ આવી ગયું. “કોઈના હોવાં કે ન હોવાથી જીંદગી અટકી જતી નથી. થોડી તુટન આવી જાય છે પણ જીંદગી અટકી જતી નથી.”.

થોડા દિવસો પછી તોફાનો શાંત થઇ ગયા. કોલેજો શરુ થઇ ગઈ અને કોલેજ જવાનું મેં શરુ કરી દીધું. આજે મારો હમસફર ન હતો. હું એકલી જ કોલેજ જતી હતી, એ જ રસ્તા પર પાન ના ગલ્લા પર એ ગીત વાગતું હતું.

“રાસ્તા વહી હે મુસાફિર વહી, એક તારા ન જાને કહાં છુપ ગયા…. એક તારા ન જાને કહાં છુપ ગયા…………………”
* * *

Advertisements