Archive for ઓક્ટોબર, 2010

ઓક્ટોબર 13, 2010

સખી…


 

એણે આંખો બંધ કરી અને એના પેટમાં એક જબરદસ્ત આંચકો આવ્યો, અને એનો હાથ અનાયાસે જ સીટ-બેલ્ટ ઉપર જતો રહ્યો, પ્લેનનો અવાજ અને ધ્રુજારી એટલી બધી હતી કે એ લગભગ ડરી ગયો,  દર વખતની જેમ. થોડી જ ક્ષણોમાં પ્લેન ટેઇક-ઓફ થઇ ગયું અને ન્યુયોર્ક શહેર ધીમે ધીમે પાછળ રહેતું ગયું અને તે તેના વતન  અમદાવાદની નજીક બહુ ઝડપથી આવી રહ્યો હતો. ભૌગોલિક કરતાં તે માનસિક રીતે તો અમદાવાદમાં આવી જ ગયો. પ્લેન પાંત્રીસ હજાર ફીટની ઉંચાઇએ ઉડી રહ્યું હતું. હવે આકાશમાં વાદળો એને નીચેની બાજુ દેખાઇ રહ્યા હતા. એવું એણે નાનકડી બારીમાંથી જોયું. થોડી વારે પ્લેનમાં બેઠેલા લોકો સીટ-બેલ્ટ છોડીને આઘાપાછા થઇ રહ્યા હતા. એરહોસ્ટેસો લોકોની જરૂરિયાતો સર્વ કરવામાં બીઝી થઇ રહી હતી અને કલરવ પટેલ એની અમદાવાદની ભુતકાળની દુનિયામાં સેર કરવા લાગ્યો.

કલરવ પટેલ આજથી દસ વર્ષ પહેલા અમેરિકા આવ્યો હતો, એકલો આવ્યો હતો, નોકરી માટે. બે વર્ષમાં બરાબર સેટ થઇ ગયો પછી અમદાવાદ પાછો આવીને મમ્મી-પપ્પાએ જે છોકરી શોધી આપી તેની સાથે પરણીને પાછો અમેરિકા ઉડી ગયો. શરૂઆતમાં પંક્તિ સાથે અમેરિકામાં થોડી ઘણી તકલીફો પડી, નવા લગ્ન, પંક્તિ માટે નવો દેશ, કોઇ સગા-વ્હાલા નહીં. વિકેન્ડમાં ફક્ત થોડા ઘણાં ગુજરાતીઓ મળે, બાકી તો સ્ટીરીયોટાઇપ જિંદગી. સમય પસાર થતો ગયો, અગવડો ધીમે ધીમે સગવડોમાં બદલાતી ગઇ. સ્વભાવ ધીમે ધીમે અમેરિકાની લાઇફ સ્ટાઇલમાં ઢળતો ગયો અને જિંદગી હવે સીધી સપાટ રસ્તા જેવી થતી ગઇ. દિવસો પસાર થતાં ગયાં, વર્ષો પસાર થતાં ગયાં… બાળકો થયાં અને વસંતઋતુમાં જેમ ઝાડને કુંપળો ફૂટે તેમ કલરવ-પંક્તિની જિંદગીમાં ફુટારો આવતો ગયો અને જિંદગી વધુ રંગીન, વધુ સંગીન બનતી ગઇ. ડોલરો ભેગા કરીને કલરવ પટેલ એન્ડ ફેમિલી અમદાવાદ આવતા અને થોડાંક દિવસો રહીને ડોલર ખંખેરીને પાછા અમેરિકા જતાં રહેતા. આ ક્રમ લગભગ દર બે વર્ષે આવતો ગયો.

પણ આ વખતે પરિસ્થિતિ કંઇક અલગ હતી. છોકરાઓની સ્કુલો ચાલુ હતી, પંક્તિની પણ જોબ ચાલુ હતી અને કલરવનો લંગોટીયો દોસ્ત સુહાસ આજે ચોત્રીસમે વર્ષે પરણવા તૈયાર થયો હતો એટલે રજા મળે કે ન મળે પરંતુ કલરવે તો લગ્નમાં હાજરી આપ્યા સિવાય છૂટકો જ ન હતો. સુહાસ શાહ અને પૂરવ મહેતા એનાં વર્ષો જુના દોસ્તો. જ્યારે જુવાનીની મૂછનો દોરો પણ ફુટ્યો ન હતો ત્યારના દોસ્તો. આઠમાં ધોરણમાં ત્રણેય મળ્યા હતાં અને ત્યારથી અત્યાર સુધી દોસ્તી અકબંધ રહી હતી. ફક્ત સમયને લીધે મળવાનું ઓછું બનતું, પણ જ્યારે પણ મળતા ત્યારે ધબ્બો મારીને – ગાળ બોલીને મળવાનાં સંબંધો હજુ અકબંધ રહ્યા હતા. એ અમેરિકા આવ્યો ત્યારે ચોવીસ વર્ષનો હતો અને અત્યારે એ ચોત્રીસનો થઇ ગયો હતો, વચ્ચેથી દસ વર્ષ બહુ ઝડપથી પસાર થઇ ગયા હતા. દસ વર્ષ પહેલાની જિંદગી નિર્દોષ, બેફિકર, નિરાળી હતી. હવેના વર્ષો સમજદારી, જવાબદારી અને ભવિષ્યની ચિંતાના હતા, અત્યારે કેલેન્ડર 2009 નું વર્ષ બતાવી રહ્યું હતું જે દસ વર્ષ પહેલા 1999 નું બતાવી રહ્યું હતું. હવે કેલેન્ડર પણ સુપરસોનિક ગતિથી તેમના વર્ષો બદલી રહ્યા હતાં.

એર-હોસ્ટેસ પેસેજમાં ચા-કોફીની ટ્રોલી લઇને આવી રહેલી દેખાઇ રહી હતી.

દસ વર્ષો માણસના જીવનમાં શું બદલી નાખે છે, અને ખાસ કરીને વીસથી ત્રીસ વર્ષોના દિવસોનો સમય માણસને શું નુકશાન કરી નાખે છે ? વીસમે વર્ષે છોકરો જ્યારે કોલેજ પૂરી કરે છે ત્યારે તેની સામે સૌથી મોટી ચેલેન્જ હોય છે કેરિયર બનાવવાની, ભવિષ્યમાં સેટ થવાની, પૈસા કમાઇ લેવાની અને લગ્ન કરવાની. ગ્રેજ્યુએશન પુરું કરીને કોઇ કંપનીમાં દસથી છ ની નોકરી શોધી લેવી બહુ સરળ હતી, પણ પોતાનું ગમતું કામ અને પૈસા મેળવવા ત્યારે પણ અઘરા હતા. કોમ્પીટીશન ત્યારે પણ હતી અને આજે પણ છે. પણ, કલરવ, સુહાસ અને પૂરવ આ બધામાંથી કંઇક અલગ જ હતાં તેઓએ પણ સપનાં જોયેલા અને સપના સાકાર દિન-રાત મહેનત કરેલી.

“સર, વ્હોટ ડુ યુ વોન્ટ ? ટી ઓર કોફી ?” એર-હોસ્ટેસે પૂછ્યું.

“ટી” એણે કહ્યું, “વીથ મિલ્ક એન્ડ સ્યુગર બોથ ”

“યસ સર, સ્યોર સર.” એર-હોસ્ટેસે સસ્મિત કહ્યું. સ્મિત એ એનાં જોબ પ્રોફાઇલનો જ એક ભાગ હતો. એર-હોસ્ટેસનું સ્મિત એના દિમાગમાંથી આવતું હતું, દિલથી નહી. એને હસવું આવ્યું. એર-હોસ્ટેસ ટ્રોલી ખસેડતી આગળ નીકળી ગઇ.

કલરવે કોલેજ પૂરી કરીને સોફ્ટવેર પ્રોગ્રામરનો કોર્ષ જોઇન કરી લીધો. ગણિત સીધુ હતું આવતા વર્ષો ઇન્ફર્મેશન ટેકનોલોજીના હતા અને દિમાગનું દહી કરવું એ કલરવનો બહુ જુનો શોખ હતો. સુહાસ શાહે પહેલેથી જ નક્કી કર્યું હતું કે તે એમ.બી.એ. કરીને પાંચ વર્ષ નોકરી કરીને પોતાની કન્સલ્ટન્સી ફર્મ ખોલશે અને ત્યાર પછી જ તે લગ્ન કરશે. એટલે કદાચ, સુહાસ માટે લગ્ન બહુ દૂરની વાત હતી. અને પૂરવ મહેતા હંમેશા કહેતો કે હું તો એક જર્નાલિસ્ટ બનીશ અને મારી પ્રિયા સખી સાથે જ લગ્ન કરીશ.

સખી, પૂરવની બાળપણની દોસ્ત, યુવાનીની પ્રેમિકા અને ભવિષ્યની પત્નિ, જીવનસાથી, અર્ધાંગિની અને જીવનભરની પ્રેમિકા. પૂરવ અને સખી સ્કુલમાં પહેલા ધોરણથી સાથે હતાં. જ્યારે કલરવ પટેલ આઠમાં ધોરણમાં આવ્યો ત્યારે એનાં પપ્પાની બદલી બરોડાથી અમદાવાદ થઇ અને કલરવે આઠમાં ધોરણમાં અમદાવાદમાં જે સ્કુલ જોઇન કરી તે જ સ્કુલમાં, તે જ ક્લાસમાં પૂરવ મહેતા, સુહાસ શાહ અને સખી પરીખ હતાં. દિવસો પસાર થતાં ગયા, ઓળખાણ થઇ. દોસ્તી થઇ અને એ દોસ્તી જિંદગીભરની દોસ્તી થઇ ગઇ. અલબત, જ્યારે સમજદારી આવી ત્યારે સખી પ્રત્યે કલરવ અને પૂરવ બંને આકર્ષાયા. કોલેજના દિવસો આવ્યા. સદનસીબે ચારેય જણાં એક જ કોલેજમાં એક જ ક્લાસમાં સાથે મળ્યાં. કલરવના અંતર્મુખી સ્વભાવને લીધે અને પૂરવના બહિર્મુખી સ્વભાવને લીધે, પૂરવના પ્રેમનો એકરાર સખી સમક્ષ થયો અને સદનસીબે સખીની જવાબમાં ‘હા’ પણ મળી જે પૂરવ માટે જિંદગીભર આનંદનો સમય સાબિત થયો.

“સર, ડુ યુ વોન્ટ એનીથીંગ એલ્સ ? એર-હોસ્ટેસે પૂછ્યું.

“નો, થેંક્સ.” કલરવે ટુંકાવ્યું.

અહીંથી નવ કલાકનો રન લંડન સુધી હતો અને ત્યારબાદ બે કલાકનો બ્રેક હતો અને ફરીથી નવ કલાક પછી અમદાવાદ આવવાનું હતું. હજી માત્ર ત્રણ કલાક જ પસાર થયા હતા. કલરવ ઉભો થયો, બાથરૂમ જઇ આવ્યો અને પાછો આવીને જગ્યાએ બેસી ગયો. આજુબાજુ નજર ફેરવી લીધી. થોડા સ્ત્રી-પુરુષો આંખો બંધ કરીને અર્ધનિંદ્રાવસ્થાની સ્થિતિમાં, ફેલાઇને, સીટો પાછળ ઝુકાવીને પડ્યા હતા. થોડીવારમાં લંચ આવી ગયું. લંચ પતાવીને કલરવે આંખો બંધ કરીને સુવાનો પ્રયત્ન કર્યો, પણ ઉંઘ આવવાની સ્થિતિ ન હતી, પણ સમયને કાપતી હતી.

સખી, મહાભારતમાં પણ દ્રૌપદીનું બીજું નામ ‘સખી’ હતું. ના, કદાચ. શ્રીકૃષ્ણ જ એને સખી કહીને બોલાવતા હતા. કૃષ્ણ અને દ્રૌપદીનો શો સંબંધ હતો ? કદાચ કંઇ નહી. ના કદાચ હતો, હા એ પાંડવોની પત્ની હતી અને કૃષ્ણ અને પાંડવોનો શો સંબંધ હતો ? એને લાગ્યું કે એનું દિમાગ સખી કરતા મહાભારતના પાત્રોમાં ઘુસી રહ્યું હતું. એને હસવું આવ્યું. પણ, શ્રીકૃષ્ણ અને સખી (દ્રૌપદી) નો જે સંબંધ હતો એ જ સંબંધ કલરવ અને સખીનો હતો. દોસ્તીનો. નિર્દોષ દોસ્તીનો. સખી એનાં દોસ્તની પત્ની હતી. અને એ દિવસોમાં એ એના દોસ્તની પ્રેમિકા હતી.

કોલેજનાં દિવસો ચારેય દોસ્ત દરરોજ મળતા, વાતો કરતા, મજા કરતા, છૂટાં પડતા. ઇર્ષ્યા. કલરવના દિમાગમાંથી ઇર્ષ્યા શબ્દનો ઝબકારો થયો. એને પૂરવની હંમેશા ઇર્ષ્યા આવતી. સાલો સખી જેવી સુંદર છોકરીને પટાવી ગયો. ધીમે ધીમે વર્ષો પસાર થતાં ગયાં. ગ્રેજ્યુએશન પુરું થયું હવે જ ખરી રીતે કેરિયરની પસંદગી કરવાની હતી. જિંદગી જીવાતી ગઇ. કલરવ કમ્પ્યુટર સોફ્ટવેરના ક્લાસમાં વ્યસ્ત થતો ગયો. સુહાસ એમ.બી.એ. ની તૈયારીમાં અને પૂરવ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમનો કોર્ષ જોઇન કરી લીધો. અને સખીએ ઇન્ટીરીયર ડેકોરેટર્સનો કોર્ષ જોઇન કરી લીધો.

સમય બહુ જ ઝડપથી પસાર થતો ગયો. કલરવ બે વર્ષ પછી અમેરિકા જતો રહ્યો.

એરપોર્ટ પર કુટુંબીજનો ઉપરાંત પૂરવ, સખી, સુહાસ મળવા આવેલા.

“અમેરિકા જઇને અમને ભુલી ન જતો” સખીએ કહ્યું હતું.

“બિલકુલ નહીં, તમારા જેવા દોસ્તોને ક્યારેય ભુલી શકાય ?”

“પણ સાંભળ્યું છે કે અમેરિકાનું પાણી બધાં જ સંબંધો – દોસ્તોને ભુલાવી દે છે ?” સુહાસે કહ્યું.

“એટલે જ તો એ અહીંથી વોટર-બેગમાં ઇન્ડિયાનું પાણી ભરીને જાય છે.” કલરવની મમ્મીએ વોટર-બેગ એના હાથમાં આપતા કહ્યું.

અને બધા હસી પડ્યાં.

અમેરિકા પહોંચ્યા પછી થોડા દિવસો પત્ર વ્યવહાર થતો રહેતો. ટેલીફોન ચાર્જ એટલા મોંઘા હતા કે અવારનવાર ફોન કરવા પરવડતાં નહીં. પત્ર વ્યવહાર ચાલુ રહેતો.

એક દિવસ સખીનો પત્ર આવ્યો હતો. ‘મેં અને પૂરવે લગ્ન કરી લીધા છે. તને ખ્યાલ છે કે મારા પેરેન્ટસ ઇન્ટરકાસ્ટ મેરેજમાં સંમતિ આપવાના ન હતા. એટલે મોકો મળ્યે અમારે સિવિલ મેરેજ જ કરવા પડે તેમ હતાં. અને ગઇ ડિસેમ્બરની બારમી તારીખે અમે લગ્ન કરી લીધા. લગ્નમાં કન્યા પક્ષ તરફથી સુહાસે સહી કરી હતી અને પૂરવના પક્ષથી એના મમ્મી-પપ્પાએ. તને અમારા લગ્નમાં બોલાવી ન શક્યા તે બદલ માફી માગીએ છીએ. અમને લાગે છે કે તું અમને માફ કરી દઇશ. અમે બંને ખુશ છીએ. પૂરવને રિપોર્ટર તરીકે એક ગુજરાતી ન્યુઝપેપરમાં નોકરી મળી ગઇ છે. પગાર પણ સારો છે અને કામ એને ગમતું છે એટલે એ હંમેશા ખુશ રહે છે. મેં નોકરી કે વ્યવસાય ન કરવાનું નક્કી કરી લીધું છે. મારા પિયરનો હાલ પુરતો સંપર્ક રહ્યો નથી. પણ મારો કઝીન મને અવારનવાર ફોન કરીને એમનાં ખુશી-સમાચાર આપ્યા કરે છે. તું ક્યારે ઇન્ડિયા આવવાનો છે ? લખજે. અને હવે જેમ બને તેમ જલ્દીથી પરણી જા. લગ્ન વિનાનાં જીવનની કલ્પના જ અધુરી છે. ખાસ કરીને પુરુષ માટે. ફરી એકવાર એના દિમાગમાં પૂરવ પ્રત્યે ઇર્ષ્યા થઇ આવી. સાલો કેરિયર અને પ્રેમ બંને પોતાની ઇચ્છા પ્રમાણે પામ્યો છે. નસીબદાર માણસ છે.

થોડા દિવસ પછી ફરી પત્ર આવ્યો, ‘પૂરવે સાથે સાથે ન્યુઝપેપરમાં કોલમ લખવાનું શરૂ કર્યું છે. એના પૈસા અલગથી મળે છે અને હમણા જ એનું પ્રમોશન થયું. હવે અમે અમદાવાદમાં જ મોટું મકાન શોધી રહ્યા છીએ. તું ક્યારે આવે છે ? એ લખજે. અમે તને એરપોર્ટ પર લેવા આવીશું.’ પૂરવ મજામાં છે અને તને હંમેશા મીસ કરે છે. –હું પણ.

થોડા સમય પછી ઇન્ડિયા આવવાનું થયું. આ વખતે લગ્ન કરીને જ અમેરિકા જવાનું હતું. દોસ્તો મળ્યા. સખી મળી. ખુબ વાતો થઇ. પૂરવ ખુશ ખુશ દેખાતો હતો. સખીએ કહ્યું હતું, ‘આઇ એમ કેરીઇંગ.’ લગ્ન થયા અને ફરી અમેરિકા ચાલ્યો ગયો. જિંદગી પૂરપાટ દોડતી રહી. ઇન્ડિયા અને અમેરિકા પોતપોતાની ઝડપે દોડતાં રહ્યાં. સમયના અભાવે પત્ર વ્યવહાર ઓછો થતો ગયો. પણ ફોન અવારનવાર થતો, જો કે પત્ર જેટલી મજા આવતી નહીં. પૂરવનો ફોન આવ્યો. હવે એ એક બેબી બોયનો પિતા થઇ ગયો હતો. નવું ઘર અને નવી ગાડી લીધી. નોકરીથી એ સમયસર આવી જતો. બાકીનો સમય ફેમિલી સાથે ગાળતો.

કલરવ પણ બે બાળકોનો પિતા થયો. અમેરિકામાં બંને જણાંએ કામ કરવું પડતું ત્યારે મહિનાનો ખર્ચ પૂરો થતો, થોડી બચત થતી. મન્ડેથી ફ્રાઇડે સુધી મશીની જિંદગી ની ઘરઘરાટી થતી હતી. વિકેન્ડમાં એ મશીન બંધ થતું, રિચાર્જ થતું અને મન્ડેથી ફરી એ મશીન ચાલુ થતું.

ધીમે ધીમે ઉંઘ આવતી ગઇ, વિચારો ધીમે ધીમે સમતા ગયા, સોડાવોટરની બોટલ ફુટ્યા પછી થોડીવારે પરપોટાં બેસી જાય તેમ.. સવાર પડી ગઇ, અમદાવાદ આવી ગયું. ઘરે ગયો. મમ્મી-પપ્પાને મળ્યો. આરામ કર્યો. લગ્ન સાંજના હતાં. રાત્રે લગ્ન પતાવીને અમદાવાદથી મુંબઇની ફ્લાઇટ પકડીને સવારે ચાર વાગ્યે બોમ્બે-ન્યુયોર્કની નોન-સ્ટોપ ફ્લાઇટ પકડવાની હતી. શિડ્યુલ ટાઇટ હતું. એકાદ કલાકનો પણ પ્રોગ્રામ આઘોપાછો થાય તો ફ્લાઇટ મિસ થઇ જાય તેમ હતું.

સાંજે લગ્નમાં પહોંચી ગયો. સુહાસ લગ્નનાં મેઇકઅપમાં બીઝી હતો, તૈયાર થતો ગયો અને વાતો થતી ગઇ. છોકરી ક્યાંની છે, શું કરે છે, ક્યારે મળ્યાં, પપ્પાએ શોધી આપી છે જાતે શોધી…? બધી વાતો થઇ. પૂરવે એના જોબની –પ્રોગ્રેસની વાતો કરી, કલરવે પણ અમેરિકાની પોતાની જિંદગીની વાતો કરી. લગ્ન શરૂ થયાં. સુહાસ લગ્ન વિધિમાં પરોવાઈ ગયો. પાછળ બે ફુટ પછી કલરવ અને પૂરવ ગોઠવાયા. ખુબ વાતો કરી શિડ્યુલ ઘણું જ ટાઇટ છે એની વાત થઇ.

“સખી ક્યાં, બાબો ક્યાં છે ?” કલરવે પૂછ્યું.

“સખીની તબિયત બરાબર ન હતી એટલે એ આવી નથી શકી.”

“શું થયું એને ?”

“જરા વાઇરલ ફિવર છે.” પૂરવે ઉદાસીનતાથી જવાબ આપ્યો.

પૂરવ દર વખત કરતાં આજે વધારે ગંભીર દેખાતો હતો, લગ્નમાં એની શારીરિક હાજરી હતી, પણ માનસિક રીતે તે ક્યાંક બીજે જ હતો.

“બાબો શું કરે છે ?”

“મજામાં છે, દોઢ વર્ષ પૂરા કર્યા, ચાલતા-બોલતા શીખી ગયો છે.”

“સખીને ડૉક્ટર પાસે બતાવ્યું કે નહીં ?”

“બતાવ્યું, ડૉક્ટરે ત્રણ-ચાર દિવસ આરામ કરવાનું કહ્યું છે. એટલે એ ન આવી શકી, મારી પણ ઇચ્છા ન હતી, પણ એણે જ મને સામેથી દબાણ કરીને મને મોકલ્યો છે.” પૂરવ બોલતો ગયો. તને પણ યાદ આપી છે. પંક્તિ અને બાળકોને પણ યાદ આપી છે.

ઇર્ષ્યા, કલરવે પ્રયત્ન કર્યો પણ ઇર્ષ્યા એનાં દિમાગમાં ઝબકારો કરી ગઇ. સખી કેટલી સમજદાર છે, પોતે  બિમાર હોવા છતાં એણે પૂરવને લગ્નમાં હાજરી આપવા મોકલ્યો.

“આપણી દોસ્તીને વર્ષો થયાં, પણ કોઇપણ દિવસે મેં તને આટલો બધો ઉદાસ જોયો નથી, કારણ પૂછી શકું ? કોઇ જોબની ચિંતા છે ? ઘરમાં કોઇ કંકાશ ચાલે છે ? કે શેરબજારમાં રૂપિયા ખોઇ બેઠો છે ?” કલરવે પૂછ્યું.

“કંઇ નહીં, એવું કંઇ જ નથી, સખી બિમાર છે એટલે મૂડ નથી.”

“વાઇરલ ફિવરમાં આટલી બધી ગંભીરતા ?” કલરવને આશ્ચર્ય થયું.

લગ્ન પતી ગયા, ડિનર પતી ગયું, નવી ભાભી સાથે ટુંકી વાતો થઇ, લગ્નમાં મજા આવી. સમય ઓછો પડ્યો. પંક્તિ અને બાળકો ન આવી શક્યા એનો અફસોસ થયો. હવે જલ્દીથી આખા ફેમિલી સાથે આવશે. ત્રણેય ફેમિલી સાથે કેરાલા’ફરવા જઇશું, વગેરે… વાતો થઇ.

ઘડિયાળ સાડા નવનો સમય બતાવી રહી હતી. સાડા અગિયાર વાગ્યે એની અમદાવાદથી મુંબઇની ફ્લાઇટ હતી. મુંબઇથી ન્યુયોર્કની ફ્લાઇટ વહેલી સવારે ચાર વાગ્યે હતી. વચ્ચેનો સમય મુંબઇ એરપોર્ટ પર થોડો આરામ અને કસ્ટમ ક્લિયરીંગ, ચેક ઇન વગેરે માટે ગોઠવાયેલો હતો.

“ચાલ હું તને એરપોર્ટ પર ડ્રોપ કરી જાઉં.” પૂરવે કહ્યું. એના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

“હજુ આપણી પાસે બે કલાક છે, એક કલાકમાં આપણે એરપોર્ટ પર પહોંચી જઇશું.”

“વધારાનાં એક કલાકનું શું પ્લાનિંગ છે ?”

“તારા ઘરે જવાનું, સખીની ખબર પૂછવાનું અને બાબાને મળવાનું, તારા બાબાને હું રૂબરૂ મળ્યો જ નથી.”

“બીજી વખત આવે ત્યારે મળજે, આજે એરપોર્ટ પર પહોંચવાનું જોખમ લેવું નથી, આપણે અમદાવાદના બીજા છેડા પર છીએ અને સીટીથી વચ્ચેથી જવાનું છે. એટલે બેટર કે જોખમ લીધાં વિના આપણે એરપોર્ટ પર પહોંચી જવું સારું.” પૂરવે અભિપ્રાય આપ્યો.

પૂરવની વાત સાચી હતી. બંને વાતો કરતાં કરતાં એરપોર્ટ પર પહોંચ્યા, ઘડિયાળ અગિયારનો કાંટો બતાવતી હતી. છેલ્લું ચેક-ઇન કરવા માટે હજુ પાંચ-સાત મિનિટ હતી.

છેલ્લી ઘડીની વાતો થઇ. પણ પૂરવ પ્રયત્ન કરવા છતાં મૂડમાં રહી નહોતો શકતો. એનાં ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઇ રહી હતી.

“ગમે તેમ હોય, પણ તું મારાથી કંઇક છુપાવી રહ્યો છે ?”

“કંઇ નહીં છોડ યાર.”

“તું મને તારો ખરો દોસ્ત માનતો હોય તો પ્લીઝ મને બતાવ. હું તને કંઇ મદદ કરી શકું.”

“મારી સમસ્યા, આવનારા દિવસોનો કોઇ ઇલાજ નથી, ઇશ્વર પણ મને મદદ નહી કરી શકે.”

“શું કહ્યું તે ?” કલરવને આશ્ચર્ય થયું.

સખીને બ્લડ કેન્સર છે, છેલ્લાં એક મહિનામાં ડિટેક્ટ થયું, અને એ છેલ્લાં સ્ટેજમાં છે, એનાં બચવાની કોઇ આશા નથી, હવે માત્ર ત્રણ મહિના છે એની પાસે.”

ચેક-ઇનનો છેલ્લો કોલ થયો.

કલરવને ચક્કર આવી ગયાં. પરંતુ, આ વખતે એનાં દિમાગમાં ઇર્ષ્યાનો ઝબકારો ન થયો.

———-
ચાર મહિના પછી………………

‘કેવું લાગેછે?’ કલરવે સખીના માથા પર હાથ ફેરવતાં પૂછ્યું.

“ઘણું સારું લાગેછે”
“હવે તારે ફક્ત પંદર દિવસ જ અમેરિકા રહેવાનું છે. ત્યારપછી તું એકદમ સજી થઇ જઈશ. હિંમત હારી જવાથી કામ ન ચાલે અને હવે તો મેડીકલ સાયન્સ ખુબ આગળ વધી ગયુંછે. ઇન્ડિયામાં એકાદ બે ડોકટરો ના અભિપ્રાય થી કેન્સર જેવા રોગ સામે હાર ન માની લેવાય.”

“હા તારી વાત એકદમ સાચી છે. તે મને નવું જીવન આપ્યું છે. તારું આ ઋણ હું ક્યારેય નહિ ભૂલી શકું” સખી એ કહ્યું.

“ઋણ ! કેવું ઋણ? આતો મારી ફરજ છે સખી. તને ખ્યાલ છે કૃષ્ણ અને દ્રૌપદી નો જે સબંધ હતો એ આપણો સબંધ છે – દોસ્તીનો.”

સખી એકદમ હસવા લાગી, ” પણ તું તો મને પ્રેમ કરતો હતો ને, કોલેજકાળ દરમ્યાન ?”

કલરવ કંઈ ન બોલ્યો, નીચું જોઈ ગયો. એણે સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો

સખી બોલતી ગઈ, ” મારી નજર એક સ્ત્રી ની નજર છે, સ્ત્રી પુરુષના દિલની વાત બહુ આસાની થી સમજી શકે છે, પણ એ વ્યક્ત કરી શકતી નથી અથવા તો કરતી નથી.”

થોડીવારે ખુશમિજાજી સાથે પૂરવ આવ્યો

અમેરિકા જઈ કલરવે સખીના બધા જ રિપોર્ટ્સ મંગાવ્યા હતાં અને ન્યુયોર્ક ના સારા માં સારા ડોક્ટર ને બતાવીને કેન્સર ની પૂરી સારવાર થવાની સંભાવના જાણી લીધી. ત્યારબાદ એણે પૂરવ અને સખીના અમેરિકા આવવા માટેના બધા જ પેપર્સ મંગાવી લીધા અને ફટાફટ વિઝા મેળવી આપ્યા. અને એક મહિનામાં બંનેને અમેરિકા બોલાવીને ને સખી ની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી. ડોક્ટર્સની અથાક મહેનત બાદ સખીને ફક્ત ચાર મહિનામાં કેન્સર જેવા મહારોગમાંથી મુક્તિ મળી. જેનો સંતોષ પૂરવ ના ચેહરા પર સ્પષ્ટ દેખાતો હતો – અને કલરવ ના ચેહરા પર પણ.

Advertisements