Archive for નવેમ્બર, 2010

નવેમ્બર 19, 2010

આઇ પોડ
ડૉ. આર્યને આંખો બંધ કરવા પ્રયત્ન કર્યો પણ એ ન કરી શક્યો. એને ફરી વિચાર આવ્યો કે એના હાથ હજુ પણ લોહીના ડાઘથી ખરડાયેલા છે. એ ઉભો થયો ફરીથી વોશબેઝીનમાં ડેટોલથી હાથ ઘોયા, લૂછ્યા અને સુંઘી જોયાં. અરીસાની સામે જોઇને હાથ ચેક કરી લીધાં એના હાથ હવે એકદમ ચોખ્ખા હતાં. આઠમી વાર કરી રહ્યો હતો. એને થયું કે હવે બેડરૂમમાં જઇને આડા પડવું જોઇએ.

ડૉ. આર્યનનો સાત બેડરૂમ વાળો ફ્લેટ હતો જેનાં બે દરવાજા હતાં અને એના ફ્લોર પર ફક્ત એક જ ફ્લેટ હતો. મુંબઇનાં સાંતાક્રુઝ જેવાં વિસ્તારમાં આટલો મોટો ફ્લેટ હોવો એ બહુ મોટી વાત હતી. અલબત, એ એના માતાપિતા તરફથી મળેલ વારસાની મિલકત હતી. કુટુંબમાં બીજું કોઇ ન હતું. ભણવામાં એ જબરદસ્ત હોશિંયાર હતો. જોત જોતામાં એણે સાથે સાઇકિયાટ્રીસ્ટની માસ્ટર ડિગ્રી મેળવી લીધી હતી. એનાં માતા-પિતા મેડિકલનાં અભ્યાસ દરમિયાન એક અકસ્માતમાં અવસાન પામેલાં. સંબંધીના નામે હવે એની જિંદગીમાં કોઇ જ ન હતું. પણ, કહે છે ને કે જિંદગીના રસ્તામાં કોઇને કોઇ હમસફર મળી જ રહે છે એમ ડૉ. આર્યનને પણ એની જ મેડિકલ કોલેજમાં ભણતી તન્વી મળી ગઇ અને જિંદગી ખાલી થતાંની સાથે જ તન્વીનાં પ્રેમથી છલકાઇ ગઇ. મેડિકલના અભ્યાસનાં વર્ષો ભણવામાં અને તન્વી સાથે પ્રેમ કરવામાં પસાર થઇ ગયા, ડૉ. આર્યન જન્મથી જ ગર્ભશ્રીમંત હતો અને એને લેટેસ્ટ ટેકનોલોજીનો ગજબનો શોખ હતો. એકવાર એણે એનાં દોસ્ત પાસે અમેરિકન આઇ-પોડ મંગાવીને તન્વીને આપ્યો હતો.

 “આ શું છે, આર્યન ?”

 “લેટેસ્ટ આઇ-પોડ વિથ રેકોર્ડીંગ એન્ડ પ્લેયર, એમાં એલાર્મ પણ છે અને તું જે સમય એમાં મુકે એ સમયે તારું મનગમતું સંગીત એની મેળે જ ચાલું થઇ જાય.”

“અરે વાહ, પણ તું બહું મોંઘી ગિફ્ટ આપે છે મને.”

“મારા માટે તારા જેટલી કોઇ જ મુલ્યવાન વસ્તુ નથી.” અને એણે તન્વીને ચુમી લીધી હતી…

ડૉ. આર્યન ચાલતો ચાલતો પ્રથમ બેડરૂમમાં ગયો. એ અને તન્વી લગ્ન પછી દરરોજ એક બેડરૂમમાં સૂતાં હતાં… સોમવારથી રવિવાર… અઠવાડિયું પુરું થાય ત્યારે સાતેય બેડરૂમના એક એક રાત્રીના હિસાબે પ્રેમ રાત્રીના સાક્ષી થઇ જતાં. આ ઘટનાક્રમ છેલ્લાં ચાર વર્ષથી એટલે કે લગ્નની પ્રથમ રાત્રીથી જ ચાલ્યો આવતો.

 તન્વી ને આર્યને આપેલો આઇ-પોડ બહુ જ ગમતો હતો. એના દરેકે દરેક ફંકશનનો એ બહુ બખુબી ઉપયોગ કરી લેતી. એ જ્યાં પણ જાય ત્યાં એનો આઇ-પોડ એની સાથે જ રહેતો. એને કશુંક ગમી જાય તો તે તરત જ આઇ-પોડ ઓન કરીને એનો અવાજ ટેપ કરી લેતી અને નવરાશની પળોમાં આઇ-પોડમાં રેકોર્ડડ અવાજ સાંભળતી અને ખુશ થઇ જાતી.

 ડૉ. આર્યને પ્રથમ બેડરૂમની બધી જ વસ્તુઓ ફંફોશી લીધી, પણ એને આઇ-પોડ ન મળ્યો. તન્વીની સાથે ગુજારેલી દરેક સોમવારની રાત્રીઓ-પ્રેમાલાપો-સંવાદો એને મળ્યા.

 “આજે મન્ડે છે એનો અર્થ મન-ડે થાય એટલે કે મનથી પ્રેમ કરવાનો.”  એવું આર્યને એક વખત કહ્યું હતું એ એને યાદ આવ્યું. મખમાલી બેડસીટ પર પડેલી સિરવટો તન્વીના અને એનાં પ્રેમની યાદ એને ધ્રુજાવી ગઇ. કેટલી મધુર પ્રેયસી હતી.

 ડૉ. આર્યન બીજા બેડરૂમમાં પ્રવેશ્યો અને એની નજર આયના પર પડી. એને લાગ્યું કે ગાલ પર લોહીનાં ત્રણ-ચાર ડાઘ છે. એણે બીજારૂમમાં જઇ એનો ચહેરો બરાબર ઘસી જોયો-લૂછી જોયો અને પોતાના ચહેરાને સાફ કર્યો. બેડરૂમમાં એનો અને તન્વીનો કાશ્મીરની વાદીઓમાં પડાવેલો ફોટો લટકાવેલો હતો. પ્રેમથી તરબોળ કપલ-ફોટો અને કાશ્મીરમાં વિતાવેલા સાત દિવસો એને તન્વીની યાદથી તરબતર કરી ગયો. એને લાગ્યું કે તન્વી જેવી સ્ત્રી એનાં આવતાં સાત ભવમાં નહી મળે.

 એણે જ્યારે ત્રીજા બેડરૂમમાં પ્રવેશ કર્યો ત્યારે બેડરૂમનાં દરવાજા પર લોહીનાં ડાઘ દેખાયાં. બુધવારની રાત્રી આ બેડરૂમમાં ઉજવાતી. બુધવાર એ વિકની શરૂઆતનો ત્રીજો દિવસ હતો. આ રૂમ તન્વીએ એકદમ આછા ગ્રીન શેડથી રંગાવ્યો હતો. એ કહેતી કે વિકના બાકી દિવસો માટે આર્યનને રિ-ચાર્જ કરવો બહુ જ જરૂરી હતો. ગ્રીન શેડવાળો રૂમ આર્યનને આહલાદક ઠંડક આપતો. એણે ઝડપથી દરવાજાનાં લોહીના ડાઘ સાફ કર્યા. આ રૂમમાં પણ એને તન્વીનાં પ્રેમભર્યા સંવાદો સિવાય કંઇ જ ન મળ્યું.

 ડૉ. આર્યન મનના રઘવાટ સાથે ચોથા બેડરૂમમાં ગયો જે ગુરુવારની રાત્રી માટેનો હતો. આખા ફ્લેટનો સૌથી વિશાળ બેડરૂમ. બેડરૂમની એક દિવાલ સ્લાઇડીંગ વિન્ડોથી બનાવેલી હતી અને એ વિન્ડોમાંથી એ રાત્રે ટેઇક ઓફ થતાં વિમાનો જોઇ શકાતા હતાં, વિમાનોનો ઘરઘરાટ એમની પ્રેમગોષ્ઠીમાં દર ગુરુવારે વિક્ષેપ પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં. એણે વિન્ડો ઓપન કરીને નીચે તરફ નજર કરી તો નીચે લોહીનું ખાબોચિયું એપાર્ટમેન્ટની ટ્યુબલાઇટના આછા અજવાળામાં દેખાયું. એ ફટાફટ નીચે ઉતર્યો અને એ ખાબોચિયા પાસે પહોંચ્યો. એણે જોયું તો એ લોહીનું નહી પણ પાણીનું ખાબોચિયું હતું. એણે બાજુમાંથી સિક્યુરીટી ગાર્ડને બોલાવીને ખાબોચિયું સાફ કરાવી દીધું અને ઝડપથી એ પોતાના ફ્લેટમાં આવી ગયો.

 શુક્રવારનાં બેડરૂમમાં જ્યારે એ ગયો ત્યારે બેડરૂમની આખી દિવાલો બંનેના અલગ અલગ ફોટોગ્રાફથી સજાવેલો જોયો. એણે જોયું કે બે દિવસ પહેલાં જ્યારે આ રૂમમાં સૂતો હતો ત્યારે આટલાં બધાં ફોટોગ્રાફ્સ ન હતાં. નક્કી આ બધું તન્વીએ કોઇ ચોક્કસ હેતુ ને લીધે જ શણગારેલું હોવું જોઇએ. એણે બારીકાઇથી દરેક ફોટા જોયા તો એને અહેસાસ થઇ ગયો કે તન્વી અને આર્યન જ્યારથી પ્રેમમાં પડ્યા ત્યારથી જે જે ફોટોગ્રાફ્સ લીધાં હતાં એમાંના સૌથી સુંદર ફોટાઓનું એ કલેક્શન હતું જેમાંથી કેવળ પ્રેમ જ નીતરતો હતો…

 શનિવારનો બેડરૂમ એટલે વિક એન્ડ માનો એક દિવસ મજાનો દિવસ. પણ તન્વી હંમેશા કહેતી કે શનિવાર ભારે દિવસ કહેવાય. દુનિયાની મોટા ભાગની અનિચ્છનીય ઘટનાઓ શનિવારે જ થતી અને એ વાત કદાચ આર્યન માટે તો શબ્દશ: સાચી હતી.

ગઇકાલની રાત્રી લો. કેટલી બધી વિસંગતતાઓ એ દિવસે થઇ હતી. કેટલી બધી લડાઇ થઇ હતી.

 “એ કોણ છે ?”

“કોણ, કોની વાત કરે છે ?”

“એ જ કે જ્યારે તને ક્લીનીક પરથી ફોન કરું છું. ત્યારે બેકગ્રાઉન્ડમાં એનો અવાજ સંભળાય છે ?”

“મેં તને અગાઉ પણ કહ્યું છે કે એ મારો પ્રેમી છે.” તન્વીએ સામે કહ્યું હતું.

“પ્રેમી, તો હું કોણ છું ?” ગુસ્સાથી લાલચોળ થઇ ગયો આર્યન.

“તું, તું તો મારો ભુતકાળનો પ્રેમી છે, અને વર્તમાનનો મારો પતિ.” “કેમ હું તને પ્રેમ નથી કરતો ?”

“કરે છે ને, બહુ જ કરે છે. મારી આવતી સાત જિંદગીમાં તારા જેવો પ્રેમીપતિ નહી મળે.” એણે હસીને કહ્યું હતું.

“હસવાનું બંધ કર, પ્રેમીપતિ એટલે શું ? પ્રેમી નહી ?”

“ના હરગીઝ નહી, તું પ્રેમીપતિ છે. પ્રેમી નહી. પ્રેમી જ્યારે પતિની ભુમિકામાં આવી જાય છે ત્યારે ‘પ્રેમી’ શબ્દ લંબાઇને પ્રેમીપતિ બની જાય છે અને પ્રેમી અને પ્રેમીપતિમાં બહું જ અંતર છે જે પુરુષ હોવાને લીધે તને નહી સમજાય !” તન્વીએ સ્પષ્ટતાથી આર્યનને ચોપડાવી દીધું હતું.

“ચૂપ કર, છેલ્લાં કેટલાંયે દિવસોથી હું તારો આ જવાબ સાંભળતો આવ્યો છું, પણ આજે એ બદમાશનું નામ જાણીને જ રહીશ.” એ ચિલ્લાયો હતો. “હું નહી જ કહું. મારી જીદ આગળ તારું પતિપણું હારી જશે.”

“તારે કહેવું જ પડશે.” “નહી એટલે નહી,”

 અને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ડૉ. આર્યનના મનમાં પેસેલો શંકાનો કીડો એકદમ ઘાતકી થઇને તન્વી ઉપર તુટી પડેલો. તન્વીએ પણ આર્યનને એનાં કહેવાતાં પ્રેમી વિશે કશું જ ન કહ્યું. ફક્ત એ માર ખાતી રહી. અડધી રાત સુધી પિટાતી રહી. તન્વી મનમાં ને મનમાં એક પુરુષપ્રેમી વિશે વિચારતી રહી. મોડી રાત્રે સૂઇ ગયાં. તન્વીને ઉંઘ આવે એ પરિસ્થિતિ ન હતી. એનો બસ એનાં પ્રેમીના વિચારોમાં ને વિચારોમાં આખી રાત જાગતી રહી.

 વહેલી સવારે ડૉ. આર્યનની ઉંઘ પુરી થવામાં હતી ત્યારે એણે ફરીથી કંઇક અવાજ સાંભળ્યો. એ અવાજ ડ્રોઇંગ રૂમમાંથી આવતો હતો. આ એજ અવાજ હતો જે એને છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી તન્વી સાથે બપોરે ફોન પર વાત કરતી વખતે સંભળાતો હતો. એ અવાજની સાથે એક સ્ત્રીનો અવાજ પણ સંભળાતો હતો જે તન્વીનો હતો. એણે છુપાઇને ડ્રોઇંગ રૂમમાંથી આવતાં અવાજ સાંભળવા પ્રયત્ન કર્યો.

“તું કેટલી બધી સુંદર છે, તારી સુંદરતામાં હું મારું ભાન ભુલાવી ચૂક્યો છું, બસ હવે કેટલો સમય આ દૂરી વેઠવી પડશે?” અવાજે કહ્યું હતું.

“બસ થોડો સમય રોકાઇ જા, પછી આપણે લગ્ન કરીશું. આપણી દુનિયા વસાવીશું, આપણા સપના સજાવીશું.” એ તન્વીનો અવાજ હતો.

આર્યન સહેજ પણ અવાજ કર્યા વિના ડ્રોઇંગ રૂમનો અવાજ સાંભળતો રહ્યો. તન્વી પણ ડ્રોઇંગ રૂમમાં જ હતી.

“તને ખ્યાલ છે ને કે હું તને તારા કરતા પણ વધારે પ્રેમ કરું છું, પણ થોડો સમય રાહ જોવી જ પડશે. ડિયર પછી જ આપણે લગ્ન કરી શકીશું.” તન્વીનો મધુર સ્વર એ છુપાઇને સાંભળતો રહ્યો.

એ જ વખતે આર્યનનો હાથ દરવાજા પર અથડાયો અને ડ્રોઇંગ રૂમ સાવધાન થઇ ગયો. પલકારમાં ડ્રોઇંગ રૂમમાં અવાજ આવ્યો હતો અને આર્યન સીધો જ ડ્રોઇંગ રૂમ તરફ દોડ્યો. ખટાક દઇને અવાજ આવતો બંધ થયો. એ ફ્લેટના દરવાજા તરફ દોડ્યો. બંને દરવાજા અધખુલ્લાં હતાં અને ત્યાંથી કોઇ ગયું એવું કંઇ આર્યન ન નોંધી શક્યો. એ ઝડપથી તન્વીને શોધતો શોધતો દરેક બેડરૂમમાં આવ્યો ત્યારે તન્વી રવિવારના બેડરૂમમાં લાલચોળ ચહેરા સાથે ઉભી હતી.

“કોણ હતું એ ?”

“કોણ? કોઇ જ નહીં, એ તારો ભાસ છે.”

“નહીં, મને ઉલ્લુ બનાવવાનું છોડી દે, હવે તારા પાપનો ઘડો ભરાઇ ચૂક્યો છે.”

એમ કહીને આર્યને તન્વીને માથામાં દસ્તો ફટકાર્યો હતો. એક જ ફટકારમાં તન્વી લોહીલુહાણ થઇને ઢળી પડી હતી. એ કણસતી હતી.

 “મારા પ્રેમી આર્યન મને છોડી દે.” 

પણ આર્યને ઉપરા ઉપરી દસ્તાના ચાર-પાંચ ઘા કરીને તન્વીને આ દુનિયામાંથી બીજી દુનિયામાં મોકલી દીધી હતી. એ રવિવારની સવાર હતી. તન્વીનો તરફડાટ શમી ગયા પછી ડૉ. આર્યનનો માનસિક તરફડાટ શરૂ થઇ ગયો. શું કરવું, લાશને ક્યાં ઠેકાણે કરવી. બધું ઝડપથી વિચારવા લાગ્યો અને સાંજ પડતાં સુધી એ બધું એણે એકલા હાથે સમુંસુતરું પાર પાડી દીધું. આર્યન ઘરમાં આવ્યા પછી એને ઘણી બધી જગ્યાએ લોહીના ડાઘ દેખાવા માંડયા અને એ દરેક રૂમમાં આઇ-પોડની શોધમાં દરેક રૂમમાં ફરતો ફરતો રવિવારવાળા બેડરૂમમાં આવ્યો.

 એણે જોયું કે આ રૂમમાં એણે તન્વીનું ખૂન કર્યું હતું પણ આ રૂમમાં લોહીનો એક પણ ડાઘ ન હતો અને ખૂન થયા પછી એ એક પણ બેડરૂમમાં ગયો ન હતો છતાં દરેક રૂમમાં લોહીનાં ડાઘ દેખાતાં હતાં. એનું દિમાગ ચકરાવા લાગ્યું. એની નજર બેડરૂમના સાઇડટેબલ પર પડી જ્યાં પેલું આઇ પોડ પડ્યું હતું. એણે હાથમાં લઇ સ્વીચ ઓન કર્યું અને……..

“થોડો સમય એટલે કેટલી રાહ જોવાની ?” અવાજે કહ્યું.

“આપણું મેડિકલ પતી જાય પછી. પણ હું ડૉક્ટર થયા પછી પણ પ્રેક્ટીશ નહી કરું. મારે ફક્ત તારી પ્રેમીકા બનીને તારા ઘરમાં એક આદર્શ ગૃહીણી થઇને જ રહેવું છે. તું પ્રેક્ટીશ કરજે.”

ડૉ. આર્યન પાંચ વર્ષ પહેલાનાં સંવાદો યાદ કરતો રહ્યો. અરે આ તો મારો જ અવાજ છે. આ મારો અને તન્વીનો જ સંવાદ છે. તન્વીનો પ્રેમી બીજો કોઇ જ નહી પણ પોતે જ હતો. ભુતકાળનો પ્રેમી અને અત્યારનો પ્રેમીપતિ… ના અત્યારનો ખૂની…***

Advertisements