Archive for જાન્યુઆરી, 2011

જાન્યુઆરી 27, 2011

તમે જે કહો એ…


આકાર ઇન્ટિરીયર્સનો માલિક આકાર દવે જ્યારે ઓફિસમાં પહોંચ્યો ત્યારે ચાર વાગી ગયા હતા. સાઇટ પર દેખરેખ કરવા, સૂચનો આપવા અને સુપરવિઝન કરવા એ ફક્ત ફર્સ્ટહાફ જ પસંદ કરતો. બે વાગ્યા સુધીમાં તો એ ઓફિસ અચૂક આવી જતો. ત્યારબાદ એ તેના જુનિયર આર્ટિસ્ટો સાથે એકાદ કલાકની જોઇન્ટ મિટીંગ કરી લેતો. જેમાં દરેક સાઇટ પર દેખરેખથી માંડીને એના પ્રોગ્રેસની વિગતો, જરૂરી સુધારા વધારા, ઇનોવેટિવ આઇડીયાઝ વગેરેની ઝીણવટપુર્વક ચર્ચા કરતો પછી ઓફિસના રૂટીન હિસાબો ચકાસવાથી માંડીને પાર્ટીના બિલ પેમેન્ટ્સની વિગતો કરી એ સાંજે ઘર ભેગો થઇ જતો. સાંજે પાંચ વાગ્યાની આસપાસ એની પત્ની અર્ચના ફોન કરતી. થોડીઘણી ઘરની વાતો થતી.

 પણ, આજે સાઇટ પરથી જ એ ઘણો મોડો આવ્યો હતો એટલે જે કાંઇપણ કામ કરવાનું હતું તે ઝડપથી પણ ચોકસાઇપુર્વક કરવાનું હતું. એ ફ્રેશ થઇને ઓફિસના કોન્ફરન્સ રૂમમાં આવી ગયો ઇન્ટિરીયર જુનિયર્સ પણ પોતપોતાના પ્રોજેક્ટ્સ લઇને ગોઠવાઇ ગયા હતા.

“ગુડ આફ્ટરનૂન સર.” શ્યામાએ કહ્યું.

‘યસ, ગુડ આફ્ટરનૂન, બોલ આપણા મુરબ્બી નેતા ઘનશ્યામદાસના બંગલાનું કામ કેટલે પહોંચ્યું ?’ આકારે પૂછ્યું.

‘સર, હવે ફિનિશિંગ કામ થઇ રહ્યું છે, ડ્રોઇંગરૂમમાં એક મોટું પિક્ચર લગાવવાનું છે જેનું સિલેક્શન હજુ બાકી છે એ લોકોને મેં ઘણાં પિક્ચર બતાવ્યા પણ ખાસ જામતું નથી.’ શ્યામાએ પોતાનો રિપોર્ટ આવ્યો.

‘તેં કોઇ પિક્ચર્સ વિચાર્યા છે ?’

‘જી સર, એક મોર્ડન આર્ટ છે, ફ્રાન્સના આર્ટિસ્ટનું, બીજું શ્રીનાથજી ભગવાનનો ફોટો અને ત્રીજુ એમના ફેમિલીનો ફોટો આમાંથી કંઇ પણ સિલેક્ટ કરી શકાય.’ પોતાનો અભિપ્રાય આપતા શ્યામાએ કહ્યું.

થોડો સમય આકારે આંખો બંધ કરી અને વિચારવા લાગ્યો. આ એની દર વખતની આદત હતી, જુનિયર આર્ટિસ્ટો એકબીજાની સામે જોતા રહ્યા અને પોતાને પણ કંઇક ક્રિએટીવ વિચાર આવશે એવું માનીને બે જણાએ તો આંખો પણ બંધ કરી જોઇ, થોડીવારે આંખો ખોલીને આકારે કહ્યું, ‘એમના ડ્રોઇંગરૂમમાં ગીતા ઉપદેશ આપતું કૃષ્ણ-અર્જુનનું બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર-પેન્સિલ સ્કેચવાળું બનાવડાવીને લગાવી દો.’

‘સર, આ પ્રકારનું પિક્ચર સિલેક્ટ કરવાનું કારણ જણાવશો. જેથી ઘનશ્યામદાસને સમજાવતાં ફાવે.’

‘ઘનશ્યામદાસએ રાજકારણી છે. મહાભારતમાં કૃષ્ણ જેવો કોઇ રાજકારણી આજ સુધી પેદા નથી થયો અને એ એમના લીવીંગરૂમમાં રહેવાથી એમને સતત આંખ સામે રહેશે કે રાજકારણીની ફરજ શું છે ? એમાં કેવા કાવાદાવા કરીને આગળ વધવું, વગેરે વગેરે… અને બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં મૂકવાનું કારણ એ જ કે એમને રાજકારણમાં ઘણાં કાળાધોળા કરવા પડતા હોય છે. એટલે એમને યાદ રહે કે કેટલો કાળો રંગ સફેદમાં સમાઇ શકે છે. વધારે પડતો કાળો રંગ આખા બંગલાની મજા મારી નાખે છે.’

‘હં હવે સમજાયું કે તમે આખો બંગલો બ્લેક એન્ડ વ્હાઇટની થીમ પર ઇન્ટિરિયર કેમ કર્યો છે.’ રીમા બોલી.

‘અને એ બંગલાનું કામ શ્યામાને આપવાનું કારણ પણ એ જ છે કે શ્યામાનો મતલબ પણ કાળો થાય છે.’ આકાર હસ્યો.

‘આમ જુઓ તો સફેદ એ રંગ નથી, કાળો રંગ છે, સફેદમાં સાત રંગો સમાયા હોય છે. ત્યારે જ એ સફેદ રંગ થાય છે.’ શ્યામાએ કહ્યું.

‘ચલો હવે રીમા તારું અપડેશન આપ.’

‘સર, ચાર્ટર્ડ એકાઇન્ટટ સાહેબની ઓફિસ તૈયાર થઇ ગઇ છે. એ જે કેબીનમાં બેસવાના છે એ વોલની ટેકસ્ચર્સનું

સિલેક્શન કરવાનું છે.’ રીમા બોલી.

‘ક્યાં રંગો કરીશ ?’

‘તમે જે કહો એ ?’

‘કેમ ?, દર વખતે હું કહું એમ જ કરવાનું ?’ પછી એ  થોડું વિચારીને બોલ્યો, ‘એમની કેબીનમાં આઇવરી કલર કરી નાખો અને એ જ કલરનું ટેક્સચર સામેની દિવાલ પર કરી નાખો. કારણ કે સી એ સાહેબને આખો દિવસ આંકડાઓની માયાજાળમાં રમવાનું હોય છે એટલે એમને બને તેટલો સિમ્પલ લૂક આપશો તો એમને માનસિક શાંતિ મળશે અને કોન્સ્ટ્રેશન જાળવવામાં મદદ રહેશે.’

એ પછી કવિતાનો ટર્ન આવ્યો, એ એક એડવર્ટાઇઝ એજન્સીની ઓફિસ બનાવી રહી હતી, ‘કઇ થીમ પર બનાવી ઓફિસ.’

‘તે શું વિચાર્યું છે ?’

‘કંઇ ખાસ નહી, તમે જે કહો એ.’

આકારે એડ એજન્સીની ઓફિસની થીમ સમુદ્રની દરેક વેરાઇરીઝ પ્રમાણે નક્કી કરી. જેનું કારણ હતું કે એડ એજન્સી દુનિયાથી અલિપ્ત થઇને પોતાનું કામ કરતી હોય છે અને સમુદ્રની દુનિયા પણ આપણી દુનિયાથી અલગ હોય છે. આ ઉપરાંત એડ એજન્સીનું નામ જ ‘સમુદ્ર એડ્સ’ હતું.

આકારના મોબાઇલમાં રીંગ વાગી એણે સાયલન્ટનું બટન દબાવીને મોબાઇલને ચૂપ કરી દીધો. આ ફોન એની પત્નિનો હતો. દરરોજ સાંજની જેમ એ આજે પણ એની સાથે વાત કરવાની હતી. આકાર ઝડપથી મીટીંગ આગળ વધારતો રહ્યો. દરેકે દરેક પ્રોજેક્ટમાં એના જુનિયર્સનો ઓપિનિયન લેતો અને પછી પૂછતો તમારો શું વિચાર છે ? પછી લગભગ બધાં જ છેલ્લું વાક્ય બોલતાં ‘તમે જે કહો એ’ અને આકાર જે સૂચનો આપતો એ પ્રમાણે ઇન્ટિરિયર તૈયાર થતું જે બંગલાના, ઓફિસના માલિકને તો ગમતું પણ ત્યાં જોવા આવનારા દરેકે દરેકને એનો ઇનોવેટિવ આઇડિયા ગમતો. લોકો પૂછતાં પૂછતાં આકારની ઓફિસે આવી જતાં અને એમની પ્રોપર્ટીનું ઇન્ટિરિયર ડિઝાઇનીંગનું કામ મળતું. આમને આમ એનો બિઝનેસ ઉછળવા માંડ્યો, સમુદ્રમાં મોજા ઉછળે એમ.

આકારે ઝડપથી મીટીંગ ખતમ કરી ત્યારબાદ ઘરે અર્ચનાને ફોન કર્યો.

 હેલ્લો, બોલ શું હતું.’ આકારે કહ્યું.

 ‘બસ એમ જ ફોન કર્યો હતો, બહુ બીઝી હતો ?’

 ‘હા, તું બપોરે સૂતી હતી.’

 ‘હા, ખાસ ઉંઘ ન આવી એટલે તમને ફોન કરી લીધો ડાર્લીંગ.’

 ‘સારું થયું.’ આકાર હસ્યો.

 ‘સાંજે શું બનાવું ?’ અર્ચનાએ પૂછ્યું.

 ‘જે બનાવવું હોય એ બનાવ. તારા હાથની દરેક રસોઇ મને ભાવે જ છે.’

 ‘ના, દરરોજ આવું જ કહો છો. ખોટા મસ્કા મારવાના બંધ કરી દો. લગ્નને હવે આઠ વર્ષ થયાં.’ અર્ચના હસી પડી.

આકાર અને અર્ચના ના લગ્ન આઠ વર્ષ  પહેલા થયા હતા. જયારે આકારે અર્ચનાને પેહલી વાર જોઈ હતી ત્યારથી જ એ એની શરબતી આંખો અને રેશમી ઝુલ્ફોના પ્રેમમાં પડી ગયો હતો, જે આજે પણ અકબંધ હતો.

‘શું બનાવીશ.’ આકારે શાંતીથી પૂછ્યું.

‘તમે જે કહો એ.’

‘આકારે આંખો બંધ કરી. ભારતીય ભોજનનાં લગભગ બધાં વ્યંજનો એણે એના માનસપટ પર લાવી દીધાં, વિચારી લીધાં પછી બોલ્યો.

 ‘શાક અને ભાખરી ?’

 ‘ગઇકાલે રાત્રે તો એ જ જમ્યા હતાં, બીજું કંઇ બોલો.’

 ‘વઘારેલી ખીચડી, પાપડ, ચટણી અને ભાખરી ?’

 ‘રોજ શું ખીચડી ખાવાની.’

 ‘બટાટા વડા કે દાળવડા.’

 ‘એનાંથી પેટ નહી ભરાય.’

 ‘દહીંવડા.’

 ‘સવારે વહેલાં કહેવું હતું ને, દાળવડાનું વહેલા પલાળવું પડે.’

 ‘મસાલા ઢોંસા કે ઇડલી.’

 ‘એ પણ સવારે પલાળવું પડે. આથો ન આવે.

 ‘બટાટા પૌંઆ.’

 ‘છોકરાઓ ના પાડે છે.’

 ‘છોલે પૂરી ?’

 ‘રાત્રે છોલે પૂરીથી તને ગેસ થઇ જાય છે.’

 ‘પાલકના પરોઠા ?’

 ‘ના એ મને નથી ભાવતાં.’

 ‘દાલફ્રાય અને રાઇસ ?’

 ‘ના સવારે તો દાળભાત ખાધા હતા.’

 ‘રવા ઇડલી ?’

 ‘ઘરમાં રવો નથી અને હું રવો લેવા બહાર જવાની નથી.’

 ‘કંઇક પંજાબી સબ્જી બનાવી નાખ.’

 ‘ના એમાં સમય બહુ લાગે છે.’

 ‘ભાખરીનાં પીઝા ?’

 ‘ના ચીઝ વાળી વસ્તુ ખાવાથી તારું કોલેસ્ટરોલ વધી જશે.’

 ‘ભાજીપાંવ.’

 ‘એનાથી એસીડીટી થઇ જાય છે.’

 ‘બહાર હોટલમાં જઇએ તો ?’

 ‘અવારનવાર હોટલનું જમવાથી પેટ ખરાબ થઇ જાય.’

 ‘રગડા પેટીસ.’

 ‘એતો કંઇ ખાવાનું છે.’

 ‘પાણી પૂરી.’

 ‘એ ડિનરમાં ન ચાલે.’

 ‘લોચા પૂરી.’

 ‘એકલી પૂરી ? કેવું લાગે ?’

 ‘અળવીના પાન ?’

 ‘ના, કૂકરની સીટી બગડેલી છે.’

 ‘હાંડવો ?’

 ‘અત્યારે ન બને ડાર્લિંગ, સવારથી પલાળવું પડે, આથો લાવવો પડે.’

 ‘હું બહારથી ટીફીન લાવું તો.’

 ‘બહારનું તો ખાવું જ નથી.’

 ‘તો શું બનાવીશ.’ આકારે બિલકુલ કંટાળ્યા વગર પૂછ્યું.

 ‘તમે જે કહો એ’ અર્ચનાએ કહ્યું.

*         *        *

Advertisements